પટણા: બિહારના નાલંદામાં એક વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે કેન્દ્ર પર પહોંચ્યો પણ ત્યાં જોવા મળેલા દ્રશ્યને કારણે તે એટલો બધો ગભરાઈ ગયો કે તેને પરસેવો વળી ગયો અને બેભાન થઈ ગયો. બેભાન થયેલાં આ વિદ્યાર્થીને સારવા માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
વાત જાણે એમ છે કે બિહાર શરીફની અલ્લામા ઈકબાલ કોલેજનો વિદ્યાર્થી મનિષ શંકર ઈન્ટરની પરીક્ષા આપવા માટે બ્રિલિયન્ટ હાઈસ્કુલ પહોંચ્યો હતો. સવાર સવારમા પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા મનિષે જોયું આ કેન્દ્ર પર 50-60 નહીં પણ 500 છોકરીઓ પરીક્ષા આપવા પહોંચી હતી. આટલી બધી છોકરીઓ વચ્ચે પોતે એકલો હોવાનું ધ્યાનમાં આવતા જ તેને ગભરામણ થવા લાગી, પરસેવો વળવા લાગ્યો અને આખરે ચક્કર આવીને તે પડી ગયો. અચાનક મનિષ બેભાન થઈ જતાં લોકોમાં પણ ગભરાટની લાગણી ફેલાઈ ગઈ હતી.
પાણી મોઢા પર મારીને મનિષને ભાનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન મનિષના પરિવારનો સંપર્ક સાધીને તેની તબિયત બગડી હોવાની માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતા જ ઘરના લોકો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
પોતે 500 છોકરીઓ વચ્ચે એકલો હોવાના વિચારથી જ મનિષ ગભરાઈ ગયો હતો અને તે બેભાન થઈ ગયો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી મનિષની કાકી પુષ્પલતા સિંહે આપી હતી.
બુલઢાણામાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
દરમિયાન મહારાષ્ટ્રના બુલઢાણામાં બીકોમના પહેલાં વર્ષમાં ભણી રહેલાં વિદ્યાર્થીએ કોલેજના ક્લાસરુમમાં જ પરીક્ષા ચાલી રહી હતી એ સમયે રુમાલથી ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. વીસ વર્ષીય સુરજ ગાવંડેએ ચોક્કસ કયા કારણસર આત્મહત્યા કરી હતી એનું કારણ જાણી શકાયું નહોતું. પરંતુ ચાલુ પરીક્ષામાં આત્મહત્યા કરીને સુરજે શિક્ષણજગતમાં આત્મહત્યા કરીને ખળભળાટ મચાવી દીધો હતો.