શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર યશરાજ પ્રોડક્શનની મેગા એકશન ફિલ્મ ‘પઠાન’ આવતીકાલે બુધવારે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ સાથે સંકળાયેલા વિવાદને ધ્યાનમાં રાખીને અમદવાદ શહેર પોલીસે બુધવાર માટે એલર્ટ જાહેર કર્યું છે. સિટી પોલીસ ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે પઠાન ફિલ્મ દર્શાવતા તમામ મલ્ટિપ્લેક્સ અને સિંગલ-સ્ક્રીન થિયેટરોને સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરેક થિયેટરમાં એક પીએસઆઈ રેન્કના અધિકારી અને ત્રણ હેડ કોન્સ્ટેબલ સાથે કોન્સ્ટેબલ રેન્કના પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સેન્સેટીવ વિસ્તારમાં આવેલા થિયેટરોમાં વધુ સુરક્ષા પ્રદાન કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ મલ્ટિપ્લેક્સ એસોસિએશન અને સિંગલ-સ્ક્રીન સિનેમાના માલિકો સાથે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સંખ્યાબંધ બેઠકો કરી હતી. ત્યારબાદ શહેર પોલીસે ફિલ્મ રિલીઝના દિવસે એલર્ટ જાહેર કર્યું છે. મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોસિએશન ઑફ ગુજરાતના પ્રમુખે જણાવ્યું હતું કે તેઓએ ડીજીપી આશિષ ભાટિયા અને શહેર પોલીસ વડા સંજય શ્રીવાસ્તવ સાથે બેઠક કરી હતી, જેમણે તેમને શહેરના લગભગ 50 મલ્ટિપ્લેક્સ અને રાજ્યના લગભગ 200 મલ્ટિપ્લેક્સમાં સુરક્ષાની ખાતરી આપી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે થિયેટરમાં સુરક્ષા ઉપરાંત તેઓએ સાયબર ક્રાઈમ યુનિટને પણ એલર્ટ કર્યું છે અને સિનેમા હોલ અથવા શહેરના અન્ય સ્થળોએ કોઈપણ હિંસક વિરોધનો અટકાવવા પોલીસ સુત્રોને સક્રિય કરાયા છે.