ધીરજ ભલે એકલી આવે, પણ કંઈક આપીને જાય છે, જ્યારે ગુસ્સો… સંભવ છે બધું લઈને જાય!

મેટિની

અરવિંદ વેકરિયા

દિગ્દર્શક તરીકે એક સાથે બબ્બે નાટકો ચાલે એવું મેં વિચાર્યું જ નહોતું. ખરેખર, તમે ઈચ્છો અને તમે મેળવી લો એ નસીબ, તમે ઈચ્છો અને રાહ જોવી પડે એનું નામ સમય અને ઈચ્છેલું જો ન પામી શકો અને સમાધાન કરી લો એ જિંદગી. થોડા ડબલ અર્થવાળી ‘કોમેડી’ રાજેન્દ્રએ લખવાનું કહ્યું એ વાત મેં સમાધાન સાથે સ્વીકારી લીધી હતી. મારા મન સાથે મારે ઘણી માથાકૂટ કરવી પડી. નવા આવેલા નિર્માતા સાથેના સંબંધને સાચવવાનો હતો અને રાજેન્દ્રએ કરેલી વાત પર મેં કરેલા ગુસ્સાને કાબૂમાં રાખવાનો હતો. પૂરું નાટક લખાઈ જાય ત્યાં સુધી ધીરજ ધરવાની હતી. ધીરજ ભલે એકલી આવે, પણ કંઈક આપીને જાય છે, જ્યારે ગુસ્સો… સંભવ છે બધું લઈને જાય! એટલે હવે વેઇટ-એન્ડ-વોચ… આમ પણ રાજેન્દ્રની વાત શાંતિથી વિચારતાં સાચી પણ હતી. બાકી એ વખતે તો સ્ક્રિપ્ટમાં લેખકે સાલા પણ જો લખ્યું હોય તો એ શબ્દ પણ હું કાઢી નાખતો. આજે સાલું, લોકોને સહન કરી શકાય એવાં ગલગલિયાં જોઈએ છે એ થોડા અનુભવે સમજાવા લાગ્યું હતું. હું એ વખતથી (૧૯૮૫) સાંભળતો આવ્યો છું કે મુંબઈની હાડમારીભરી જિંદગીમાં લોકો એટલી ‘સ્ટ્રેસ’ અનુભવે છે કે લોકોને મનોરંજન એવું હાસ્યસભર જોઈએ કે તેઓ હસીને હળવા બને. આ વાક્ય આજે પણ (૨૦૨૨) સાંભળું છું. આ માન્યતાએ જ સારાં સારાં સર્જાતાં સામાજિક નાટકોનો ભોગ લઈ લીધો. અમુક છાતીવાળા નિર્માતા હજી છે જેઓ આજે પણ સુંદર અને ખર્ચાળ નાટકો આપે છે, બાકી થોડા નિર્માતાઓ તો ‘કોમેડી’ આપવાની વાત આગળ કરી કમાણીની ગણતરી ગણવા માંડે છે.
બે દિવસ પછી રાજેન્દ્રનો ફોન આવ્યો કે ‘પહેલો અંક તૈયાર થઈ ગયો છે તો આપણે મળી લઈએ. ગલગલિયાં થોડાં થશે, પણ આખો પરિવાર સાથે બેસીને જોઈ શકે એ મર્યાદા મેં લખાણમાં રાખી છે. આપણે વાંચીએ, ન ગમે તો ‘તિરાડ’ તો ચાલે જ છે… લખીને હું મારા કલેક્શનમાં મૂકી રાખીશ. સંભવ છે ભવિષ્યમાં તને વર્તમાન પ્રેક્ષકોની રુચિ સમજાય અને ઈચ્છા થાય ત્યારે કરીશું. એક વાત કહીશ કે મદદ કમાલની ચીજ છે, કરીએ તો લોકો ભૂલી જાય છે અને ન કરીએ તો યાદ રાખે છે. વાંચી લીધા પછી તું નક્કી કરજે…’ એટલું બોલી એણે વાત પૂરી કરી ફોન કટ કર્યો.
એની એ વાતોએ મને એક વાર વિચારતો તો કરી જ મૂક્યો.
બીજે દિવસે અમે મળ્યા. પહેલો અંક એણે વાંચી સંભળાવ્યો. દિલથી કહું છું મને એનું લખાણ ગમ્યું. મેં કહ્યું કે ‘દોસ્ત, સારું લખ્યું છે… પણ… ‘તિરાડ’ તો ચાલે જ છે અને આ પ્રોજેક્ટ શરૂ કરીશું તો લાઈનવાળા તરત કહેશે કે ભાઈ ચગ્યા છે.’ તો રાજેન્દ્ર મને કહે, ‘જો સમાજ એટલે આ લાઈનવાળાની ચિંતા તો તું છોડી જ દે. હું નાનો હતો ત્યારે મારા બાપાએ મને પૈસા આપી વાળ કપાવવા મોકલ્યો. તને ખબર છે કે મારા બાપા કર્મકાંડનું કામ કરતા… સત્યનારાયણની કથા, વાસ્તુપૂજા વગેરે… મેં વાળ કપાવ્યા… ‘ટકો’ કરાવી નાખ્યો. મારો ‘ટકો’ જોઈને મારા બાપા બોલ્યા કે વાહ, તું પણ મારી સાથે કર્મકાંડના કામમાં જોડાવાનો કે શું? મેં કહ્યું કે ના બાપા… થયું એવું કે મેં એને તમે આપેલી ૫૦ રૂપિયાની નોટ આપી, પણ એની પાસે છુટ્ટા નહોતા તો મેં કહ્યું કે બાકીના વાળ પણ કાપી નાખ. સમજ્યો? બે-ત્રણ નિર્માતાઓ હાથમાં રાખવાના. આવી તક આવી હોય ત્યારે છુટ્ટાની રાહ ન જોવાય. એક સરખી બે થિયેટરની તારીખો આવતી હોય તો બંને નાટકો ચાલતાં રહે. આપણે વાળ કપાવવા આવ્યા છીએ હા, મૂંડવા
નથી આવ્યા એ વાત યાદ રાખવાની.’ એના આ લાંબા ભાષણમાં મને માત્ર એટલું સમજાયું કે જે કરન્સી ચાલતી હોય એ જ કરન્સી ઉપયોગમાં
લેવાય. કાણાવાળાં ફદિયાં આપો તો છુટ્ટો ઘા જ થાય. મારો અનુભવ કહું તમને. પહેલાં બે પૈસા, પાંચ પૈસા, દસ પૈસા પછી વીસ પૈસા ચલણમાં હતા. પૈસાની કિંમત વધતાં આ સિક્કાઓ ધીમે ધીમે બજારમાંથી ઓછા થવા માંડ્યા. પછી ૫૦ પૈસા અને એક રૂપિયાના સિક્કા વધુ ચાલતા. ૨, ૫, ૧૦ અને ૨૦ પૈસાના સિક્કાઓ સરકારે બંધ નહોતા કર્યા. મારી બાએ મંદિરમાં ગોલકમાં ધરવા ૧૦ અને ૨૦ પૈસાનું ચિલ્લર ભેગું કરેલું. મને કહે કે આપણે હવે આ ચિલ્લર ઓછું કરીએ. યાદ હોય તો એ વખતે રસ્તા પર પાણીની ટાંકી લઈ બેસતા. ૫૦ પૈસાનો એક ગ્લાસ પાણીનો આપતા, પમ્પથી ખેંચીને. એ પણ ઠંડું. એ સમયે આજની જેમ પાણીની બોટલો અસ્તિત્વમાં નહોતી. મેં આવી ટાંકી પાસે જઈ પાણી પીવા ૨૦, ૨૦ અને ૧૦ પૈસા – કુલ ૫૦ પૈસા આપી પાણી માગ્યું તો મને કહે સાહેબ, યે પૈસા અબ કોઈ લેતા નહિ હે, આપ પાની ઐસે હી પીલો… બોલો! હમણાં આવેલા ૧૦ રૂપિયાના સિક્કા મથુરામાં કોઈ લેતા નથી. ભિખારીઓને આપો તો તેઓ પણ છુટ્ટો ઘા કરી દે છે (મારો તાજો અનુભવ). આ તો સિક્કાઓ હમણાં આવ્યા છે, પણ મથુરાનો આ ‘નકાર’ મને હજી સમજાયો નથી, પણ રાજેન્દ્રની વાત મને થોડી થોડી સમજાઈ ગઈ. ટૂંકમાં ‘જો ચલતા હૈ વો બિકતા હૈ’… લોકો જે માગે એ આપો… પરિવર્તન જગતનો નિયમ છે, હા સંસ્કાર નેવે ન મુકાઈ જાય એનું હું ધ્યાન રાખીશ એવું મેં મનોમન નક્કી કર્યું. લોકોના ગમતા મનોરંજનને રજૂ કરવું એ વાતમાં તથ્ય તો હતું જ!
ઈજ્જત જશે એવો ક્ષણિક વિચાર ઝબકી ગયો, પણ મન મક્કમ કરી લીધું. ઈજ્જત સૌને જોઈએ છે, પણ લોકો પાછી આપવાનું સહેલાઈથી ભૂલી જતા હોય છે. એકાદ અખતરો કરી લઈએ અને જો અજુગતું લાગ્યું તો ફરી જૂના માર્ગે નવી રીતે આગળ વધીશું. લોકોની યાદદાસ્ત આમ પણ ટૂંકી હોય છે… (ક્રમશ:)
***
પ્રશંસા થશે તારી, તું સહેજે હરખાતો નહિ,
ટીકા પણ થશે તારી, તું સહેજે ગભરાતો નહિ,
માણસે માણસે બદલાશે તારું મૂલ્યાંકન,
પરિવર્તન કર્યે જા, જરા પણ કોચવાતો નહિ.
——–
પત્ની: હું તમને ધિક્કારું છું.
પતિ: હાઈલા! કેવો યોગાનુયોગ!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.