મુસાફરી દરમિયાન પ્રવાસી પર પેશાબની કરવાની ઘટના અટકતી નથી. હવે આવો જ એક કિસ્સો ટ્રેનમાં બન્યો છે.
અમૃતસરથી કોલકાતા જતી અકાલ તખ્ત એક્સપ્રેસમાં રવિવારે રાત્રે આવી જ એક શરમજનક ઘટના બની હતી. આ ટ્રેનમાં હાજર ટીટીએ મહિલાના માથા પર પેશાબ કર્યો હતો. જ્યારે મહિલાએ બૂમાબૂમ કરી મૂકી ત્યારે તેના પતિએ ટીટીને પકડી લીધો હતો અને સોમવારે સવારે ચારબાગમાં જીઆરપીને સોંપી દીધો હતો. આ પછી જીઆરપીએ આરોપી ટીટીને જેલમાં મોકલી દીધો હતો. આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે જ્યારે ટીટીએ આ કૃત્ય કર્યું ત્યારે તે નશામાં હતો. ટ્રેન સિવાય ફ્લાઈટમાં પણ લોકો દ્વારા આવા શરમજનક કૃત્ય કરવાની ઘટના અગાઉ બની છે.
ચારબાગના ઇન્સ્પેક્ટર જીઆરપી નવરત્ન ગૌતમે આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે અમૃતસર નિવાસી રાજેશ તેની પત્ની સાથે અકાલ તખ્ત એક્સપ્રેસના A-1 કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. રાત્રે 12 વાગ્યાના સુમારે તેની પત્ની તેની સીટ પર સૂતી હતી ત્યારે બિહારના ટીટી મુન્ના કુમારે તેના માથા પર પેશાબ કર્યો હતો. જ્યારે પત્નીએ બુમાબુમ કરી મૂકી ત્યારે લોકો ભેગા થઇ ગયા હતા અને ટીટીને પકડી લીધો હતો. ટોળાએ ટીટીને માર માર્યો હતો. લોકોએ કહ્યું હતું કે તે સમયે ટીટી નશામાં હતો. નવરત્ન ગૌતમે જણાવ્યું છે કે, પીડિત મહિલાના પતિ રાજેશની ફરીયાદ પર રિપોર્ટ દાખલ કર્યા બાદ મુન્નાને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
છેલ્લા 1-2 મહિનામાં આવી ઘટનાઓ માત્ર ટ્રેનમાં જ નહીં પરંતુ ફ્લાઈટમાં પણ બની છે. હાલમાં જ ન્યૂયોર્કથી દિલ્હી જતી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં એક નશામાં ધૂત વ્યક્તિએ તેની બાજુમાં બેઠેલા મુસાફર પર પેશાબ કર્યો હતો. આ પછી પેસેન્જરને આઈજીઆઈ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ જ વર્ષે ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ આવી જ ઘટના બની હતી. જાન્યુઆરીમાં બનેલી આ ઘટનામાં અમેરિકામાં કામ કરતા ભારતીય મૂળના શંકર મિશ્રાએ એક પ્રૌઢ મહિલા પર પેશાબ કર્યો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર એર ઈન્ડિયાના વિમાનમાં 4 મહિના સુધી મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.