ઝાકળની પ્યાલી-ડૉ. એસ. એસ. રાહી
બહોત સુન લી બસ અબ આપ મેં રહિયે,
નિકલ જાયે ન કુછ મેરી ઝુંબા સે.
મિલના ન મિલના યે તો મુકદ્દર કી બાત હૈ,
તુમ ખુશ રહો, રહો મેરે પ્યારે, જહાં કહીં.
તુમ ભલા કૌન થે? દિલ મેં મેરે આનેવાલે,
દેખના જાન ન પહચાન, ચલે આતે હૈં.
વો ભી ન ચૈન સે કહીં દમભર કો રેહ સકા,
દુનિયા મેં જિસને આ કે સતાયે પરાયે દિલ.
– આગા શાઈર
દિલ્હી સ્કૂલના અગ્રણી શાયર અને ખુદા-એ-સુખન તરીકે ઓળખાતા મિર્ઝા ‘દાગ’ દહેલવી (૧૮૩૧-૧૯૦૫)ના પ્રિય શિષ્યોમાં આગા શાઈર કિઝિલબાશનું નામ જાણીતું છે. તેમનું મૂળ નામ આગા મુઝફફરબેન હતું.
સન ૧૮૭૧માં દિલ્હીમાં તેમનો જન્મ થયો હતો. તેમના ઉસ્તાદ ‘દાગ’ સાહેબની સેવામાં તેઓ વર્ષો સુધી હૈદરાબાદમાં
રહ્યા હતા. તેમણે તેમના ગુરુજી ‘દાગ’
વિશે તેમના લેખોમાં વિનયપૂર્વક ઉલ્લેખ કર્યો છે.
એક મહત્ત્વની બાબત એ છે કે આગા શાઈરના પણ સેંકડો શિષ્યો હતા, જેમાં મુન્શી મહારાજ બહાદુર ‘બર્ક’ અને પંડિત જિનેશ્ર્વરદાસ જૈન ‘માઈલ’ જેવા ઉચ્ચ કોટીના સર્જકોનો સમાવેશ થાય છે.
કોમળ, નિર્મળ, નાજુક સ્વભાવ ધરાવતા આ સહૃદયી શાયર પોતાના પોશાકમાં મૂલ્યવાન અત્તર છાંટી મુશાયરામાં પેશ થતા હતા. આમ તેમની રજૂઆત પણ ખુશ્બોદાર થતી હતી.
આમ તેમની ગઝલપઠનની શૈલી આકર્ષક અને મોહક હતી. તેમની આ વિશેષતાને લીધે શ્રોતાએ મંત્રમુગ્ધ થઈ જતા હતા. તેઓ વેદનાસભર શે’ર રજૂ કરતા ત્યારે ક્યારેક રડી પડતા હતા. તેમની નઝમો, કસીદાઓ (પ્રશંસા કાવ્યો) અને ૩૦૦ ગઝલો સમાવતો કાવ્યસંગ્રહ ‘તીરોનશ્તર’ ઈ. સ. ૧૯૦૯માં પ્રગટ થયો હતો. તેઓ સારા ગદ્યકાર અને અનુવાદક પણ હતા.
તેમના વિવેચનાત્મક લેખોનું પુસ્તક ‘ખુમારિસ્તાન’ પ્રગટ થયું છે. તેમણે નવલકથા અને નાટકનું ય સર્જન કર્યું છે. દિગ્ગજ ફારસી શાયર ઉમર ખૈયામની રુબાઈઓ તેમણે ઉર્દૂ ભાષામાં ઉતારી આપી છે. ૧૨મી માર્ચ ૧૯૪૦ના દિવસે તેમનું અવસાન થયું ત્યારે દિલ્હીના એક અખબારે આ શાયરને અંજલિ આપતા લખ્યું હતું: ‘દિલ્લી કા ઝબાનદાં, હિન્દુ-મુસ્લિમ ઈત્તિહાદ કા સચ્ચા આશિક ચલ બસા.’
તેમની ગઝલ સૃષ્ટિમાંથી કેટલાક ચોટદાર શેરનું રસદર્શન કરીએ:
* આંખે નશીલી, બાલ ખુલે, મુસ્કુરાહટેં,
ઈસ વક્ત પે નશા હૈ તુમ્હેં કિસ બહાર કા?
(તમારી) આંખો નશીલી છે, વાળ ખુલ્લા છે અને સ્મિતની છોળો ઊડી રહી છે. તમે બતાવો તો ખરા કે તમને કઈ વસંતનો નશો ચડ્યો છે!!
* ઉધર જો દેખતા હૈ, વો ઈધર ભી દેખ
લેતા હૈ,
તેરી તસ્વીર બન કર હમ તેરી મહેફિલ મેં રહતે હૈં
જે તારી તરફ જુએ છે તે મારી તરફ પણ નજર કરી લેતા હોય છે. (કેમ કે) તારી મહેફિલ-સભામાં હું તારી છબી બનીને બેસું છું.
* તુમ ક્યા સુનોગે? વાહ સિતમગર સે ક્યા કહેં?
હાં, કોઈ એહલે-દર્દ હો, પત્થર સે ક્યાં કહેં?
તમે તો અત્યાચારી છો. તમને શું કહેવું? જે વ્યથાને સમજતા હોય તેની પાસે જ દિલની વાતો કરાય. પથ્થર સાથે માથું પછાડીએ તો લોહી જ નીકળે. આટલી વાત તો તમે સમજો.
* ઈક સિતમગર પે હમ ભી મરતે હૈં,
આપ કા-સા શબાબ હૈ બિલકુલ.
ઉર્દૂ શાયરીમાં પ્રિયતમાને સિતમગર, કાતિલ જેવા વિશેષ નામથી ઓળખવામાં આવે છે. એક સિતમગરને હું પણ
ઓળખું છું. તેની યુવાની બરાબર તમારા જેવી જ છે!
* જવાની ભી અજબ શૈ હૈ કે જબ તક હૈ નશા ઉનકા,
મઝા હૈ સાદે પાની મેં શરાબે-અર્ગવાની કા.
આ યુવાની પણ કેવી અજબ-ગજબની વસ્તુ છે. જ્યાં સુધી જવાનીનો નશો દિમાગમાં હોય ત્યાં સુધી પાણીમાં પણ લાલ રંગના શરાબ જેવી મજા પડે છે, આનંદ મળે છે.
* જીતે જી તો લાખ ઝઘડે થે બતાને કે લિયે,
યે કિસીને ભી ન સમઝાયા કે મરકર ક્યા હુવા?
જીવતા જીવે તો કહેવા માટે કંઈ કેટલા ઝઘડા હતા, પરંતુ મૃત્યુ પછી એવું તે શું બન્યું કે ઝઘડા પૂરા થઈ ગયા? આ વિશે તો મને કોઈએ કશું બતાવ્યું જ નહીં!
* ઐ શમ્આ! હમ સે સોઝે-મોહબ્બત કે ઝબ્ત સીખ,
કમબખ્ત એક રાત મેં સારી પિઘલ ગઈ!
અરે એ શમા! તું અમારી પાસેથી પ્રેમના જલનને સહન કરવાની રીત શીખી લે. અરે, તારું કમભાગ્ય છે કે તું તો એક જ રાતમાં આખી પીગળી ગઈ!
* તુમ કહાં, વસ્લ કહાં, વસ્લ કી ઉમ્મીદ કહાં?
દિલ કે બહલાને કો ઇક બાત બના રક્ખી હૈ.
તમે ક્યાં મુલાકાત ક્યાં? વળી
તમારી સાથે મુલાકાતની આશા પણ કેવી? આ તો દિલને બહેલાવવા માટે જાણે કોઈ કાલ્પનિક વાત ઉપજાવી કાઢી હોય તેવું લાગે છે.
