લોકોને રાજેશ ખન્ના યાદ નથી, મને પણ ભૂલી જશે: વિજય દેવરકોંડા

મેટિની

કલ્પના શાહ

વિજય દેવરકોંડાએ ‘અર્જુન રેડ્ડી’ ફિલ્મ બાદ ખૂબ નામના મેળવી. દક્ષિણ ભારતમાં ઘણી હિટ ફિલ્મો આપી ચૂકેલો વિજય હવે બોલીવૂડના ચાહકોને લુભાવવા આવી રહ્યો છે. તેનો ચાહકવર્ગ જબરજસ્ત છે. છોકરીઓ માટે તે નવો નેશનલ ક્રેઝ બની ચૂક્યો છે. વાતચીતમાં વિજયે બોલીવૂડ વર્સિસ દક્ષિણની ફિલ્મો વિશે પણ બેબાક નિવેદનો આપ્યાં હતાં. ચમકતી ફિલ્મી દુનિયા વિશે પોતાનો મત આપતાં તે હચમચાવી દેનારી વાત કહે છે. તે કહે છે, લોકોને રાજેશ ખન્ના યાદ નથી, તો મને પણ ભૂલી જશે.
તેની મોટા ભાગની દક્ષિણની ફિલ્મો ‘અર્જુન રેડ્ડી’, ‘ડિયર કોમરેડ’, ‘ગીત ગવિંદમ’, ‘ટેક્સીવાલા’ બોક્સ ઓફિસ પર સારું ચાલી હતી. ત્યારે ‘લિગર’ને લઈને તે દબાણ અનુભવી રહ્યો છે કે કેમ તેમ પૂછવામાં આવતાં વિજયે જણાવ્યું હતું કે ‘હાલમાં તો પ્રમોશન માણી રહ્યો છું, પણ હું મારી આ ફિલ્મને લઈને ઘણો નિશ્ર્ચિતં છું. ફિલ્મ સારી બની છે. ફિલ્મનો કેન્વાસ મોટો છે. લોકો અમને ખૂબ પ્રેમ આપે છે ત્યારે અમારી કોશિશ એ છે કે જે લોકો અમને આટલો પ્રેમ આપે છે તેમના માટે સારી ફિલ્મો બનાવીએ.’
પોતે જ્યાં જાય છે ત્યાં લોકો ખૂબ જ પ્રેમ કરે છે એવું કહેતાં વિજય જણાવે છે કે ‘પણ હું સમજી નથી શકતો કે મેં એટલું તો શું સારું કર્યું કે લોકો મને આટલો પ્રેમ કરે છે. હું આને ભગવાનના આશીર્વાદ માનું છું. હાલમાં જ એક પ્રશંસક મને મળવા આવી અને ભેટીને જોર જોરથી રડવા માંડી. મારી આંખો પણ ભીની થઈ ગઈ હતી. એક પ્રશંસક પોતાની પીઠ પર મારા નામનું ટેટૂ છૂંદાવીને આવી હતી તો પટનામાં તો ચાહકો બેકાબૂ થતાં અમારે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. ચાહકો મારા નામનો જોર જોરથી નારો લગાવે છે કે રડે છે ત્યારે હું પણ ગળગળો થઈ જાઉં છું. હું પણ મારા પ્રશંસકોને ખૂબ પ્રેમ કરું છું અને પ્રેમ અભિવ્યક્ત પણ કરું છું. તેમને આઈ લવ યુ કહું છું અને તેમની સાથે ફોટો પણ પડાવું છું. કોઈને જપ્પી જોઈએ તો તે પણ આપું છું. હું માનું છું કે ચાહકો છે તો હું છું. હું તેમનો આભારી છું કે તેઓ મને આટલો પ્રેમ કરે છે.’
તાજેતરમાં જ કોફી વિથ કરણમાં સારા અલી ખાન અને જાહ્ન્વી કપૂરે પોતાનો ક્રશ વિજય માટે વ્યક્ત કર્યો હતો ત્યારે વિજય કહે છે કે ‘કોઈ પણ મને પસંદ કરે છે તે જાણીને સારું જ લાગે છે. હું તે બન્નેને મળ્યો છું. તે બન્ને સ્વીટ છોકરીઓ છે. હું પણ તેમના પ્રત્યે લગાવ અનુભવું છું.’
તારી માટે ફિલ્મજગત અને અસલ જિંદગીમાં ‘લિગર’ કોણ છે તેમ પૂછવામાં આવતાં વિજય કહે છે કે ‘ફિલ્મજગતનો ‘લિગર’ તો હું જ છું અને અસલ જિંદગીના ‘લિગર’ મારાં પિતા અને માતા છે. મારા પિતા મને પાસે બેસાડી ખૂબ શિસ્ત સાથે જીવનના પાઠ ભણાવતા હતા. તે મારા ફિલોસોફર છે. મમ્મીએ મને તેમના પ્રેમથી સીંચ્યો છે. હું રોજ કામ પૂરું કરી ઘરે જઈ મારી માને મળું છું. તેનો હાલચાલ જાણું છું. પછી તે મારી સાથે ગોસિપ કરવાનું શરૂ કરી દે છે. આ આંટી આમ કરે છે, પેલા આંટીનું શુ ચાલે છે. અમે લોકો ખૂબ હસી-મજાક કરીએ છીએ. તે મને તેના હાથે બનાવેલું ભોજન આપે છે. આ બન્ને વિના હું મારા જીવનની કલ્પના કરી શકતી નથી. તે બન્ને મારા જીવનના લાયન અને ટાઈગર છે.’
આ ફિલ્મમાં તે અનન્યા પાંડે સાથે જોડી જમાવી રહ્યો છે ત્યારે તેના વિશે પૂછવામાં આવતાં વિજય જણાવે છે કે ‘બે વર્ષ પહેલાં અમે જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું ત્યારે અનન્યા નાની બાળકી જેવી હતી. નવી હતી, પણ તેનામાં શીખવાની ધગશ ઘણી હતી. તેને અભિનયનો હંમેશાં શોખ રહ્યો છે. તે તો નાનાપણથી જ અભિનેત્રી બનવા માગતી હતી. આ જ કારણ છે કે તે હંમેશાં કંઈ ને કંઈ કરવા માગતી હતી. છેલ્લાં બે વર્ષમાં તે અભિનેત્રીના રૂપમાં સામે આવી રહી છે. અમે જ્યારે આ ફિલ્મ શૂટ કરી રહ્યાં હતાં ત્યારે તેની ‘ખાલીપીલી’ રિલીઝ થઈ હતી. ‘ગહરાઈયાં’માં અભિનેત્રી તરીકેનો તેનો વિકાસ સ્પષ્ટ જોઈ શકાય છે. હવે તે વ્યક્તિ અને છોકરીના રૂપમાં પણ પરિપક્વ બની છે. સેટ પર ક્રાફ્ટને લઈને તેની ઉત્સુકતા કમાલની હોય છે. તેણે ફિલ્મમાં ઘણું સારું કામ કર્યું છે. આ ફિલ્મ બાદ તેને લોકોનો ખૂબ પ્રેમ મળશે.’
