લોકો ભલે તમને નામથી ઓળખતા હોય, પણ યાદ હંમેશાં સ્વભાવથી જ કરે છે

મેટિની

અરવિંદ વેકરિયા

હર્ષદ ગાંધીને લોન્ડ્રી બિલના પૈસા ધનવંત શાહે ચૂકવી દીધા. બીજા શોમાં મેં કે હર્ષદે એ બાબત કોઈ ઉલ્લેખ ઉચ્ચાર્યો નહિ. મારે પક્ષે કારણ હતું. મને થયું કે એની ભૂલ યાદ દેવડાવીશ તો સંબંધ બગડશે એના કરતાં એ યાદ રાખું કે એક કલાકાર મારે જ્યારે જરૂર હતી ત્યારે મારે પડખે ઊભો રહ્યો છે તો સંબંધ અને કલાકાર બંને ટકી રહેશે. એણે કોઈ વાત શું કામ ન કરી એ તો એ જાણે. મારી આ વર્તણૂકને લીધે કદાચ એનો ‘અહં’ ટકી રહ્યો હોય એમ પણ બને.
‘તિરાડ’ના પ્રાયોજિત પ્રયોગો ચાલતા રહેતા. એ વખતે થિયેટરો આજ કરતાં વધુ હતાં અને થિયેટર મેળવવાની હરીફાઈ આજ કરતાં ઓછી. આજના જેવી અમુક પ્રકારની ચાલતી તાનાશાહી તો અસ્તિત્વમાં જ નહોતી. આજે ખૂબ દુ:ખ થાય છે કે નરીમાન પોઈન્ટ પર આવેલું ભૂલાભાઈ ઓડિટોરિયમ, ચર્ની રોડનું હિન્દુજા થિયેટર, સુંદર સાઉન્ડ સિસ્ટમ ધરાવતો ચર્ચગેટ સ્થિત પાટકર હોલ અને ચોપાટી પર આવેલું બિરલા ક્રીડા કેન્દ્ર રિનોવેશનના નામે વર્ષોથી કેમ અવાવરું પડ્યું છે એ તો રાજકારણીઓ જાણે.
ત્યારે ૧૫ ઓગસ્ટ, ૨૬ જાન્યુઆરી જેવા જાહેર રજાના દિવસે લોકો નાટક જોવા નીકળતા, દીપાવલી પછી આવતા નૂતન વર્ષે પણ સાંજે પ્રેક્ષકો હોંશે હોંશે પધારતા. અત્યારે આ બધા દિવસો પર લોકો આવતા નથી એમાં પણ જો સાથે બે-ત્રણ દિવસની રજા મળી જાય તો શોર્ટ ટ્રિપ પર ઊપડી જવાની ફેશન થઈ ગઈ છે, ખેર!
૧૫ ઓગસ્ટની રજા નિમિત્તે અમારો શો હતો (આ દિવસે મારો જન્મ દિવસ, જે હું નથી ઊજવતો, દેશ ઊજવે છે…). શો પૂરો થયો. જેમને મારા બર્થડેની જાણ હતી એ બધાએ મને શુભેચ્છા આપી. એમને જોઈ બીજા કલાકારો પણ ગાડરિયા પ્રવાહમાં જોડાઈ શુભકામના આપવામાં જોડાયા. શો પૂરો થયો. હર્ષદ ગાંધીએ ખૂણામાં બોલાવી મને એક કવર આપ્યું. મેં પૂછ્યું કે શું છે… તો થોડા ઓછા ઉમળકા સાથે કહ્યું, ‘હેપ્પી બર્થડે’. મેં આભાર માની ત્યાં વાંચવાને બદલે ખિસ્સામાં મૂક્યું. ત્યારે ઘણા કલાકારો જે સબર્બમાં રહેતા એમનો ટ્રેનનો ડબ્બો ફિક્સ હતો, બોરીવલી તરફથી ૨.૧/૨મો ડબ્બો. શો પછી અમે ૪-૫ કલાકારો સાથે હતા. એ વખતે હર્ષદે આપેલું કવર જોવાનું યાદ પણ ન આવ્યું. શો સારો ગયો હતો એની વાતોમાં કવર વીસરાઈ ગયું.
લગભગ રાત્રે ૧૨ વાગે ઘરે પહોંચ્યો. ફ્રેશ થઈ જમવા બેઠો. મહેનતાણાનું મળેલું કવર ઠાકોરજી પાસે મૂક્યું. હર્ષદનું કવર હાથમાં આવતાં એ પણ ત્યાં જ મૂકી દીધું, થયું, જમીને વાંચીશ. શાંતિથી જમ્યો. શો બાબત ભારતી સાથે વાતો કરી. ત્યાં યાદ આવ્યું હર્ષદનું કવર. મેં ઠાકોરજી પાસેથી ઉપાડી હસતાં હસતાં ઉઘાડ્યું. અંદરથી પત્ર નીકળ્યો…
પ્રિય દાદુ,
જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા. તારાં ૩૫ વર્ષ પૂરાં થયાં. તેં આજે ૩૬મા વર્ષમાં પ્રવેશ કર્યો. આપણી વચ્ચે આપણે ૩૬નો આંકડો નથી રાખવો. મારી ભૂલ હતી કે મેં તારી પાસે લોન્ડ્રીના પૈસા માગ્યા. આજે તારા જન્મ દિવસે એ લૂણ ઉતારવા થોડી શરમ સાથે તે આપેલા એ રૂપિયા આ પત્ર સાથે મૂકું છું. મારી ભૂલ હતી જ એટલે આ કોઈ ઉપકાર નથી કરતો. ભૂલ સુધારું છું. મેં જ કહ્યું હતું કે બે જોડી કપડાં હું લેતો આવીશ ત્યાં વાત પૂરી થઈ ગઈ. આમ પણ તારા મામાનું ઋણ મારા પર છે જ! અન્ય પેધી ગયેલા નિર્માતાઓને સુધારવામાં મેં તને પણ સુધારી નાખ્યો. એ નિર્માતાઓ સાથે તો માત્ર ધંધાદારી સંબંધ હોય, તારી સાથેના પ્રેમના સંબંધ. મારી આ પત્ર દ્વારા કહેલી વાતનો હવે ક્યારેય ઉલ્લેખ આપણે નહિ કરીએ. કદાચ આ વાતને લીધે હું તારી નજરમાંથી ઊતરી પણ ગયો હોઈશ, ખબર નથી… હું તો ભાવનગરનો અસ્સલ કાઠિયાવાડી. તમારું મુંબઈ શહેર હું પચાવતો જાઉં છું… હજી નથી સમજાતું કે મુંબાદેવી જવા મસ્જિદ ઊતરવું પડે. હાજી અલી જવા માટે મહાલક્ષ્મી. મારે તારી નજરમાંથી ઊતરી સંબંધને આભડછેટ નથી લગાડવી.
એ જ લિ: હર્ષદ ગાંધી
મેં જોયું તો એ પત્ર સાથે કવરમાં રૂ. ૫૫૦/- પણ મૂકેલા હતા. હું વિચારતો થઈ ગયો. થયું, સાલું લાગણીઓ પણ ક્યારેક ઓળખવામાં સમય માગી લેતી હશે? ખરેખર, દરેક સમસ્યાનો છેલ્લો રસ્તો માફી જ છે, ક્યાંક આપી દો, ક્યાંકથી લઈ લો. એ પછી મેં ક્યારેય આ વાત હર્ષદ ગાંધી સાથે ન કરી. આજે પણ અમારા સંબંધ ‘સદાબહાર’ જ છે. એ ૫૫૦/- મેં પછી ધનવંત શાહ પાસે પછીના શોમાં જમા કરાવી દીધા.
વચ્ચે ત્રણેક શો મારે જતા કરવા પડ્યા. જોકે પ્રાયોજિત જ હતા. મારે તન્મયની પરીક્ષા હતી. એ પોઈસર ખાતે આવેલ અવર લેડી ઓફ રેમિડી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.
આ દરમ્યાન મને રાજેન્દ્ર શુક્લે કહ્યું કે પેલું ‘બજેટ નાટક’ હું લખી રહ્યો છું. એમાં આપણને એક નામ તો જોઈશે જ. રાજેન્દ્ર કહે આપણે દેવેન્દ્ર પંડિતને કાસ્ટ કરી લઈએ. બાકીના જે કલાકારો કાગળ પર ઊતરશે એ અવેલેબલ કલાકારોમાંથી બજેટ પ્રમાણે શોધી કાઢીશું. ‘તિરાડ’ નાટકને ‘ગેપ’ નહિ આપીએ એ નક્કી. આમ પણ તું હમણાં કોઈ નાટક કરતો નથી તો કદાચ બંને તારીખો ભેગી થઈ જાય ત્યારે નવા બનેલા નાટકમાં તું એ રોલ કરી નાખજે. આપણા બંને પ્રોજેક્ટ સચવાઈ જશે.
મને એની વાત સાચી તો લાગી, પણ દ્વિધા એ હતી કે કોઈ નિર્માતા એક કલાકાર તરીકે મને કાસ્ટ કરે ત્યારે મારે શું અભિગમ લેવો? રાજેન્દ્ર કહે, એ તરત તો નાટક રજૂ નહિ કરે.. જે કોઈ નિર્માતા હશે, તું રોલ સ્વીકારી લેજે પછી જોયું જશે. આપણે વિચારેલું એમ ક્યારેક એવા સમયે એકાદ ‘ગેપ’ લઈ લઈશું અને શક્ય બન્યું તો બપોર-સાંજ કરીશું તો વાંધો નહિ આવે.
વાતમાં મને તથ્ય તો લાગ્યું. એનું આપેલું પ્રોત્સાહન પણ ગમ્યું. એ સમયે મનોરંજનનાં બીજાં માધ્યમો બહુ ઓછાં હતાં. ત્યારે બપોરના શોમાં પણ બુકિંગ સારું આવતું. અત્યારની વાત જુદી છે. આજે તો સાંજના શોમાં પણ બ્લોક-બુકિંગ પર ઘણા નિર્માતાઓ આધાર રાખતા થઈ ગયા છે.
રાજેન્દ્રની પોરસ વાળી વાત આજે પણ મને યાદ રહી ગઈ છે. લોકો ભલે તમને નામથી ઓળખતા હોય, પણ યાદ હંમેશાં સ્વભાવથી જ કરે છે, રાજેન્દ્ર શુક્લ એવો હતો.
* * *
હંમેશાં મજાકમાં થોડી સચ્ચાઈ હોય છે,
પૂછવામાં પણ જાણવાની ઈચ્છા હોય છે!
બે-ખબરને પણ થોડી ખબર તો હોય છે,
ને મને પરવા નથીમાં પણ થોડી પરવા હોય છે.
——–
વ્રતો હવે ચાલુ જ છે…..
સવારે વડ ઉપર દોરા….
સાંજે વર ઉપર ડોળા….

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.