કવર સ્ટોરી -ગીતા માણેક
‘એ દિવસે હૉંગકૉંગથી લંડન જઈ રહેલી ફલાઈટમાં પેસેન્જરો દાખલ થઈ રહ્યા હતા. સીટની વચ્ચેના ગેન્ગવેમાં પ્રવાસીઓની ભીડ ન થાય એ માટે ઍરલાઈન્સ સામાન્ય રીતે અડધો કલાક એટલે કે યાત્રીઓ સીટ પર ગોઠવાઈ જાય એટલા સમય માટે બાથરૂમ લોક રાખવામાં આવે છે. એ દિવસે એ જ નિયમાનુસાર બાથરૂમ થોડો સમય માટે લોક હતા. એ ફલાઈટમાં એક બ્રિટિશ મહિલા પ્રવેશી. તે ખૂબ પીધેલી લાગતી હતી. તેણે કહ્યું કે મને બાથરૂમ ખોલી આપો. અમે તેમને નમ્રતાથી સમજાવ્યું કે તમે દસ-પંદર મિનિટ પછી બાથરૂમનો ઉપયોગ કરી શકશો. હમણાં તમે તમારી સીટ પર જઈને બેસો. બિઝનેસ ક્લાસની ટિકિટ ધરાવતી તે મહિલાએ અમે કંઈ સમજીએ એ પહેલાં જ પોતાનું પેન્ટ કાઢીને ત્યાં જ પેશાબ કરવા બેસી ગઈ. તેની આ હરકતથી અમે બધા ડઘાઈ ગયા હતાં. અમે ફલાઈટના કેપ્ટનને બોલાવ્યો. તે પ્રવાસીને ફલાઈટમાંથી ઉતારી મૂકી અને આખી ફલાઈટ ડિસઈન્ફેક્ટ કરાવી આ બધી કડાકૂડમાં ફલાઈટ લગભગ દોઢેક કલાક મોડી થઈ.’
કેથે પેસેફિકમાં લગભગ એક દાયકા સુધી એર-હોસ્ટેસ તરીકે સેવા બજાવનાર શિવાનીએ મુંબઈ સમાચારને માહિતી આપતા કહ્યું હતું.
તાજેતરમાં ન્યૂયોર્કથી દિલ્હીની ફલાઈટમાં પ્રવાસ કરી રહેલા શંકર મિશ્રા નામના પ્રવાસીએ બિઝનેસ ક્લાસની મહિલા પેસેન્જરની સીટ પાસે પેશાબ કર્યો એને કારણે હોબાળો મચ્યો છે. અત્યારે તો વેલ્સ ફોર્ગો નામની આંતરરાષ્ટ્રીય કંપનીના વાઈસ પ્રેસિડન્ટ શંકર મિશ્રાને તેની કંપનીએ તગેડી મૂક્યો છે અને પોલીસે પણ તેની ધરપકડ કરી છે.
સામાન્ય માન્યતા એવી છે કે વિમાન પ્રવાસ કરનારાઓ બહુ સોફેસ્ટિકેટેડ હોય છે. જોકે, હકીકત જુદી જ છે. ફલાઈટમાં પ્રવાસ કરનારા યાત્રીઓ ચિત્ર-વિચિત્ર પ્રકારની હરકતો કરતા રહેતા હોય છે. કેથે પેસેફિકમાં ઍર-હોસ્ટેસ તરીકે સેવા આપી ચૂકેલી શિવાની કહે છે કે આખા કિસ્સામાં સૌથી મોટી ભૂલ ઍર ઈન્ડિયાના સ્ટાફ અને તેના ઉપરીઓની છે. કોઈપણ ઍરલાઈન્સ આ પ્રકારની હરકત કરનાર પ્રવાસી પર તાત્કાલિક પગલાં લે છે. એટલું જ નહીં પણ જો પ્રવાસી બહુ જ પીધેલો હોય તો તેને વધુ આલ્કોહોલ પીરસવાની ક્રૂ મેમ્બર્સ ના પાડી શકે છે. જોકે, આવી હરકતો કરનાર શંકર મિશ્રા એકલા જ નથી. આવી હરકતો કરવામાં ફક્ત પુરુષો જ નહીં મહિલાઓ પણ તેમની હરીફાઈ કરી શકે છે.
પોતાના અનુભવોની વાત કરતા શિવાની કહે છે, ‘એકવાર સિડનીથી હોંગકોંગ જઈ રહેલી ફલાઈટમાં બે જ પેસેન્જર્સ હતા, જેમાં એક મહિલા અને એક પુરુષ હતો. તે બંને એકબીજાથી દૂર અને જુદી જુદી સીટ પર બેઠાં હતાં અને એકબીજાથી પરિચિત પણ નહોતા. બંને જણાએ ફલાઈટ પર શરાબ પીવાની શરૂઆત કરી. થોડા સમય બાદ અમને બિઝનેસ ક્લાસમાંથી ચિત્ર-વિચિત્ર અવાજ આવવા માંડ્યા એટલે અમે જોવા ગયા તો તે બંને જણ બ્લેન્કેટ નીચે સેક્સ કરી રહ્યા હતાં.’
ફક્ત એકલદોકલ પેસેન્જર્સ નહીં પણ અમુક તો ગ્રુપ પણ બહુ વિચિત્ર વર્તન કરતું હોય છે. આવું જ એક મારવાડી ગ્રુપ બેંગકોંકથી મુંબઈ પ્રવાસ કરી રહ્યું હતું. તેમણે આમ તો જૈન ફૂડ માટે વિનંતી કરી હતી એ રીતે અમે તેમને જૈન ફૂડ પીરસ્યું. ફોરેનમાં જૈન ફૂડ એટલે કે કાંદા-લસણ વિનાનું ભોજન મસાલેદાર નહોતું તો તેમણે તે ખાધું નહીં. શિવાની કહે છે આ જ ગ્રુપે થોડીવારમાં અમારી પીસે ચીકન મંગાવ્યું. એમાંના એક ભાઈએ તો ચીકન ખાધું અને પછી ખિસ્સામાંથી ગંગાજળની બાટલી કાઢીને એનાથી કોગળા કરી લીધા અને અમને કહ્યું કે બસ, હવે હું પવિત્ર થઈ ગયો.
આવું વર્તન કરવામાં કેટલીક સેલિબ્રિટીઓ પણ પાછળ નથી હોતી. ભજન ગાવા માટે પ્રખ્યાત એક જાણીતા ગાયકે પહેલાં તો ફલાઈટમાં વેજિટેરિયન ફૂડ માટે હોહા મચાવી દીધી. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં જો તમને શાકાહારી ભોજન જોઈતું હોય તો ટિકિટ લેતી વખતે એ મુજબની રિકવેસ્ટ મૂકવી પડે છે. આ ગાયક ભાઈએ આવી કોઈ રિકવેસ્ટ અગાઉથી કરી નહોતી. ફલાઈટમાં શાકાહારી ભોજન વધારાનું નહોતું. તેમ છતાં તેને બાફેલા શાકભાજી પીરસવામાં આવ્યા. ફરીવાર તે ભજન ગાવાવાળા સેલિબ્રિટી ભાઈએ દેકારો મચાવ્યો. તેમને શાંત પાડવા માટે ફલાઈટના ક્રૂએ કેપ્ટનને વિનંતી કરીને તેમને ફર્સ્ટ ક્લાસમાં અપગ્રેડ કર્યા. એ સેલિબ્રિટી ગાયક જેવા ફર્સ્ટ ક્લાસમાં પહોંચ્યા કે ત્યાં તેમણે ફીશ કરી અને ચિકન મંગાવીને ટેસથી ખાધું.
ફલાઈટમાંથી કાંટા-ચમચી કે અન્ય વસ્તુઓ પ્રવાસીઓ ચોરી જતા હોય એ તો બહુ સામાન્ય બાબત છે, પરંતુ પોતાનો એક અનુભવ અમારી સાથે શેઅર કરતા શિવાનીએ કહ્યું હતું કે બિઝનેસ ક્લાસમાં બેઠેલી એક મહિલા પ્રવાસી જે ખૂબ શ્રીમંત દેખાતી હતી તેણે મારી પાસે ચા-કૉફીમાં નાખવાની સાકરના ચાર-પાંચ પેકેટ માંગ્યા. કાન, નાક, ગળામાં હીરા પહેરેલી આ મહિલા પ્રવાસી આ જ રીતે ફલાઈટ પરની દરેક ઍર-હોસ્ટેસ પાસે સાકરના પેકેટ માગતી હતી. અમને નવાઈ લાગી કે આટલી બધી સાકરનું તે કરતી શું હશે? જ્યારે મારું ધ્યાન પડ્યું ત્યારે મેં જોયું કે તે આ બધા પડીકાં પોતાની બેગમાં મૂકી રહી હતી. જયારે અમે તેને પૂછ્યું તો તે કહે કે હું તો દર વખતે ફલાઈટમાંથી આ રીતે સાકરના પેકેટ્સ લઈ જઉં છું અને ઘરે જઈને વાપરું છું એટલે મારા એટલા પૈસા બચેને! બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરી રહેલી મહિલાની વાત સાંભળીને ઍર-હોસ્ટેસ શિવાની અચંબિત થઈ ગઈ હતી.
અન્ય એક અનુભવની વાત કરતા શિવાની કહે છે કે એક વખત મુંબઈથી દુબઈની ફલાઈટમાં પંદરેક છોકરીઓનું ગ્રુપ યાત્રા કરી રહ્યું હતું. આ યુવતીઓ પાર્ટી કરવા માટે થઈને દુબઈ જઈ રહી હતી. આ યુવતીઓ ફલાઈટ પર શરાબ પીને એટલી છાકટી થઈ હતી કે તેમણે પોતાના ટોપ અને શર્ટ કાઢી નાખ્યાં હતાં. અમે જ્યારે તેમને સમજાવવાની કોશિશ કરી ત્યારે નશામાં ધૂર્ત આ છોકરીઓ અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતી. છેવટે અમે કેપ્ટનને બોેલાવ્યા તો તેમણે કેપ્ટનને કહ્યું કે તમે પણ શર્ટ કાઢીને અમારી સાથે ડાન્સ કરો. અમારે રીતસર તે છોકરીઓને બ્લેન્કેટ ઓઢાડીને સીટ પર બેસાડવી પડી હતી.