ભુજના રહેણાંક વિસ્તારોમાં મગરો ફરતા થતાં લોકો ભયભીત

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છમાં પડેલા ભારે વરસાદ બાદ નવા નીર ભરાવાની સાથે અનેક જગ્યાઓએ રાની પશુ મગરની વ્યાપક હાજરી જોવા મળી રહી છે ત્યારે ભુજના ખારી નદી પાસે અમન નગરના રેલવે ઓવરબ્રિજ પર ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થતા બાઈકચાલક પર મગરે હુમલો કરતાં, બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જો કે સદ્દભાગ્યે બાઇકના અવાજથી ડરી ગયેલો મગર પરત પાણીમાં ચાલ્યો
ગયો હતો.
ઘટનાની જાણ તંત્ર સમક્ષ કરવામાં આવતાં વનવિભાગ દ્વારા મગરને પકડવાની કામગીરી હાથ ધરી, મગરને પકડી લેવામાં આવ્યો હતો. બીજી તરફ, ભુજ શહેરના નરસિંહ મહેતા નગરમાં પણ બાળ મગરે દેખા દેતા રહેણાંકમાં ચિંતા ફેલાઈ હતી.
નરસિંહ મહેતા નગરમાં વહેલી સવારે ઘરના લોખંડના દરવાજામાંથી અંદર ઘૂસવાની કોશિશ કરી રહેલો ૪ ફૂટ લાંબો બાળમગર જોવા મળતા રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે જંગલ ખાતાને જાણ થતા અધિકારીઓએ બાળમગરને પકડી લઇ સુરક્ષિત જગ્યાએ છોડી મૂક્યું હતું.
દરમિયાન કચ્છમાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન ઝાપટાંરૂપે વરસાદે હાજરી પૂરાવી હતી અને ભુજ તેમ જ આસપાસના વિસ્તારો, આદિપુર, અંજાર, ગાંધીધામમાં અડધો ઇંચ પાણી પડ્યું હતું. જ્યારે ભુજ તાલુકાના ખાવડા પંથકમાં પાંચ ઈંચ વરસાદ વરસી ગયા બાદ વરાપ નીકળી છે. માતાનામઢ, અબડાસા, લખપત, નખત્રાણામાં પણ દિવસભર ઝાપટાંઓનો દોર યથાવત્ રહ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.