ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા એક ઈન્ટરવ્યુંમાં તેમને ‘પપ્પુ’ કહેવા વાળા વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે તેમને ‘પપ્પુ’ નામ સામે કોઈ વાંધો નથી કારણ કે તે વિરોધીઓના પ્રચાર અભિયાનનો એક ભાગ છે. આજ લોકો અગાઉ મારી દાદી (ઇન્દિરા ગાંધી)ને ગુંગી ગુડિયા પણ કહેતા હતા, જે આજે આયર્ન લેડી તરીકે ઓળખાય છે.
રાહુલ ગાંધીએ આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે જાણીએ છીએ કે વિરોધીઓના દિલમાં ડર ઘર કરી ગયો છે. તેઓ અમારી યાત્રાથી નાખુશ છે તેથી જ તેઓ આવા નિવેદનો આપી રહ્યા છે. મને આ નામોની પરવા નથી. હું તેમને કહેવા માંગું છું કે તેઓ મારું વધારે નામ લે. આ ઈન્ટરવ્યુ ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાં પસાર થઇ રહી હતી ત્યારે લેવામાં આવ્યો હતો.
તેમના દાદી અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી વિશે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને આયર્ન લેડી કહેવામાં આવે છે એ પહેલા આ લોકો તેમને ગુંગી ગુડિયા કહેતા. જે લોકો મારા પર ચોવીસે કલાક હુમલો કરી રહ્યા છે એ જ લોકો મારી દાદીને ગુંગી ગુડિયા કહેતા હતા અને અચાનક એ ગુંગી ગુડિયા આયર્ન લેડી બની ગઈ હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મને કોઈ પરવા નથી. તમે મને કંઈપણ કહી શકો છો.
ઈન્ટરવ્યુમાં રાહુલને પૂછવામાં આવ્યું કે શું તમે તમારા જીવનમાં ઈન્દિરા ગાંધી જેવા ગુણો ધરાવતી સ્ત્રી ઈચ્છો છો? આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે આ એક રસપ્રદ પ્રશ્ન છે. મારી માતા અને દાદીના ગુણો એક સારો યોગ છે.
ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરે દિલ્હી પહોંચી હતી અને ઉત્તર ભારતમાં બાકીની યાત્રા પૂર્ણ કરવા 3 જાન્યુઆરીએ કાશ્મીરી ગેટથી ફરી શરૂ થશે. ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી જમ્મુ-કાશ્મીરની યાત્રામાં જોડાશે.