બોલીવૂડ અને દક્ષિણની ફિલ્મો વિશેની દલીલો વિશે વિજય કહે છે કે ‘દક્ષિણ સારું છે કે ઉત્તર સારું છે, હું આવી દલીલોમાં રસ ધરાવતો નથી. મને આ સમય ગુમાવવાવાળી વાત લાગે છે. હું હૈદરાબાદમાં જન્મ્યો છું, પરંતુ મને લાગે છે કે હું મુંબઈ, અમદાવાદ, બિહાર જ્યાં જાઉં ત્યાં મને પ્રેમ મળે છે. મને લાગે છે મારે તેનો આદર કરવો જોઈએ અને લોકોને સારી ફિલ્મો આપવી જોઈએ, તેથી તેઓ મજા લઈ શકે. આપણો યુવાવર્ગ આખું અઠવાડિયું કામ કરે છે અને વીકએન્ડમાં પૈસા અને સમય ખર્ચી થિયેટરમાં જાય છે, તો અમારી ફરજ બને છે કે આપણે તેમને એવી ફિલ્મ આપીએ જે એક સંભારણું બની જાય. તે અમારી ફ્લ્મિો સાથે સારો સમય વિતાવી શકે. આપણું કામ એ જ છે. હું તો પહેલી વાર મુંબઈના મીડિયા સાથે વાત કરું છું.
મને લાગે છે કે થોડા સમયમાં દરેક ભાષાના કલાકારો સામાન્ય થઈ જશે.’
સારું હિન્દી જાણતો વિજય કહે છે કે ‘હિન્દીમાં વાત કરવાનું હું મેનેજ કરી લઉં છું. આનું એક કારણ મારું હૈદરાબાદમાં જન્મેલો હોવાનું છે. હું નાનો હતો ત્યારે હિન્દી ફિલ્મો જોતો હતો. હિન્દી સારી રીતે સમજી શકું છું. જોકે મારું ગ્રામર ઘણી વાર ખોટું હોય છે. ‘લિગર’ના પ્રમોશન દરમિયાન હું હિન્દીમાં જ વાત કરું છું તો મારી હિન્દી વધારે સારી થઈ ગઈ છે. ‘અર્જુન રેડ્ડી’ને તે પોતાની કેરિયરનો ટર્નિંગ પોઈન્ટ માને છે. તેની જ્યારે હિન્દી રિમેક ‘કબીર સિંહ’ બની ત્યારે લોકોએ મને અને મારી ફિલ્મને શોધવાનું શરૂ કર્યું.’
પ્રેમ વિશે વિજય કહે છે કે ‘પ્રેમમાં તમારે એકબીજાને ખુશી આપવાની હોય છે. એકબીજાને સપોર્ટ કરવાનો હોય છે.’ રશ્મિકા મંદાના સાથેના અફેરની ચર્ચા વિશે કહે છે કે ‘આવી અફવાઓનો મારા પર કોઈ પ્રભાવ પડતો નથી. લોકો તમારા વિશે વધુમાં વધુ જાણવા-વાંચવા માગે છે તો મીડિયા અવનવી ખબર બનાવતું રહે છે. આ એક પબ્લિક ફિગર હોવાની કિંમત છે જે તમારે ચૂકવવી પડે છે, પણ મને તેનો કોઈ વાંધો નથી.’ આટલા સ્ટારડમ પછી પણ જમીનથી જોડાયેલો રહે છે તેનાં કારણો તરીકે વિજય જણાવે છે કે ‘જીવનમાં બધું બહુ હંગામી હોય છે. સ્ટારડમ પણ હંગામી છે. લોકો બધાને ભૂલી જાય છે, એક દિવસ મને પણ ભૂલી જશે. આ સ્વીકારવું ઘણું અઘરું છે, પણ હકીકત છે. એક સમયે રાજેશ ખન્ના માટે
કેટલો જબરો ક્રેઝ હતો. તેમને જોવા માટે લાંબી કિલોમીટર સુધીની લાઈનો લાગતી હતી, પણ આ જનરેશન તેમને જાણતું જ નથી કે તેઓ કોણ છે. હું પણ આજે રણબીર કપૂરની વાત કરું છું. અભિનય મને બહુ ગમે છે. એ મારું ઘર પણ ચલાવે છે, પરંતુ હું મારી જિંદગી મારા પરિવાર અને મિત્રો સાથે વિતાવવામાં માનું છું.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.