Homeલાડકીએવા લોકો જેને અન્ય કોઈની મદદ કરવાથી અનહદ આનંદ આવતો હોય...!

એવા લોકો જેને અન્ય કોઈની મદદ કરવાથી અનહદ આનંદ આવતો હોય…!

સંબંધોને પેલે પાર – જાનકી કળથિયા

શું તમે અન્ય લોકોની મદદ કરો છો કે પછી મદદ કરવાનું ટાળો છો? જરૂરિયાતમંદની મદદ કરીને આત્મસંતોષ મેળવો છો કે પછી એવા લોકોથી દૂરી બનાવવાનું પસંદ કરો છો? તમે જેના કામમાં આવ્યા હોય એ લોકો પછીથી તમારી હેલ્પ કરે છે? અને જો નથી કરતાં તો એનાથી તમારા હેલ્પિંગ નેચરમાં કોઈ ફેર પડે છે?
આપણે બધા જીવનમાં ખુશી પ્રાપ્ત કરવાના સેંકડો પ્રયાસ કરતા હોઈએ છીએ. એ ખુશી આપણને આપણું ગમતું કામ કરીને મળે છે. કોઈને હરવા ફરવાથી આનંદ મળતો હોય તો કોઈને મૂવીઝ જોઈને મજા આવતી હોય. કોઈ ગેમ રમીને તો કોઈ વાંચન કરીને ખુશ થતું હોય. વળી કોઈ મિત્રો સાથે ગપ્પા મારીને પણ રાજી રહેતું હોય. એટલે દરેક વ્યક્તિ પોતાને ગમતું કામ કરીને આનંદ મેળવતી હોય છે. જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે જેને અન્ય કોઈની મદદ કરવાથી અનહદ આનંદ આવતો હોય છે. પોતાનાથી શક્ય એટલું બીજાને ઉપયોગમાં આવવું- આ બાબત એને પ્રેરિત કર્યા કરે છે. પોતાના નજીકના સગાથી લઈને સાવ અજાણ્યા લોકોની પણ હેલ્પ કરવા તત્પર રહે છે. કદાચ એમને એવું કરીને સૌથી વધુ આનંદ આવતો હોય શકે…!
આમ જોઈએ તો આ પ્રકારનું વ્યક્તિત્વ કુદરતી બક્ષિશ કહી શકાય. કારણ કે આ એવા લોકો છે જે આપણા એક સાદથી એનું કામ પડતું મૂકી હાજર થાય છે. પોતાના ખિસ્સાની ક્ષમતા મુજબ મદદ કરી જાણે છે. સમય આપી જાણે છે. જે પ્રકારની આપણી જરૂરિયાત હોય એ મુજબ હેલ્પ કરી જ લે છે. માત્ર આર્થિક મદદની જ વાત નથી. કોઈને હૂંફ આપવી, સધિયારો આપવો, રડવા માટે ખભો આપવો, અરે કોઈને અડધો કલાક સતત સાંભળવા એ પણ બહુ મોટી મદદ છે. હવે સવાલ એ છે કે આવા લોકો કેટલા? આ પ્રકારનો સંબંધ કોની સાથે જ્યાં પોતાનું છોડીને સામેવાળાની જરૂરિયાત પર ધ્યાન દેવાતું હોય?
આજના સમયમાં આવા માણસો મળવા મુશ્કેલ થઈ ગયા છે. સમય જ એવો છે કે મદદ માગનાર પણ ૧૦૦ વાર વિચારે છે, કારણ કે વળતી એ મદદ કરી શકશે કે કેમ એ વિચાર અહીં અગત્યનો છે. બીજું એ કે મદદ કરનાર વ્યક્તિ પણ મદદ કરતા પહેલાં પોતાનો સ્વાર્થ જોતી થઈ ગઈ છે. ‘હું અત્યારે એનું કામ કરી આપીશ તો એ મારે જરૂર પડ્યે મને ઉપયોગી બનશે?’ આ અંગે વિચાર્યા બાદ જ આગળનો નિર્ણય લેવાતો હોય છે. પહેલાના સમયમાં તો મદદ માટે કહેવું પણ નહોતું પડતું. સારા નરસા સમયમાં આસપાસના લોકો તેમજ નજીકના સંબંધીઓ વગર બોલાવ્યે ઉપસ્થિત રહેતાં. અહીં સ્વાર્થ નહોતો. પણ ઢાલ પ્રથા જેવું કંઈક હતું. ‘બાજુવાળાને જરૂર છે તો હું જઈશ અને મારે જરૂર પડશે એટલે એ આવશે’ એ પ્રકારની સિસ્ટમ હતી. અહીં વિચારવું નહોતું પડતું. બસ એકબીજાના કામમાં આવવું એક પ્રક્રિયાનો ભાગ હતો, પરંતુ સમય બદલાયો. જે કામમાં પડોશી અને સગા સંબંધીઓ કે મિત્રોની જરૂર પડતી એ કામો હવે અન્ય સંસ્થાઓ દ્વારા પૂરા થવા લાગ્યા. પરિણામે અન્યો પાસે મદદ માગવાની જગ્યાએ જે તે સંસ્થાનો કોન્ટેકટ કરીને જરૂરિયાતો પૂરી થવા લાગી. એટલે પહેલાની જેમ હવે બીજા લોકો સામે મદદ માટે હાથ ફેલાવવાની જરૂર ન