સ્પેશિયલ -સોનલ કારિયા
સામાન્યત: જો દીકરી જન્મે તો તેના માટે કપડાં કે અન્ય ચીજવસ્તુઓ પસંદ કરતી વખતે પિન્ક એટલે કે ગુલાબી રંગ પસંદ કરવામાં આવે છે અને દીકરા માટે બ્લુ રંગની ચીજો પસંદ કરવામાં આવે છે. બાળકોમાં જ નહીં પણ વ્યસ્ક લોકોમાં પણ સ્ત્રીઓનાં કપડાં, પર્સ કે અન્ય સાજશણગારની વસ્તુઓમાં પિન્ક રંગ વધુ જોવા મળે છે. મહિલાઓ કે છોકરીઓ માટે પિન્ક એ આખો પશ્ર્ચિમનો વિચાર છે. એક સદી પહેલાં પશ્ર્ચિમમાં પણ રંગોના આવા ભેદભાવ નહોતા કે આ રંગ સ્ત્રીઓનો અને આ રંગ પુરુષોનો, પરંતુ બીજા વિશ્ર્વયુદ્ધના સમયથી સ્ત્રીઓ પણ ઘરની ચાર દીવાલોની બહાર આવી, અનેક ક્ષેત્રો જે અગાઉ માત્ર પુરુષોની જાગીર ગણાતા હતા એમાં તેણે પદાર્પણ કર્યું.
સ્ત્રીઓને મળી રહેલી આ સ્વતંત્રતા અને તેની પ્રગતિ જોઈને ૧૯૫૦ના દાયકામાં મોટા ભાગના પુરુષોના પેટમાં ચૂંક આવવા માંડી. સ્ત્રીઓ તો નાજુક છે, તેમણે તો ઘર-પરિવારની જવાબદારી જ સંભાળવી જોઈએ, તેણે તો ક્યુટ અને સ્વીટ જ રહેવું જોઈએ એવી એક વિચારધારા આ પુરુષોએ ફેલાવવા માંડી. આમાંથી એક ઉક્તિનો જન્મ થયો- થિંક પિંક. અર્થાત્ સ્ત્રીઓએ પોતાનું સ્ત્રીત્વ જાળવીને ફરી પાછા ઘરમાં બેસી જવું જોઈએ. ખાસ કરીને અમેરિકામાં છોકરી અને છોકરા વચ્ચેની ભેદરેખાને જાડી કરવાની કોશિશ શરૂ થઈ. ત્યારથી પિન્ક એટલે કે ગુલાબી રંગને સ્ત્રીત્વ સાથે જોડી દેવામાં આવ્યો.
જાહેરખબર કરનારાઓએ આ આખા વિચારને પકડી લીધો અને પિન્ક છોકરીઓ માટે તેમ જ બ્લુ છોકરાઓ માટે એ પ્રકારની એડવર્ટાઇઝનો મારો શરૂ કરવામાં આવ્યો. ચારેબાજુથી આવો પ્રચાર થવાને કારણે લોકમાનસમાં પણ આ વિચાર જડમૂળથી પેસી ગયો કે પિન્ક કલર તો છોકરીઓ જ વાપરે. માર્કેટિંગ કરનારાઓએ માત્ર કપડાં જ નહીં પણ રમકડાં, નોટબુક અને દીવાલોના રંગમાં પણ આ ભેદભાવનો ઉપયોગ કર્યો. મતલબ કે દીકરીનો રૂમ હોય તો એ પિન્ક રંગનો જ હોય અને દીકરાનો બ્લુ રંગનો!
આમ તો પ્રકૃતિમાં રંગોનો એવો કોઈ ભેદભાવ નથી પણ પશ્ર્ચિમના દેશોના સમાજમાં આ વાત જડબેસલાક રીતે બેસી ગઈ કે પિન્ક એટલે સ્ત્રીની નાજુકતાનો રંગ. આવું તૂત કોણે ચલાવ્યું એ ખબર નહીં પણ આ તૂત લોકોએ પકડી લીધું અને જોતજોતામાં પિન્ક રંગ પહેરનાર કે પિન્ક રંગની વસ્તુઓ વાપરનાર પુરુષ બાયલો ગણાવા માંડ્યો. પછી તો આ વિચારે એટલું જોર પકડ્યું કે વેલેન્ટાઇન જેવા તહેવારો પર કે સ્ત્રીને કોઈ ચીજવસ્તુ ભેટ આપવાની હોય તો પિન્ક કલર જ પસંદ કરવામાં આવવા માંડ્યો.
જો કે ઘણા પુરુષો રંગ સાથે સ્ત્રીત્વ કે પુરુષત્વને જોડતા નથી અને બેધડક પિન્ક રંગ પહેરે છે અથવા પિન્ક રંગની ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે. તેમ છતાં ગુલાબી રંગ સ્ત્રીઓ સાથે જોડાઈ ગયો છે એ પણ એક હકીકત છે. થોડા વખત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરવા ભેગી થયેલી મહિલાઓએ પિન્ક રંગની હેટ પહેરીને મોરચો કાઢ્યો હતો. એ જ રીતે ઉત્તર પ્રદેશની મહિલાઓ જ્યારે ઘરેલુ હિંસા સામે વિરોધ કરવા ભેગી થઈ હતી ત્યારે તેમણે ગુલાબી રંગની સાડી કે સલવાર કમીઝ પહેર્યા હતા. તેમનું નામ જ ગુલાબી ગેન્ગ પડી ગયું હતું.
ગુલાબી રંગ હવે સ્ત્રીઓ સાથે એટલો જોડાઈ ગયો છે કે મીડિયા પણ સ્ત્રીઓ પર કે સ્ત્રીઓ વપરાશમાં લે એવી ચીજવસ્તુઓ પરના ટેક્સની વાત કરે ત્યારે એને પિન્ક ટેક્સ કહે છે. સ્તન કૅન્સરના પ્રતીક તરીકે ગુલાબી રિબીનનો ઉપયોગ થાય છે. જ્યારે કંપનીઓ માત્ર ટોકન તરીકે જ કંઈ ફેરફાર કરી આપે કે દંભ કે મિથ્યાચાર દર્શાવવા માટે પિન્કવોશિંગ એવા શબ્દનો પ્રયોગ થાય છે.
ભારતની વાત કરીએ તો ગુલાબી રંગને ક્યારેય સ્ત્રીઓ સાથે જોડવામાં નહોતો આવ્યો. આપણે ત્યાં પુરુષોમાં ગુલાબી સાફો પહેરાતો હતો તો રાજા મહારાજાઓ ગુલાબી, રાણી કલર કે લાલ રંગના પણ જરીભરેલાં રેશમી વસ્ત્રો પહેરતા હતા. ગુલાબી પહેરવાથી કોઈ પુરુષ હાંસીને પાત્ર બનતો નહોતો. કોઈ પણ રંગ પર સ્ત્રી કે પુરુષનો ઈજારો નહોતો. બધા રંગો બંને જાતિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હતા, પરંતુ પશ્ર્ચિમના રવાડે ચડીને ભારતમાં અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ગુલાબી રંગને સ્ત્રીઓ સાથે જોડી દેવામાં આવ્યો છે. આપણી સંસ્કૃતિ તો સપ્તરંગી રહી છે અને એમાં કોઈ રંગનો ક્યારેય છોછ નહોતો કે રંગોને સ્ત્રી કે પુરુષ સાથે જોડી દેવામાં નહોતા આવ્યા.