ફોકસ -ધર્મેન્દ્ર ત્રિવેદી
લગભગ ૧૮૦ મિલિયન વર્ષો પહેલા, ગોંડાવા નામના મહાખંડનું વિભાજન થયું. આ વિભાજનથી છૂટા પડી ગયેલા જમીનોેના નોખા નોખા ટુકડાઓમાંના એકમાં ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા બન્યા હતાં.
૩૦ મિલિયન વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયા સંપૂર્ણપણે અલગ થઈ ગયું અને ઉત્તર તરફ આગળ વધ્યા કર્યું હતું. ત્યારથી, તેની જમીનની રચના અને આબોહવામાં ફેરફારો અને બાકીની દુનિયાથી અલગ થવાને લીધે, આપણે આજે જે ઓસ્ટ્રેલિયાને જાણીએ છીએ, ઓળખીએ છીએ તે એકદમ અનોખી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ધરાવતો ખંડ બન્યો છે.
આપણી પૃથ્વી પર અસ્તિત્વમાં છે તેના ૮૦ ટકા કરતાં પણ વધારે છોડ, સસ્તન પ્રાણીઓ, સરિસૃપો અને દેડકાઓની જાતિઓ માત્ર ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળશે જે વિશ્ર્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી.
ઓસ્ટ્રેલિયન પ્રાણીઓમાંના અમુક તો ખૂબ જાણીતા થયા છે. જેમ કે કાંગારું, ડીંગો, વોલબીઝ, વોમ્બેટ, અલબત્ત કોઆલા, પ્લેટિપસ અને એકિડના, પરંતુ મૂળ ઓસ્ટ્રેલિયાના કેટલાંક પ્રાણીઓ વિશે આપણે હજી કંઈ જ જાણતા નથી.
આજે તેમાંથી પાંચેક જેટલાં અનોખા અચંબિત કરી દે તેવા પ્રાણીઓ વિશે વિચિત્ર અને અદ્ભુત છતાં રમૂજી કહી શકાય તેવા તથ્યો જાણીએ.
————-
મિસ્ટલ-ટોબર્ડ
ઓસ્ટ્રેલિયાનું મિસ્ટલટોબર્ડ નામનું પંખીડું મળત્યાગ અને મળત્યાગ કર્યા બાદ પૂંઠ સાફ કરવા માટે કરતાં નૃત્યને પ્રી-પૂપ ડાન્સિંગ અને બમ વાઇપિંગ રૂટિન કહે છે. આ નૃત્ય તેમના જીવનક્ચક્રનો મહત્ત્વનો ભાગ છે. લાલ છાતીવાળું આ પંખીડું મીસલટો નામના બોર જેવા ફળ ખાય છે, ત્યાર બાદ જ્યારે મળત્યાગ કરવાનો સમય આવે ત્યારે કોઈનું પણ ધ્યાન અકર્ષાય તે રીતે નૃત્ય કરતું હોય તેમ પોતાના મળને વૃક્ષની ડાળ પર લુંછી નાખે છે. આ મળમાં રહેલા મીસલટો ફળના બીજ પોતે પરજીવી એટલે કે બીજા વૃક્ષના આધારે ઉગે છે અને તેઓ તેના પર જ નભતા હોય છે. આમ મીસલટો બેરીના જીવનચક્રને આગળ વધારવામાં આ પંખીડું નૃત્ય કરીને પોતાની ભૂમિકા નિભાવે છે.
————
ફિટ્ઝરોય નદીનો કાચબો
તાજા પાણીના આ કાચબાને રમુજમાં બમ-બ્રેધર એટલે કે પૂંઠ-શ્ર્વાસી તરીકે ઓળખવામાં આવે છે. હા, ખરેખર ફિટ્ઝરોય નામનો આ ઓસ્ટ્રેલિયન કાચબો તેના પછવાડાથી શ્ર્વાસ લે છે. આ કાચબાએ આ ખાસિયત અનુકૂલન પ્રક્રિયા દ્વારા મેળવી છે. આ કાચબો સહેલાઈથી પોતાના શીકારીઓથી બચવા માટે અને ખોરાક મેળવવાની જદ્ોજહદમાં તેણે પોતાની શારીરિક રચનામાં ફેરફારો કરીને પોતાના મળદ્વાર દ્વારા શ્ર્વાસ લઈ શકે તેવી અટપટી રચના ઉભી કરી છે. આ કાચબો ઓસ્ટ્રેલિયામાં પણ માત્ર ઓસ્ટ્રેલિયા ખંડના દક્ષિણ-પૂર્વના ક્વીન્સલેન્ડના ફિટ્ઝરોય બેસિનમાં જ જોવા મળે છે. દુર્ભાગ્યે, ઓસ્ટ્રેલિયાના શિયાળ, બિલાડીઓ અને ડુક્કર જેવા જંગલી પ્રાણીઓ દ્વારા થતાં શિકાર તેમ જ વધતું જતું પ્રદૂષણ, ધૂંધળું પાણી જેવી નકારાત્મક સ્થિતિઓના લીધે આ કાચબાને ઈંઈઞગ દ્વારા જોખમના આરે આવેલો જીવ જાહેર કરવો પડ્યો છે.