રહી. છતાંય કેટલીક પરિસ્થિતિમાં ‘આપણા’ કહી શકાય એવા લોકોની હરહંમેશ જરૂર પડતી જ હોય છે. સાથોસાથ હવે જુદા પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ. સાઈબર ફ્રોડ, દરેક પ્રકારનાં ઑનલાઈન કામો, મેન્ટલ હેલ્થ, વિક ફાઇનાન્સિયલ કન્ડિશન વગેરે માટે કેટલીક વખત આપણે અન્યો પર આધાર રાખવો પડતો હોય છે. અને એમ પણ આપણે બધી જ વસ્તુમાં માહિર હોઈએ અને આપણને ક્યારેય બીજાની જરૂર નહીં પડે એવું તો કેમ બને…! એટલે સમય સાથે બદલાવ આવ્યો અને એ મુજબ ‘તું ઠીક તો છે ને?’ આવું પૂછનાર વ્યક્તિએ પણ જાણે આપણી બહુ મોટી હેલ્પ કરી હોય એવું લાગે. અત્યારે કોઈ પાસે સમય નથી. દરેક કામો ઘડિયાળના કાંટે થાય છે. ઑફીસ પહોંચવાની ઉતાવળ, ફાઈલોના ઢગલા, પેરેન્ટ્સની દવા, બાળકોની ડિમાન્ડ, પત્નીનું લિસ્ટ, મિત્રો સાથેનું આઉટિંગ, સોસાયટીની મિટિંગ વગેરેમાંથી નવરાશ જ નથી મળતી કે અન્યોને મદદ માટેનું વિચારી શકાય. છતાં પણ એવા કેટલાંક લોકો છે જે કુદરતનું અદભુત સર્જન ગણી શકાય, જે સોશ્યલ ગૃપ ચલાવીને લોકોની મદદ કરતા હોય છે. જેને ખરેખર જરૂર છે એના કામમાં આવ્યાની લાગણી વ્યક્તિને અંદરથી અનહદ સુકૂન આપે છે. કેટલીક વ્યક્તિઓ આવા ગૃપમાં જોડાયા વગર પણ પોતાની યથાશક્તિ આવું પુણ્યનું કામ કરતી હોય છે. આપણી પાસે છે તો એમાંથી જરાકેક બીજાને આપવાથી આપણું ઘટી નહિ જાય પણ એનું સચવાય ચોક્કસ જશે. કદાચ આ કામ માટે કુદરતે આપણને નિમિત્ત બનાવ્યા હોય…!
પરંતુ ઘણાંય લોકો આનાથી વિપરીત પણ હોય શકે. જે બીજાને બિલકુલ ઉપયોગમાં ન આવે. વળી બીજાનો પૂરેપૂરો ઉપયોગ કરી લ્યે. એને ખબર પડે કે સામેવાળું હવે આપણી પાસે મદદ માગશે એટલે તરત જ પોતાનો ટ્રેક વિરુદ્ધ દિશામાં બદલી નાખે. બહાનાઓનું મસમોટું લિસ્ટ એની પાસે રેડી હોય. કદાચ આપણને જે જોઈએ છે એ એના ફોનમાં જ હાજર હોય પણ આપણે કહીએ કે, ‘મને પેલું મોકલ તો’ એટલે બહાનાઓ ચાલુ થઈ જાય. સાવ સામાન્ય વસ્તુમાં પણ એટલો ભાવ ખાય કે એને ક્યારેય કોઈની જરૂર ન પડવાની હોય…! વળી સૌથી અગત્યની બાબત એ કે એને જ્યારે આપણી જરૂર હોય ત્યારે જે મીઠુંડાવેડા કરે એ જોયા જેવા હોય. આવા માણસો ક્યારેય કોઈને ઉપયોગી બનતા નથી પણ બીજાનો ભરપૂર ઉપયોગ કરી જાણે છે.
એટલે અહીં કોઈના માટે ઘસાતાં પહેલાં આપણો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને કે પછી જરૂર પડ્યે એ આપણી પડખે ઊભો/ઊભી હશે એ વિચારવામાં સમય બરબાદ ન કરવો. કદાચ આપણી ગણતરી મૂર્ખ કે નાસમજમાં પણ થાય, પરંતુ જો કોઈને હેલ્પ કરવાથી સંતોષની લાગણી અનુભવાતી હોય તો પાછું વળીને ક્યારેય ન વિચારવું. બસ જે ગમે છે એ કર્યે જવું. આપણી મદદ માટે કુદરતે કોઈનું તો સર્જન કર્યું જ હશે. એટલે નેગેટિવ અસરોનું બને ત્યાં સુધી ન વિચારવું. કોઈ લાભ લઈ ગયું કે આપણો ઉપયોગ થઈ ગયો તો એ એનો સ્વભાવ હતો એમ માનવું. આપણે મદદ કરી એ આપણો સ્વભાવ છે. એ એનો નહીં છોડે તો આપણે આપણો મૂળ સ્વભાવ શું કામ છોડીએ?
ક્લાઈમેક્સ: સ્પર્ધા કરવી જ હોય ને તો કોઈને મદદ કરવાની કરજો. ચોક્કસ જીત થશે… કારણ કે અહીં સ્પર્ધકો ઓછા અને પુશઅપ કરનારા વધુ છે…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -