પિયરનો બાગકામનો શોખ સાસરામાં આવી નર્સરી શરૂ કરી પૂરો કર્યો

લાડકી

લાઈમ લાઈટ -નિધિ ભટ્ટ

પટણાની અમૃતા સૌરભ આમ તો બાળપણથી પિતાને ગાર્ડનિંગ કરતાં જોતી હતી, પરંતુ સાસરે આવીને તેણે પોતાનો ગાર્ડન બનાવવાનું શરૂ કર્યું અને દેશ-વિદેશથી લાવેલા સજાવટ માટેના છોડવા ઉગાડી હરિયાળી ફેલાવી દીધી. હવે તે અન્યોનાં ગાર્ડન પણ ડિઝાઈન કરે છે.
પટણામાં ગ્રીન જિંજર નામની એક નર્સરીમાં તમને દેશી-વિદેશી જાતના અનેક સજાવટના છોડ મળશે. માત્ર ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલી આ નર્સરીને હંમેશાં બલ્કમાં ઓર્ડર મળતા રહે છે.
આ સાથે કોઈને ગિફ્ટ કરવા માટે અહીંયાં મિનીએચર ગાર્ડન અને ઘણાં સારાં પ્રોડક્ટ્સ પણ મળી રહેશે. આ શાનદાર નર્સરીને ચાલવે છે પટણામાં રહેતી એક હાઉસવાઈફ અમૃતા સૌરભ. અમૃતાએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક દિવસ તેનો આ શોખ તેને એક અલગ ઓળખ આપશે.
ત્રણ વર્ષ પહેલાં જ અમૃતાએ પોતાના ગાર્ડનને નર્સરીમાં બદલ્યો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો. તે કહે છે, ‘લોકો મારી પાસે બહુ ઓછા જોવા મળતા છોડવાઓ ખરીદવા આવે છે. મને ખુશી છે કે મારા કામને લીધે દરેક જગ્યાએ હરિયાળી ફેલાઈ રહી છે.’ પટણામાં મોટી થયેલી અમૃતાનાં લગ્ન પહેલાં તેના ઘરમાં એક ગાર્ડન હતો. તેના પિતાને પણ ગાર્ડનિંગ ખૂબ ગમતું, પણ અભ્યાસને લીધે તેણે ગાર્ડનિંગને ક્યારેય ગંભીરતાથી લીધું નહોતું. લગ્ન બાદ તેને જાણમાં આવ્યું કે અહીં કોઈને ગાર્ડનિંગનો શોખ નથી ત્યારે તેણે થોડા સજાવટના છોડ વાવી ગાર્ડન બનાવવાનું શરૂ કર્યું.
બાળકોની દેખરેખ કરવા માટે અમૃતાએ એમબીએનો અભ્યાસ અધવચ્ચે જ છોડવા પડ્યો, આથી તેણે ગાર્ડનિંગને જ પોતાનું પેશન બનાવી લીધું. હવે તો હાલત એવી થઈ છે અમૃતા જ્યાં જાય છે ત્યાં થોડા છોડવા સાથે રાખીને જ જાય છે.
અમૃતાને છોડની નવી નવી જાત એકઠી કરવાનો ભારે શોખ છે, તેથી તેણે માત્ર સજાવટના છોડ પર જ ધ્યાન આપ્યું છે. અમૃતા કહે છે કે ‘મારી પાસે સામાન્ય મોનસ્ટેરા અને ફિલોડેન્ડ્રોનની પણ ઘણી વિદેશી જાત છે. હું વિદેશમાં ઘણાં ગાર્ડનિંગ ગ્રુપમાં જોડાયેલી છું અને અમે એકબીજા સાથે છોડવાઓની આપ-લે કરતા રહીએ છીએ.’
અમૃતાના ગાર્ડનિંગના શોખને કારણે તેના સાસરામાં પણ હરિયાળી છવાઈ ગઈ છે. હવે તો તેનો પતિ પણ ગાર્ડનિંગમાં રસ ધરાવતો થઈ ગયો છે. સમય સાથે અમૃતાનું કલેક્શન એટલું વધી ગયું કે એક મધર પ્લાન્ટની મદદથી તે બીજા છોડવા બનાવવા લાગી અને લોકો તેની પાસે ખરીદવા આવવા માંડ્યા. અમુક ઓફિસવાળા તેને બલ્ક ઓર્ડર આપતા તો અમુક લોકો ગાર્ડનિંગની ટિપ્સ લેવા આવતા.
અમૃતા કહે છે કે ‘લોકડાઉનના સમયમાં ઘણા લોકો પોતાની નાની નાની બાલ્કનીમાં કે ઘરમાં છોડવા લગાવવા માંડ્યા અને છોડવાની પસંદગી માટે મને ફોન કરવા લાગ્યા. ત્યારે મને લાગ્યું કે વ્યાવસાયિક દૃષ્ટિએ પણ આ એક સારો વિકલ્પ છે.’ તેણે પોતાના આ બિઝનેસને રજિસ્ટર પણ કરાવ્યો. અમૃતા હવે લેન્ડસ્કેપિંગ કરીને ગાર્ડન બનાવવાનું કામ કરી રહી છે અને ઘરેથી છોડવાઓ વેચી રહી છે.
તે મિનીએચર ગાર્ડન પણ સુંદર રીતે બનાવે છે. આ કામથી તે ઘરમાં બેસીને જ મહિનાના રૂ. ૧૦,૦૦૦થી ૫૦,૦૦૦ કમાઈ લે છે. અમૃતા પટણાના હોર્ટિકલ્ચર વિભાગ તરફથી યોજાનારી સ્પર્ધામાં પણ ભાગ લેતી રહે છે અને ઘણા એવોર્ડ પણ જીતી ચૂકી છે. અમૃતા પોતાના કામને હજુ વધારે વિસ્તારવા વિચારી રહી છે. તે કહે છે ‘આમ તો છોડ હું હોમ ડિલિવરી કરું છું, પણ ઘણા લોકો એવા છે કે તેઓ અન્ય શહેરોમાંથી મારી નર્સરીમાં છોડ લેવા આવવા માગે છે, આથી હું બીજી નર્સરી ખોલવાનો વિચાર કરી રહી છું.’
પોતાના શોખને તેણે જે રીતે વિકસાવ્યો અને પોતાની એક ઓળખ ઊભી કરી તે પ્રશંસાને પાત્ર છે. હવે તો અમૃતાનાં નાનાં બાળકો પણ ગાર્ડનિંગ શીખી રહ્યાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.