પહલગામ અને જમ્મુથી યાત્રાળુઓ અમરનાથ જવા રવાના: લેફ્ટનન્ટ ગવર્નરે બર્ફાની બાબાની પૂજા કરી

દેશ વિદેશ

અમરનાથ યાત્રાનો આરંભ: અમરનાથ યાત્રાના આરંભ પછી સમયાંતરે પહલગામ અને જમ્મુથી શ્રદ્ધાળુઓના સમુદાયો ૩૮૮૩ મીટરની ઊંચાઈ પરની ગુફામાં સ્થિત મંદિરમાં દર્શનાર્થે પહોંચી રહ્યા છે. ગુરુવારે અનંતનાગ જિલ્લાના પહલગામ-ચંદનવાડી રૂટ પરના નુનવાન બેઝ કૅમ્પથી યાત્રાળુઓ રવાના થયા ત્યારનું દૃશ્ય. કોરોના રોગચાળાને કારણે બે વર્ષથી વધુ ગાળો પસાર થયો હોવાથી શિવભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળતો હતો. ૪૩ દિવસની યાત્રાની પૂર્ણાહુતિ ૧૧ ઑગસ્ટે રક્ષા બંધનના તહેવારના દિને થશે. (તસવીર: પીટીઆઈ)

શ્રીનગર: ગુરુવારે પહલગામ અને જમ્મુથી યાત્રાળુઓના વધુ બે સમુદાયો અમરનાથમાં બર્ફાની બાબાના દર્શનાર્થે રવાના થયા હતા. પહલગામ-ચંદનવાડી રૂટના નુનવાન બેઝ કૅમ્પથી ૨૭૫૦ શ્રદ્ધાળુઓ અને જમ્મુના ભગવતી નગર બેઝ કૅમ્પથી ૫૭૦૦ શ્રદ્ધાળુઓ હિમાલય પરિસરની ૩૮૮૩ મીટરની ઊંચાઈ પરની ગુફામાં સ્થિત તીર્થસ્થાન અમરનાથમાં શિવદર્શન માટે રવાના થયા હતા. યાત્રાના આરંભ નિમિત્તે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ અમરનાથના શિવમંદિરમાં પૂજા કરી હતી.
અનંતનાગના નાયબ કમિશનર પીયુષ સિંગલા અને આદિવાસી સમાજની બાબતોના સચિવ શાહીદ ચૌધરીએ ધાર્મિક ધ્વજ ફરકાવીને યુવાનો, વૃદ્ધો, બાળકો, મહિલાઓના જૂથો મળીને ૨૭૫૦ લોકોના સમુદાયને રવાના કર્યો ત્યારે ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદ ગુંજી ઉઠ્યા હતા. સૂર્યોદય વેળા યાત્રાળુઓ બેઝ કૅમ્પથી નીકળ્યા ત્યારે ઉત્સાહ-ઉમંગનો અનોખો માહોલ હતો.
આ રૂટના પગપાળા પ્રવાસમાં શેષનાગ અને પંચરત્ની ખાતે રાત્રિરોકાણ કરવાનું રહે છે. પાકી સુરક્ષા વ્યવસ્થામાં માર્ગો પર અને બન્કર્સમાં જવાનો તહેનાત કરવા ઉપરાંત સીસીટીવી કૅમેરા, ડ્રોન સર્વેલન્સ અને રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન જેવા આયોજનો કરવામાં આવ્યા છે. ૪૩ દિવસની અમરનાથ યાત્રાની પૂર્ણાહુતિ ૧૧ ઑગસ્ટે રક્ષા બંધનના તહેવારે થશે.
જમ્મુથી ૨૩૦ વાહનોમાં ૫૭૭૦ યાત્રાળુઓ રવાના થતાં ત્યાંથી અમરનાથ ગયેલા કુલ યાત્રાળુઓની સંખ્યા ૧૦,૭૭૦નો આંકડો પાર કરી ગઈ છે. કોરોના રોગચાળાને કારણે ત્રણેક વર્ષના ગાળા પછી ફરી અમરનાથ યાત્રા યોજાતી હોવાથી અગાઉ કરતાં વધારો ધસારો જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૯ની ૧ જુલાઈથી ૧ ઑગસ્ટ સુધીમાં ૩.૪૨ લાખ શ્રદ્ધાળુઓએ બર્ફાની બાબાના દર્શન કર્યા હતા. ત્યારપછી સરકારે અમરનાથ યાત્રાનો સિલસિલો અધવચ્ચે રોક્યો હતો. કારણ કે થોડા વખતમાં બંધારણની ૩૭૦મી કલમ રદ કરવામાં આવી હતી. (એજન્સી) ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.