* જબ ગહા મેહશર મેં ‘સચ્ચા ચાહનેવાલા કોન હૈ?’
ઉફ રે શોખી મુઝ કો ઉંગલી સે બતાકર રહ ગયા.
કયામતમાં એક પ્રશ્ર્ન પુછાયો કે ‘ખરો ચાહવાવાળો કોણ છે?’ તો પેલી નટખટ આંગળીએ મારા તરફ ઈશારો કર્યો! હાય રે મારા નસીબ!
* કિસ તરહ જવાની મેં ચલૂં, રાહ પર નાસેહ!
યહ ઉમ્ર હી ઐસી હૈ, સુઝાઈ નહીં દેતા.
અરે ઓ ઉપદેશક! આ યુવાનીના દિવસોમાં તારી મરજી પ્રમાણે સાચા રસ્તે હું કેમ ચાલી શકું આ મારી ઉંમર જ એવી છે કે મને કશુું સૂઝતું નથી. આવી સ્થિતિમાં હું શું કરું?
* કિસ અદા સે પૂછતે હૈં, મેરી સૂરત દેખ કર;
‘યે તેરા ક્યા હાલ હૈ! દો દિન મેં કૈસા હો ગયા?’
મારો ચહેરો જોઈને એ (સજની) મને એવી છટાથી પૂછે છે:
‘અરે, તેં તારી કેવી હાલત કરી નાખી છે? બે દિવસમાં તું કેમ આવો થઈ
ગયો છે?’
* ખુદા કી શાન ક્યા તકદીર આઈ હૈ બિગડને પર,
હમારી બાત ભી જબ તુમ કો ગાલી હોતી જાતી હૈ.
મારું નસીબ બગડી રહ્યું છે તેમાં ઉપરવાળાની મરજી કામ કરતી હશે. જુઓ તો ખરા! આ કેવી ઘટના ઘટી કહેવાય? અમારી સીધી-સાદી વાત પણ તમને તો ગાળ જેવી લાગે છે.
* દમ ન નિકલા સુબહ તક શામે-અલમ,
હસરતોં ને રાત ભર પેહરા દિયા.
સાંજ દુ:ખદાયક હતી તો સવાર થઈ ત્યાં સુધી પ્રાણનો છુટકારો થયો નહીં. તમન્નાઓએ આખી રાત (કડક) પહેરો રાખ્યો હતો. તો આવું જ પરિણામ આવે ને!
* દરવાજે પે ઉસ બુત કે સૌ બાર હમેં જાના,
અપના તો યહી કા’બા, અપના તો યહી હજ હૈ.
પ્રિયતમાના દ્વાર પર મારે તો એક સો વખત જવાનું થાય છે. મારા માટે તો એ જ કાબા (યાત્રા) પણ એજ છે.
* દો ઈજાઝત તો કલેજે સે લગા લૂં રૂખસાર,
સેંક લૂં ચોટ જિગર કી, ઈન્હીં અંગારો પર.
તમે પરવાનગી આપો તો ગાલને કલેજા સાથે ચાંપી દઉં. જિગરને લાગેલી ચોટને તો એ જ અંગારા પર શેકી દઉં.
* યે હી રફતાર કા અંદાઝા હૈ તો ક્યા ઠિકાના હૈ,
ખુદા જાને કહાં છિપના પડે જાકર કયામત કો.
મારી ગતિ (ધીમી) રહેશે તો કેમ કામ આવશે? કયામતમાં પહોંચ્યા પછી મારે ક્યાં છુપાવું તે તો ખુદા જ જાણતો હશે.
* બડે ચૈન સે કબ્ર મેં સો રહા હૂં,
નયા આસમાં હૈ, નિરાલી ઝમીં હૈ.
હું કબરમાં સુખચૈનથી સૂતો છું. મારા માટે આકાશ નવું છે તેમ ધરા પણ અલગ છે. (મારે બીજું શું જોઈએ?) ઉ