Homeદેશ વિદેશમોરબી દુર્ઘટનામાં ₹ ૧૦ લાખનું વળતર આપો: કોર્ટ

મોરબી દુર્ઘટનામાં ₹ ૧૦ લાખનું વળતર આપો: કોર્ટ

સરકારનો ઉધડો લીધો: મૃતકોના પરિવારને અપાયેલી રકમ નજીવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મોરબીના ઝૂલતા પુલની હોનારત મામલે ગુજરાતની ભાજપ સરકારને ગુજરાત હાઈ ર્કોર્ટે ફરી ઝાટકી હતી અને આ દુર્ઘટનામાં મરનારા લોકોના પરિવારને રૂપિયા દસ લાખનું વળતર ચૂકવવા સરકારને આદેશ આપ્યો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે મોરબીની હોનારતમાં મૃત્યુ પામેલાના સ્વજનોને સરકાર તરફથી આપવામાં આવેલું વળતર અપૂરતું છે. ગુરુવારે સુનાવણી સમયે હાઈ કોર્ટે સખત શબ્દોમાં સરકારને ઝાટકતા કહ્યું હતું કે મોરબીની હોનારતમાં જીવ ગુમાવેલાને આપવામાં આવેલી વળતરની રકમ નગણ્ય અથવા નજીવી કહી શકાય. વળતર વ્યાવહારિક રીતે આપવું જોઈએ અને અત્યારે સરકારની પ્રાથમિકતા યોગ્ય વળતર આપવાની છે. રાજ્ય સરકારે કમ સે કમ રૂ. દસ લાખનું વળતર આપવું જોઈએ. કોર્ટે સરકારને વિગતવાર સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો છે. આ સાથે હોનારતનો ભોગ બનેલાના નામની યાદી સાથે તેમની જ્ઞાતિ પણ લખવામાં આવી હતી. કોર્ટે તેની સામે પણ વિરોધ નોંધાવ્યો હતો. મૃતકો સાથે ઈજાગ્રસ્તોને આપવામાં આવેલા વળતર અંગે પણ હાઈ કોર્ટે ટીકા કરી હતી.
૩૦મી ઑક્ટોબરે મોરબી બ્રિજ હોનારત થઈ હતી અને તેમાં ૧૩૫ જણે જીવ ગુમાવ્યા હતા, જેમાં ૫૩ બાળક-કિશોરોનો પણ સમાવેશ થાય છે. ઘટનાના દિવસે જ ભૂપેન્દ્ર પટેલ સરકારે મૃતકોને રૂ. ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦નું વળતર જાહેર કર્યું હતું. આ સાથે કેન્દ્ર સરકારે મૃતકના સ્વજનને રૂ. બે લાખ અને ઈજાગ્રસ્તને રૂ. ૫૦,૦૦૦નું વળતર આપ્યું હતું.
રાજ્ય સરકારે તે સમયે વળતર જાહેર કર્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે જે બાળકો અનાથ થઈ ગયા છે તેમને મહિને રૂ.૩,૦૦૦નું વળતર ઘણું ઓછું છે. રૂ.૩,૦૦૦માં તેમના યુનિફોર્મ અને પુસ્તકોનો ખર્ચ પણ ન નીકળે. આ સાથે મૃતકોને આપવામાં આવેલું વળતર પણ પૂરતું નથી.
મોરબીની હોનારત બાદ ગુજરાત હાઈ કોર્ટે સાતમી નવેમ્બરે સુઓમોટો પિટિશન દાખલ કરી કેસની સુનાવણી કરી હતી. સમગ્ર ઘટનામાં ઝૂલતા પુલના સમારકામ અને સંચાલનનો કોન્ટ્રાક્ટ જેમને આપવામાં આવ્યો તે ઓરેવા કંપની તેમ જ મોરબી મહાનગરપાલિકાની બેદરકારી નજરમાં આવતા કોર્ટે સંબંધિત એજન્સીઓ અને ગુજરાત સરકારની ટીકા કરી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન પણ બેદરકારી અને રેઢિયાળપણું સામે આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ કેસને ખૂબ જ ગંભીર કહ્યો હતો અને ગુજરાત હાઈ કોર્ટને સમયાંતરે સુનાવણી કરવા અંગે વિચારવા જણાવ્યું હતું. દરમિયાન બુધવારે મોરબી સેશન્સ કોર્ટે આ કેસમાં ધરપકડ કરાયેલા નવમાંથી આઠની જામીન અરજી નામંજૂર કરી હતી.
મોરબીમાં બનેલી ઘટનાએ સમગ્ર દેશમાં દુ:ખની લાગણી ફેલાવી હતી. આ સાથે વિધાનસભાની ચૂંટણી દરિમયાન પણ ભાજપ સરકારની ટીકા કરવાનો મોકો વિરોધપક્ષને આપ્યો છે. આ ઘટનાના મુખ્ય આરોપી-દોષીઓને ભાજપ સરકાર છાવરે છે, તેવી ટીકા કૉંગ્રેસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular