Homeઉત્સવગુજરાત, રાજસ્થાન અને માળવાના લોકોએ મુંબઈમાં ગરબાનો પ્રારંભ કર્યો

ગુજરાત, રાજસ્થાન અને માળવાના લોકોએ મુંબઈમાં ગરબાનો પ્રારંભ કર્યો

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

(ગાય અંકથી ચાલુ)
ધોબી તળાવને નામે ઓળખાતું તળાવ પહેલેથી જ ત્યાં હતું અને ધોબીઓ ત્યાં કપડાં ધોતા હતા, પરંતુ ફરામજી કાવસજીએ ૧૮૩૧માં આ તળાવને ઊંડું ખોદાવીને પાકું બંધાવ્યું હતું.
ગોવાલિયા ટેન્ક ખાતે ગોવાળિયાઓ મલબાર હિલ પર ઢોરો ચરાવીને પાણી પીવા લઈ આવતા હતા. ૧૯૧૨માં આ તળાવ પૂરી દેવામાં આવ્યું હતું.
મુંબાદેવીનું અસલ મંદિર બોરીબંદર આગળ હતું. નજીકમાં તળાવ હતું. મુંબાદેવીનું મંદિર અહીંથી ખસેડ્યા પછી અંગ્રેજોએ આ તળાવની જગ્યાએ ગુનેગારોને ફાંસી આપવાનું શરૂ કર્યું હતું. ૧૮૦૫ સુધી અહીં ફાંસીનો માંચડો હતો.
મુંબાદેવીનું મંદિર રહી ગયું છે, પણ પ્રાંગણમાનું તળાવ પૂરી દેવામાં આવ્યું છે. પૂતળીબાઈએ ઈ.સ. ૧૮૩૦માં આ તળાવ બંધાવ્યું હતું.
સર જમશેદજી જીજીભાઈના એક ભાગીદાર અને કોંકણી મુસલમાન શાહસોદાગર મહમદઅલી રોગોએ એસ્પ્લેનેડ હાઈસ્કૂલ આગળ નાખૂદા તળાવ બંધાવ્યું હતું. આ મહમદઅલી રોગોએ ઈ.સ.૧૮૩૭માં જુમ્મા મસ્જિદનું સમારકામ કરાવ્યું હતું. આ જુમા મસ્જિદ ઈ.સ.૧૮૦૨માં બંધાઈ હતી.
વિહાર સરોવર ૧૮૫૯ સુધી એક નાનકડું તળાવ કે નાળું હતું. કેપ્ટન ક્રોફર્ડની યોજનાથી ૧૮૫૫માં વિહાર સરોવર પાણી પુરવઠા યોજના અમલમાં આવી હતી. ત્યારપછી તાનસા અને તુલસી સરોવર બન્યાં.
મુંબઈ બંદર એ ભારતીય નૌકાદળનું મૂળ મુખ્ય મથક છે. ઈ.સ. ૧૬૧૨માં ઈસ્ટઈન્ડિયા કંપનીએ ભારતમાં વેપાર ચલાવવા અને પ્રદેશ જીતવા ઈસ્ટ ઈન્ડિયા નેવી (નૌકાદળ)ની સ્થાપના કરી હતી. ૧૬૬૪-૬૫માં પોર્ટુગીઝ પાસેથી અંગ્રેજોએ મુંબઈ મેળવ્યું અને ત્યારપછી ૧૬૮૬માં ઈસ્ટઈન્ડિયા કંપનીએ મુંબઈમાં ઈસ્ટઈન્ડિયા નૌકાદળની વિધિસર સ્થાપના કરી. ૧૮૩૦માં એને ઈન્ડિયન નેવી એવું નામ આપવામાં આવ્યું અને ૧૮૭૭માં વિકટોરિયા રાણીએ પોતાનું સામ્રાજ્ય જાહેર કરતાં એ ક્વીન વિકટોરિયાઝ નેવી તરીકે ઓળખાવા લાગ્યું અને ૧૮૯૨માં એને રોયલ નેવી નામ મળ્યું. ત્યાર પછી ૧૯૨૬ની સાલમાં રોયલ ઈન્ડિયન નેવી નામ આપવામાં આવ્યું.
મુંબઈ બંદર હોવાથી અહીં ગુલામોનું વેચાણ કરી પરદેશ ચઢાવવામાં આવતા હતા અને આફ્રિકાથી ગુલામોને અહીં મુંબઈ બંદરે ઉતારી વેચવામાં આવતા હતા. અંગ્રેજ સરકારે ઈ.સ. ૧૭૪૧ના જૂન મહિનાની ત્રીજી તારીખે ગુલામોના વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.
(૧૭)
આજથી ગરબાનો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે અને ગુજરાતી મૂળ તો વ્યાપારી પ્રજા એટલે સંસ્કૃતિ અને મનોરંજનના પ્રતીક સમા ગરબાના તહેવારને પણ ‘વ્યાપાર’ બનાવી દેવામાં આવ્યો છે. આજે મહાનગર મુંબઈમાં ગરબા યોજવામાં કરોડો રૂપિયાની હેરફેર થાય છે.
મુંબઈમાં સર્વપ્રથમ ગરબા કોણ લઈ આવ્યું એ પાયાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે. ગરબા ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને માળવામાં પણ પ્રચલિત છે. મહમદ ગઝનીના હાથે પરાજય પામીને ભીમદેવ સોલંકીએ જ્યારે માહિમ ખાતે રાજધાની સ્થાપી ત્યારે તેમની સાથે આવેલા ગુજરાત, રાજસ્થાન અને માળવાના લોકોએ મુંબઈમાં ગરબાનો પ્રારંભ કર્યો હતો અને આજે પણ ગરબા ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે. ગરબા એ સામાન્ય રીતે શાક્ત અને શૈવ પંથની સંસ્કૃતિ છે. મુખ્યત્વે ગરબામાં પહેલાં અંબાજી, બહુચરા, મહાકાલી, દુર્ગાનું સ્તવન હોય છે. ‘મા પાવા તે ગઢથી ઊતર્યા… મહાકાળી રે’ ગરબો માતાને અનુલક્ષીને છે ને આજે પણ એટલો જ પ્રચલિત છે.
લોકજીવનનાં પ્રત્યેક અંગ ગરબામાં ગૂંથી લેવામાં આવ્યાં છે. ગરબા એટલે લોકજીવનનો સામૂહિક ઉલ્લાસ, ગરબી આ શબ્દ સર્વપ્રથમ સત્તરમી સદીમાં કવિ ભાણદાસે વાપર્યો છે. એ પહેલાં એ ‘રાસ’ તરીકે ઓળખાતા હતા. આજે પણ ‘ગરબારાસ’ શબ્દ પ્રચલિત છે. નરસિંહ મહેતા ગરબીના કવિ છે તો દયારામ ગરબા સમ્રાટ છે. પણ… ગરબા લોકગીતના રૂપમાં અધિક સક્રિય અને જીવંત રહ્યા છે.
મુંબઈમાં ગુજરાતીઓએ ગરબાની રમઝટ તો અઢારમી સદીના આરંભમાં જમાવી. સત્તરમી સદી આથમવા આવી હતી ત્યારે અંગ્રેજોએ મુંબઈ ટાપુ મેળવીને તેના વિકાસ માટે ગુજરાતના લોકોને આમંત્ર્યા હતા. સત્તરમી સદીમાં ગુજરાતી પુરુષો મોટે ભાગે એકલા જ આવ્યા હતા અને અઢારમી સદીમાં ગુજરાતી પરિવારથી મુંબઈ ગાજતું થઈ ગયું. શરૂઆત બારમાસનાં સુખ-દુ:ખ, મિલન જુદાઈની વાતોથી થાય.
‘કારતકે કૃષ્ણ ગયા મેલી
મારે ઘરે આવો વનમાળી
કુબજા કેમ રે ગમે કાળી
આવો હરિ રાસ રમો વાલા’
આ ગરબામાં કારતકથી આસો માસ સુધીની વાતો સમાવી લેવામાં આવી છે.
ગરવી ગુજરાતણો જ્યારે ભૂલેશ્ર્વર પરિસરમાં ગરબો ગાવા ઊતરતી તો લોકો સાંભળીને અને નિહાળીને સ્તબ્ધ થઈ જતાં. શેઠાણીથી માંડી સામાન્ય ગુજરાતી નારી એક થઈને હોંશે હોંશે ગરબા ગાતી હતી. એક સો વર્ષથી અધિક જૂનો ગરબો છે:
નાની,શી નથ
મારા નાકમાં સમાય
મોટી પહેરું તો
મારી નથ ઝીલાં ખાય
ઝીણા મારૂજી હો રાય –
ઘોઘાનો ઘાઘરો
બુરાનપુરી ચીર
અતલસનું કાપડું તે
રહ્યું ઠીકઠીક.
ઝીણા મારૂજી હો રાય-
વંતાકના શાકમાં
જીરાનો વઘાર
કીયા ભાઈનો દીકરો
મુંબઈનો સરદાર
ઝીણા મારૂજી રાય-
તાંદળજીની ભાજીમાં
મરચાંનો વઘાર
કીયા ભાઈનો દીકરો
તે મુંબઈનો ઉતાર.’
તે જમાનામાં પારસીઓએ પણ ગરબાના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.
ઓગણીસમી સદીમાં ‘મુંબઈ સમાચાર’ વર્તમાનપત્રના અધિપતિ શેઠ માણેકજી બરજોરજી મીનોચહેર હોમજી અને શેઠ નાનાભાઈ રૂસ્તમજી રાણીનાએ પણ જાહેરમાં ગરબાની હિમાયત કરી હતી. શ્રી માણેકજીએ ગરબાનો સંગ્રહ ઈ.સ. ૧૮૬૮માં મુંબઈ સમાચાર છાપખાનામાં છાપીને ‘ગરબાસંગ્રહ’ નામે બહાર પાડ્યો હતો. અફસોસની વાત એ છે કે પારસીઓમાંથી આજે ગરબા લુપ્ત થઈ ગયા છે.
પારસીઓ અને હિન્દુઓ ગાઢી મિત્રતા ધરાવતા હતા. જ્યારે જૈન દાનવીર શેઠ મોતીચંદ અમીચંદનું મરણ થયું તો તેમના પુણ્ય માટે સર જમશેદજી જીજીભાઈએ એક ધર્મખાતું સ્થાપ્યું હતું અને મુંબઈની પાંજરાપોળ ચલાવતા ટ્રસ્ટને રૂા. ૩૦ હજાર એવી શરતે સુપરત કર્યા હતા કે દર વરસે સુરત અને ખંભાતના ગરીબ અને લાચાર હિન્દુઓને મદદ કરવા આ રકમનું વ્યાજ દર વરસે ખર્ચવું. એનો ઉલ્લેખ એક ગરબામાં થયો છે:
‘હિન્દી વસતિમાં
નર કે નામીચો
એક્કો સર જમશેદજી
જીજીભાઈ જો
ભૂખ્યાને અન્નપાણી
આપી ઓલવીયાં
અંગે દીધાં નાગાંને વસ્તર જો.’
પારસીઓ મુંબઈમાં ત્યારે એટલા અગ્રેસર હતા કે મુંબઈના ગવર્નર સર રિચર્ડ ટેમ્પલને તા. ૪થી માર્ચ ૧૮૭૮ના દિવસે એક ખાસ ટ્રેનમાં મુંબઈથી નવસારી લઈ ગયા હતા. રાતે ઊપડેલી એ ટ્રેન સવારે ૬ વાગ્યે નવસારી પહોંચી હતી.
નવસારીમાં લુનસીકુઈ ખાતે દસ્તુરજીની વાડીના બંગલામાં ગવર્નરને ઉતારો આપવામાં આવ્યો હતો અને ગવર્નર ઘોડા ઉપર બેસીને નસરવાનજી તાતાએ નવસારીમાં બંધાવેલું દોખમું જોવા ગવર્નર નવસારી ગયા હતા. જ્યારે આ દોખમું બંધાતું હતું ત્યારે ૧૮૭૭ના ડિસેમ્બરની ૬ઠ્ઠી તારીખે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ અને મહારાણી જમનાબાઈ રસાલા સાથે એ જોવા નવસારી ગયાં હતાં.
સર રિચર્ડ ટેમ્પલની નવસારીની મુલાકાતનો ગરબો મુંબઈમાં ગવાયો હતો:
‘સર રિચર્ડ ટેમ્પલ
ગવંડરનું નામ વંચાય
જુગ જીવો રે નસરવાનજીપુત
જમશેદજી તાતાના
મોટા મોટા તંબુ ચાર નાખીયા
ગવંડરનો રસાલો સમાય રે
આંબાના ઝાડ પર ફાનસો ટાંગિયા
ચીનાઈ ડબ્બા દેખાય રે.’
આજે એવા ગરબા રચનાર પારસીઓમાં રહ્યા નથી. પારસી ગરબા એક રીતે લુપ્ત થઈ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular