(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પેડર રોડ પર રહેતા બિઝનેસમૅનની ગુજરાતી મૅનેજરને ફોન પર બળાત્કાર અને હત્યાની કથિત ધમકી આપનારા શખસને પોલીસે કુર્લાથી પકડી પાડ્યો હતો.
આ પ્રકરણે ઘાટકોપરમાં રહેતી ૩૨ વર્ષની મૅનેજરે નોંધાવેલી ફરિયાદને આધારે ગામદેવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ શનિવારે કુર્લાના કમાની રોડ ખાતે રહેતા ઈમ્તિયાઝ અબ્દુલ અન્સારી (૪૯)ની ધરપકડ કરવામાં આવી હતી. બુધવાર સુધીની પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસ ફરિયાદ અનુસાર મહિલાને ૨૪ ઑગસ્ટથી ધમકીભર્યા કૉલ આવ્યા હતા. મહિલાના મોબાઈલ ફોન અને તેના માલિકના લૅન્ડલાઈન નંબર પર કૉલ આવ્યા હતા. કૉલ કરનારા શખસે ૧૦ હજાર રૂપિયાની માગણી પણ કરી હતી. આ પ્રકરણે ગુનો નોંધી પોલીસ ટેક્નિકલ બાબતોને અભ્યાસ કરી આરોપી સુધી પહોંચી હતી. આરોપી વિરુદ્ધ ખંડણી, વિનયભંગ, ચોરી, છેતરપિંડી જેવા ૧૯ જેટલા ગંભીર ગુના નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે.

Google search engine