મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 1,034 કરોડના પત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં સંડોવાયેલા શિવસેના સાંસદ સંજય રાઉત ઈડી સામે ઉપસ્થિત રહ્યા નહોતા. મળી રહેલી માહિતી અનુસાર આ કેસમાં સંજય રાઉત વિરુદ્ધ ગવાહી આપનારી સ્વપના પાટકરને ધમકી આપવામાં આવી રહી છે અને તેના પર નિવેદન પાછું લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. જોકે, પાટકરે આ મામલે વકોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સાથે ધમકી આપવા પાછળ સંજય રાઉત હોઈ શકે એવી શંકા પણ વ્યકત કરી છે.
સૂત્રોએ આ મામલે આપેલી માહિતી અનુસાર સ્વપનાના ઘરે અખબાર આવ્યું હતું, જેમાં એક ચિઠ્ઠી હતી અને તેમાં લખ્યું હતું કે, પત્રાચાલ મામલે ચાલી રહેલી ઈડીની તપાસમાં ગ્વાહી આપવા ન જાય અને કિરીટ સોમૈયાના દબાણ પર આવું કરવાનું કહેવામાં આવ્યું છે.
ઈડીએ રાઉતને આ પ્રકરણે સમન મોકલીને 27 જુલાઈના રોજ હાજર રહેવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમણે સંસદ સત્રનું કારણ આગળ ધરીને તેઓ ઈડી સમક્ષ હાજર રહ્યા નહોતા. પહેલી જુલાઈના રોજ 10 કલાક સુધી ઈડીએ પુછપરછ કરી હતી અને એમએલએની કલમો હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
