પિનાક, સારંગ અને ગાંડીવ

ઉત્સવ

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ગયા સપ્તાહે આપણે શસ્ત્ર અને અસ્ત્ર વચ્ચેનો ફરક સમજી આયુધના વિવિધ પ્રકારો વિશે પ્રાથમિક જાણકારી મેળવી. આજે આપણે ધનુષ કે ધનુષ્ય વિશે કેટલીક રસપ્રદ માહિતી જાણીએ. ધનુ અથવા કાઠું તરીકે પણ ઓળખાતું આ શસ્ત્ર અંતરાય માત્રાને હણનારૂં અને કલ્યાણ માત્રને શ્રેય કરનારૂં મહા આયુધ છે. અસ્ત્ર – શસ્ત્ર સંબંધિત અને બીજી અનેક માહિતી ધનુર્વેદમાં આપવામાં આવી છે.
ધનુર્વેદ: યજુર્વેદનો ઉપવેદ. તેમાં અસ્ત્ર શસ્ત્ર વિદ્યા અને યુદ્ધકળા વિશે માહિતી આપવામાં આવી છે. ધનુર્વેદ બ્રહ્માના દક્ષિણ મુખમાંથી નીકળ્યો હોવાની માન્યતા છે. તેમાં વિવિધ અસ્ત્ર, શસ્ત્ર, યુદ્ધના પ્રકાર, યુદ્ધમાં વપરાતાં વાહન વગેરે અનેક વિષયોનું વર્ણન છે. ધનુર્વેદનાં પાંચ અંગો છે. મંત્રમુક્ત નામનું પ્રથમ અંગ મંત્રથી છોડવામાં આવતાં અસ્ત્ર શસ્ત્ર વિશે ચર્ચા કરે છે. પાણિમુક્ત નામનું બીજું અંગ હાથથી છોડવામાં આવતાં અસ્ત્ર શસ્ત્રની વાત કરે છે. મુક્તસંધારિત એ નામનું ત્રીજું અંગ, છોડ્યા પછી પાછા ફરતાં અસ્ત્ર શસ્ત્રની માહિતી આપે છે. અમુક્ત નામના ચોથા અંગમાં છોડવામાં ન આવતા એટલે યોદ્ધાના હાથમાં રહેતાં શસ્ત્રોનો પરિચય આપ્યો છે. બાહુ યુદ્ધ નામના અંતિમ અંગમાં દ્વંદ્વયુદ્ધ તથા અન્ય પ્રકારના યુદ્ધ વિશે માહિતી આપવામાં આવી છે. આમાં શસ્ત્ર વગર થતું મલ્લયુદ્ધ, શસ્ત્ર અને અસ્ત્રના ઉપયોગ, વ્યૂહરચના અને શરીરમાં ખૂંપેલાં અસ્ત્રને બહાર કાઢી ઘા વગેરેની સારવાર વિશે વિગતો નોંધવામાં આવી છે. શસ્ત્રથી ખેલાતું યુદ્ધ, અસ્ત્રથી ખેલાતું યુદ્ધ, સરળતાથી થતું યુદ્ધ, કપટથી થતું યુદ્ધ – એમ યુદ્ધના અનેક પ્રકારો એમાં આપ્યા છે. તદુપરાંત, સેનાની કવાયત, ગોઠવણી, વ્યૂહરચના, શસ્ત્ર સામગ્રી વગેરે બાબતોની વિચારણા કરવામાં આવી છે.
ધનુષકોટિ: ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરના સંગમસ્થાન પર એ નામનું તીર્થધામ છે. વાયકા અનુસાર રામચંદ્રજીએ લંકા ઉપર ચડાઈ કરવા જતી વખતે અહીંથી સેતુ બાંધ્યો અને વળતા વિભીષણની વિનંતીને કારણે ઉપરથી તોડી નાખ્યો. એટલે આ તીર્થધામ પવિત્ર મનાય છે. સમુદ્રસ્નાન કરવાની ઇચ્છા રાખનાર યાત્રીઓ ધનુષકોટિ જાય છે. આર્યાવર્ત યાત્રામાં ઉલ્લેખ છે કે આ ધનુષકોટિને ઘણાખરા ધનુષકોડી પણ કહે છે. રામચંદ્રજીએ લંકા ઉપર ચડાઈ લઈ જતી વખતે આ સેતુ બાંધેલો હતો જે રામસેતુ તરીકે જાણીતો છે.
ધનુષ્યના નામ: પુરાણોમાં વિવિધ ધનુષ્યનો ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન શંકર – શિવજીનું ધનુષ્ય પિનાક નામથી ઓળખાય છે. ત્રિપુર નામના રાક્ષસનો – ત્રિપુરાસુરનો વધ કરવા આ ધનુષ્યનું નિર્માણ કર્યું હોવાની પૌરાણિક કથા છે. પિનાક ગજબનું શક્તિશાળી હતું. તેના એક બાણથી ત્રિપુરાસુરની ત્રણ નગરી ધ્વસ્ત થઈ ગઈ હોવાનો ઉલ્લેખ છે. એના પરથી પિનાકધર કે પિનાકધારી શબ્દ બન્યો છે જે શિવજી માટે વપરાય છે. પૌરાણિક કથા અનુસાર ત્રિપુરાસુરનો વધ કરી શિવજીએ પિનાક દેવતાઓને સોંપી દીધું. ત્યાંથી એ દેવરાજ ઈન્દ્ર પાસે પહોંચ્યું હતું.. પછી આ ધનુષ્ય રાજા જનક પાસે ધરોહર તરીકે હતું. રામાયણમાં ભગવાન શિવનું ધનુષ તોડવાનું વર્ણન જોવા મળે છે. સીતા સ્વયંવરમાં પ્રભુ શ્રી રામે ભગવાન શિવના આ બળુકા ધનુષને તોડીને સીતાજીની વરણી કરી હતી. સારંગ અથવા શાંર્ગ. વાયકા અનુસાર દેવ શિલ્પી વિશ્વકર્માએ બે શક્તિશાળી ધનુષ્ય બનાવ્યાં હતાં. એમાંથી પિનાક શિવજીને આપ્યું હતું અને સારંગ વિષ્ણુ ભગવાનને સુપરત કર્યું હતું. શાંર્ગ ધનુષ્ય વિશ્ર્વકર્મા પાસેથી પ્રાપ્ત થાય હોવાની નોંધ પણ છે. એ વૈષ્ણવ ચાપ તરીકે પણ ઓળખાય છે. અર્જુનનું ગાંડીવ ધનુષ્ય પણ ખાસ્સું પ્રચલિત છે. મહાભારતના યુદ્ધમાં અર્જુને ગાંડીવની મદદથી કૌરવોની વિશાળ સેનાને પરાજિત કરી વિજય મેળવ્યો હતો. ગાંડીવને કારણે અર્જુન મહાન ધનુર્ધર કે બાણાવળી તરીકે ઓળખાયો. ગાંડીવ કોઈ શસ્ત્રથી નષ્ટ નહોતું થઈ શકતું અને એના તરક્સ (તીરનો ભાથો)માં રહેલા તીર ક્યારેય પૂરા નહોતા થતા.
