BCCI હાઇબ્રિડ મોડલ પર સંમત!
ક્રિકેટ એશિયા કપ આ વર્ષે રમાવાનો છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેની હોસ્ટિંગને લઈને હોબાળો ચાલી રહ્યો છે. પાકિસ્તાનને એશિયા કપની યજમાની મળી છે, પરંતુ ગયા વર્ષે BCCIના સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનની મુલાકાત લેશે નહીં અને માત્ર તટસ્થ સ્થળ પર જ પાકિસ્તાન સાથે રમશે. તેમના નિવેદન બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો હતો.
પાકિસ્તાનને પણ હોસ્ટિંગ રાઇટ્સ ગુમાવવાની ચિંતા હતી, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે એશિયા કપ પાકિસ્તાનમાં રમાશે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર BCCI પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાઇબ્રિડ મોડલ માટે સંમત છે અને જય શાહે પણ પાકિસ્તાન બોર્ડને મેઇલ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. પાકિસ્તાને એશિયા કપની યજમાની બચાવવા માટે હાઇબ્રિડ મોડલ આગળ ધપાવ્યું હતું.
હાઇબ્રિડ મોડલ મુજબ ટુર્નામેન્ટની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે અને બાકીની મેચો તટસ્થ સ્થળોએ રમાશે. આધારભૂત સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, પાકિસ્તાનની બહાર મેચ ક્યાં રમાશે તે અંગે હજુ કોઈ જગ્યા નક્કી કરવામાં આવી નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સંકેત આપ્યા હતા કે ટૂર્નામેન્ટનો પ્રથમ તબક્કો લાહોરમાં રમાશે. જ્યારે બાકીની ટુર્નામેન્ટ દુબઈમાં રમાઈ શકે છે.
આ સ્થિતિમાં ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપનો મામલો ઉકેલાઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે. હકીકતમાં, BCCIના ઇનકાર પછી પાકિસ્તાને પણ આ વર્ષે ભારતમાં રમાનાર વર્લ્ડ કપમાંથી ખસી જવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાન બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ કહ્યું હતું કે જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાન માટે વર્લ્ડ કપ માટે ભારત જવું મુશ્કેલ છે.