————-
દક્ષિણ ઓસ્ટ્રેલિયાનું કેસોવરી
સાઈઠ કીલોનું આધુનિક ડાયનોસોર ખૂની પંજો લઈને તમારી પાછળ દોટ મૂકે તો? હા, ઓસ્ટ્રેલિયાનું કેસોવરી એક એવું ન ઊડી શકનારું પક્ષી છે જેના પગના આંગળાઓમાં આવેલો ખંજર જેવો પંજો માણસને ગંભીર રીતે જખમી કરી શકે છે. તે દોઢ મીટર જેટલું કૂદીને મનુષ્ય અથવા તેનો શિકાર કરનાર પર ભયાનક પ્રહાર કરે છે. ઓસ્ટ્રેલિયાના ગાઢ જંગલમાં જમીન પર જીવતું આ પક્ષી કલાકના પચાસ કિ.મી.ની ઝડપે દોડી શકે છે. નદીઓ તથા સમુદ્રના પાણીમાં તરી પણ શકે છે.
——————-
ખારા પાણીના ભીમકાય મગરમચ્છ
ઓસ્ટ્રેલિયાના ખારા પાણીના મગરમચ્છ કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ બાદ આજના ઓસ્ટ્રેલિયન મગરમચ્છ ભયાનક શિકારીના સ્વરૂપે આપણી વચ્ચે અસ્તિત્વ ધરાવે છે. ઓસ્ટ્રેલિયાના ખારા પાણીના આ મગરો અઢાર ફૂટની એવરેજ લંબાઈવાળા હોય છે. તેમનું વજન ૧૦૦૦થી ૧૨૦૦ કિલોગ્રામ જેટલું હોય છે.
તેમની વિશેષતા એ છે કે તેઓ પોતાના શરીરનું તાપમાન નિયંત્રિત કરી શકતા ન હોવાથી વધુ ગરમી હોય તો પાણીમાં જતા રહે છે અથવા તડકામાં હવાવાળી જગ્યા પર મોઢું ખુલ્લુ રાખીને પડી રહે છે. હવા તેમના ખુલ્લા મોઢાને શીતળ રાખે છે અને આખા શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે!
————
તાસ્માનિયન ડેવિલ
તસ્માનિયન ડેવિલ એક સમયે મેઇનલેન્ડ ઑસ્ટ્રેલિયામાં જોવા મળતું હતું. તે હવે માત્ર તાસ્માનિયામાં જ જોવા મળે છે. તાસ્માનિયાના મૂળ વન્યજીવનને બહારથી આવેલા હાનિકારક પ્રાણીઓ પર નિયંત્રણ કરીને તાસ્માનિયાના પર્યાવરણચક્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જંગલી બિલાડીઓ અને લાલ શિયાળ જેવી શિકારી પ્રજાતિઓથી તસ્માનિયન ડેવિલ એકલું જ એવું મૂળ ઓસ્ટ્રેલિયન પ્રાણી છે જે બચી જાય છે. આ પ્રાણીના કારણે જંગલી બિલાડીઓ અને શિયાળ માટે પ્રજનન કરવું મુશ્કેલ થઈ જાય છે. જેથી બીજા પ્રાણીઓની મૂળ જાતિઓનું રક્ષણ પણ થાય છે.
ઓસ્ટ્રેલિયાની અન્ય ચિત્રવિચિત્ર જાતિપ્રજાતિઓ અંગે વધુ ફરી ક્યારેક જાણીશું.