——–
weapons idioms – 2
ગયા હપ્તામાં આપણે હથિયાર સંબંધિત કેટલીક કહેવતો તેમજ રૂઢિપ્રયોગ વિશે વાત કરી હતી. આજે એ સિલસિલો આગળ વધારી અંગ્રેજી ભાષામાં  Weapons – Arma કઈ હદે વણાઈ ગયા છે એની વધુ જાણકારી મેળવીએ. Bite The Bullet એટલે તકલીફ – પરેશાની અથવા પીડા થતી હોવા છતાં કોઈ કામ કરવું કે જવાબદારી પૂરી કરવી એ આ રૂઢિપ્રયોગનો ભાવાર્થ છે. The aging couple decided to bite the bullet and sell their home, and move to a retirement community. વરિષ્ઠ યુગલે તકલીફ વેઠવાની તૈયારી સાથે પોતાનું ઘર વેચી વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનો નિર્ણય લઈ લીધો. Dodge A Bullet એટલે આફતમાંથી સહેજ માટે ઉગરી જવું. હિન્દીમાં કહેવાય છે ને કે બાલ બાલ બચ ગયે, બસ એ જ અર્થ. I really dodged the bullet when my exam was postponed to next week, as I hadn’t studied for it at all. સારું થયું કે પરીક્ષા આવતા અઠવાડિયા પર મુલતવી રહી, નહીંતર હું મુશ્કેલીમાં મુકાઈ જાત, કારણ કે મેં જરાય તૈયારી નહોતી કરી.Fall On One’s Sword એટલે ભૂલ સ્વીકારી લેવી અથવા દોષનો ટોપલો પોતાના શિરે લઈ લેવો. The CEO fell on his sword when widespread corruption in the company was exposed. કંપનીમાં ફેલાઈ ગયેલો ભ્રષ્ટાચાર ઉઘાડો પડતા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે દોષનો ટોપલો ઓઢી લીધો. Silver Bullet પ્રયોગને ચાંદી સાથે કોઈ નિસ્બત નથી, પણ અર્થ સોના જેવો મૂલ્યવાન છે. કોઈ અઘરી – વિકટ સમસ્યાનો આસાન ઉકેલ મળે કે આપવામાં આવે ત્યારે આ પ્રયોગ વપરાય છે. There’s no silver bullet for our economic problems. We will have to work very hard. આપણી સમક્ષ રહેલી આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ આસાન ઉપાય નથી. આપણે ખૂબ મહેનત કરવી પડશે.Straight Arrowએટલે પ્રામાણિક વ્યક્તિ અથવા જેની પર ભરોસો મૂકી શકાય એવી વ્યક્તિ. Mahesh is a Straight Arrow. If he says that he has never cheated anyone, you have to believe him.મહેશ ભરોસાપાત્ર છે. જો એ કહેતો હોય કે તેણે ક્યારેય કોઈને છેતર્યા નથી તો એની વાત માની લેવી જોઈએ.
————-
युद्ध शास्त्र आणि कृष्ण
મહાભારતનું યુદ્ધ શરૂ થવા પહેલાની વાત છે. श्रीकृष्ण “न धरी शस्त्र, करी मी गोष्टी सांगेन युक्तीच्या चार”अशी शप्पथ घेउन रथावर चढला, काम केलं फक्त रथ हाकण्याचं.. શ્રી કૃષ્ણએ સાફ સાફ શબ્દોમાં અર્જુનને કહી દીધું કે ‘હું શસ્ત્ર ધારણ નહીં કરૂ. હા, યિુક્તપૂર્વકના દાવપેચની ચાર વાત હું તને જરૂર જણાવીશ.’ આવી પ્રતિજ્ઞા લઈ કૃષ્ણ અર્જુનના સારથી બન્યા અને માત્ર રથ હાંકવાની જવાબદારી
પાર પાડી.
अर्जुन घाबरला. साक्षात महायोद्धा कृष्ण रथावर सोबतीला होता, पण निशस्त्र वरुन अर्जुनाला ताकिद दिली की तुझं धनुष्य तू उचल आणि लढ. लढत असतील तर भी रथ चालवीन, दिशा दाखवीन. અર્જુન પહેલા તો ગભરાઈ ગયો. સાક્ષાત મહાયોદ્ધા કૃષ્ણ રથ પર સાથે હતા પણ નિ:શસ્ત્ર હતા. તેમણે તો અર્જુનને કહી દીધું કે તારે તારું ધનુષ્ય ચલાવીને યુદ્ધ લડવાનું છે. જો તારી લડવાની તૈયારી હોય તો હું રથ ચલાવી, દિશા દેખાડીશ. અહીં કૃષ્ણનું બુદ્ધિચાતુર્ય ડોકિયાં કરે છે. તેમણે કહ્યું હતું કે પોતે શસ્ત્ર નહીં વાપરે. મતલબ કે હાથમાં ધારણ કરનારા ધનુષ બાણ તેમજ ગદા જેવા શસ્ત્ર નહીં વાપરે. આટલું કહી અસ્ત્ર વાપરવાનો વિકલ્પ કૃષ્ણએ ખુલ્લો રાખ્યો હતો. જરૂર ઊભી થઈ ત્યારે સુદર્શન ચક્ર (અસ્ત્ર)નો ઉપયોગ કરી શસ્ત્રુપક્ષની હાનિ કરી. કૌરવ ગાફેલ રહ્યા અને શું થયું એ આપણે જાણીએ છીએ.
——–
वैदिक काल के अस्त्र शस्त्र
ઈસ્વીસન પૂર્વ ૧૫૦૦થી ઈસ્વીસન પૂર્વ ૧૦૦૦ સુધીનો સમયકાળ વૈદિક કાળ તરીકે ઓળખાય છે. આ વખતમાં ધનુષ – બાણ મુખ્ય હથિયાર હતા. એના આધારે જ ધનુર્વેદની રચના થઈ હોવાનું માનવામાં આવે છે. અલબત્ત એ સમયે અન્ય કેટલાંક હથિયારનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો જેના વિશે આજે આપણે જાણીએ. असि એટલે આપણે જેને તલવાર તરીકે ઓળખીએ છીએ એ શસ્ત્ર, મોટાભાગે હાથમાં જ રહેતું આયુધ. સેનાનું આ પ્રમુખ શસ્ત્ર ગણવામાં આવતું હતું. परतला એટલે કપડાં અથવા ચામડાની બનેલી ગોળાકાર પહોળી પટ્ટી જેને કમર સુધી છાતી અને પીઠ પર ત્રાંસી પહેરવામાં આવતી. परतला मैं तलवार लटकाई जाती है. પરતલામાં તલવાર ખોસવામાં આવતી. बल्लम એટલે આપણે જેને બરછી તરીકે ઓળખીએ છીએ. વૈદિક કાળમાં આ અસ્ત્ર બલ્લમ તરીકે ઓળખાતું હતું.युद्ध के अलावा बल्लम का उपयोग शिकार में भी किया जाता था.યુદ્ધ ઉપરાંત શિકાર કરતી વખતે પણ બલ્લમ એટલે કે બરછીનો ઉપયોગ કરવામાં આવતો હતો.कर्तन એટલે આપણે જેને કટાર તરીકે ઓળખીએ છીએ. દેખાવે નાનકડા ચાકુ જેવું લાગતું આ શસ્ત્ર કવચ ભેદવા માટે અત્યંત પ્રભાવી શસ્ત્ર માનવામાં આવતું હતું. મલ્લયુદ્ધમાં કોઈને દગાથી પરાસ્ત કરતી વખતે કર્તનનો ઉપયોગ થતો હોવાની નોંધ ઈતિહાસમાં છે. सत और परशु भी वैदिक काल मै इस्तमाल होते थे. . સત એટલે જેને આપણે મગદળ કે મગદળિયો કહીએ છીએ એનો શસ્ત્ર અવતાર. રાક્ષસોમાં આ શસ્ત્ર ખાસ્સું લોકપ્રિય હોવાનું માનવામાં આવે છે. પરશુ મહર્ષિ પરશુરામનું પ્રમુખ શસ્ત્ર હતું એવો ઉલ્લેખ છે. બે ગજ લાંબું આ શસ્ત્ર અત્યંત ધારદાર હતું અને એના નીચેના હિસ્સામાં લોખંડનો ચોરસ આકાર રહેતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.