સુપ્રીમ કોર્ટમાં પેગાસસ કેસની સુનાવણી કરવામાં આવી હતી. CJI એન.વી. રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે સુનાવણી કરી હતી. આ મામલામાં જસ્ટિસ આર.વી. રવિન્દ્રનની અધ્યક્ષતાવાળી કમિટીએ રિપોર્ટ ફાઈલ કર્યો છે.
CJIએ કહ્યું કે ત્રણ ભાગમાં રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો છે. કમિટીએ ભલામણ કરી છે કે ટેકનિકલ કમિટીના રીપોર્ટની વિગતો જાહેર ડોમેનમાં પ્રકાશિત કરવી જોઈએ નહીં. કેમકે આ માહિતીનો દુરુપયોગ ગુનેગારો લો એન્ફોર્સમેન્ટ મશીનરીને બાયપાસ કરવા, ઓપરેટિંગ સિસ્ટમ વિશે વધુ જાણવા અને નવા માલવેર બનાવવા કરી શકે છે.
સીજેઆઈએ કહ્યું કે સાયબર સિક્યોરિટી એજન્સીએ આ આરોપોની તપાસ કરવી જોઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 29 માંથી 5 મોબાઈલ ફોનમાં માલવેર જોવા મળ્યું છે, પરંતુ તેનાથી એવું કહી શકાય નહીં કે તે પેગાસસ સ્પાયવેર છે.
CJIએ વધુમાં કહ્યું કે અમે કમિટીના રિપોર્ટને સાર્વજનિક કરીશું. કોર્ટ નક્કી કરશે કે રિપોર્ટના કયા ભાગોને સાર્વજનિક કરવા જોઈએ. આ રીપોર્ટ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. કમિટીને મોબાઈલ ફોનમાં પેગાસસના પુરાવા મળ્યા નથી અને કમિટીએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સહકાર નથી આપી રહી. અમે રિપોર્ટ જોયા વિના વધુ ટિપ્પણી કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટ આ મામલે ચાર અઠવાડિયા પછી સુનાવણી કરશે.

Google search engine