Homeમેટિનીપઠાણ પ્રોડ્યુસર - પઠાણ ડિરેક્ટરની ‘પઠાન

પઠાણ પ્રોડ્યુસર – પઠાણ ડિરેક્ટરની ‘પઠાન

આજથી ૬૦ વર્ષ પહેલાં પણ શાહરુખ ખાનની ફિલ્મ જેવું જ ટાઇટલ ધરાવતું ચિત્રપટ આવ્યું હતું, પણ બોક્સઓફિસ પર ઊંધા માથે પટકાયું હતું

હેન્રી શાસ્ત્રી

દસે દિશામાં યશરાજ ફિલ્મ્સની સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત અને શાહરૂખ ખાનની પ્રથમ એક્શન ફિલ્મ ‘પઠાન’ની વિજય પતાકા લહેરાઈ રહી છે. ચીનમાં રાતી પાઈની કમાણી કર્યા વિના અને હિન્દી સિવાયની અન્ય સાઉથની ભાષાઓમાંથી પરચૂરણ જેવી કમાણી કરનાર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવી સડસડાટ દોડી રહી છે કે થાકવાનું નામ નથી લેતી. અલબત્ત આવી અદભુત વ્યાવસાયિક સફળતા કંઈ બધી ફિલ્મોના નસીબમાં નથી હોતી. જાણવા જેવી મજેદાર વાત એ છે કે આજથી ૬૦ વર્ષ પહેલા – ૧૯૬૨માં – ‘પઠાન’ ટાઈટલ ધરાવતી ફિલ્મ રિલીઝ થઈ હતી. જોકે, એ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ હતી અને સરિયામ નિષ્ફળતાને વરી ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી. વાર્તા, ગીત – સંગીત કે દિગ્દર્શનમાં કોઈ ભલીવાર નહોતી આ ફિલ્મમાં, પણ શાહરુખની એ જ નામ ધરાવતી ફિલ્મની ભવ્ય સફળતાને પગલે છ દાયકા પહેલાની ફિલ્મની સ્મૃતિ તાજી થઈ.
ફિલ્મ ‘પઠાન’ (૧૯૬૨)ના નિર્માતા અને દિગ્દર્શક સુધ્ધાં પઠાણ હતા. અફઘાનિસ્તાન, પાકિસ્તાન તેમજ ભારતના કેટલાક વિસ્તારમાં વસવાટ કરતી પઠાણ જાતિ ઇસ્લામના ઉદય પહેલાથી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે. ૬૦ વર્ષ પહેલાની જે ‘પઠાન’ની વાત કરી રહ્યા છીએ એની નિર્માત્રી હતી મધુબાલા. હા, ‘મુઘલ – એ – આઝમ’ના અનારકલીના અવિસ્મરણીય પાત્ર ને નખશીખ સૌંદર્યથી આજે પણ સિને રસિકોના હૃદયમાં અડિંગો જમાવી બેઠેલી મધુબાલાની જ વાત છે. અભિનેત્રીએ ‘મધુબાલા પ્રાઇવેટ લિમિટેડ’ના બેનર હેઠળ ત્રણ ફિલ્મનું નિર્માણ કર્યું હતું જેમાં ‘પઠાન’ ત્રીજી ફિલ્મ હતી. મૂળ નામ મુમતાઝજહાં બેગમ દેહલવી. પેશાવરના યુસુફ જઈ જનજાતિના પશ્તુન વંશના મુસ્લિમ પરિવારમાં મધુબાલાનો જન્મ થયો હતો. આમ મધુબાલા પઠાણ પરિવારનું સંતાન હતી. દેખીતી વાત છે કે એના પિતાશ્રી અતાઉલ્લા ખાન પણ પઠાણ જ હોય. આ અતાઉલ્લા ખાનએ ‘પઠાન’નું દિગ્દર્શન કર્યું હતું. ફિલ્મના મુખ્ય કલાકાર હતા પ્રેમનાથ, મુમતાઝ, માસ્ટર ભગવાન, ઈફ્તેખાર અને અચલા સચદેવ. ફિલ્મ વિશે આપવામાં આવેલી માહિતીમાં સંગીતકાર તરીકે ચાર નામ છે – બ્રિજ ભૂષણ, જિમી, ફકીર મોહમ્મદ અને બ્રિજ ભૂષણ સાહની. આ એક વિક્રમ હશે. અલબત્ત દીકરી સાથે સેટ પર આંટાફેરા મારવા અને શૂટિંગ દરમિયાન થોડી ગોસિપ કરવા સિવાય શ્રીમાન ખાન પાસે ફિલ્મમેકિંગનો કોઈ અનુભવ નહોતો. એટલે ફિલ્મ ફ્લોપ થઈ એનું કોઈ આશ્ર્ચર્ય નથી થતું. હા, દીકરીના પૈસા ડૂબાડ્યા એનો રંજ ખરો, પણ…
———————
પહેલા પઠાણ હીરાલાલ
જો તમે જૂની ફિલ્મોના શોખીન હશો તો તસવીર જોઈ તમને જૂના એક્ટર હીરાલાલની યાદ આવી ગઈ હશે. ૨૫૦થી વધુ ફિલ્મમાં કામ કરનાર હીરાલાલ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પહેલા વિલન માનવામાં આવે છે અને તેમની અભિનયયાત્રાની શરૂઆત બોલપટ શરૂ થયા એ પહેલા ૧૯૩૦થી થઈ હતી. પહેલી જ ફિલ્મમાં તેમને આપવામાં આવેલા પઠાણના રોલ વિશે એક ઇન્ટરવ્યૂમાં તેમણે કરેલી વાતો તેમના જ શબ્દોમાં જાણીએ: મેં શોખ માટે એક્ટિંગ શરૂ કરી હતી. ૧૯૩૦ – ૧૯૬૦ દરમિયાન ફિલ્મ મેકિંગ સાથે સંકળાયેલા અબ્દુલ રશીદ કારદારએ ‘સફદરજંગ’ (૧૯૩૦) નામની મૂંગી ફિલ્મમાં પઠાણના રોલ માટે મને પૂછ્યું હતું. વાતચીતમાં મને કરવામાં આવેલો પહેલો સવાલ હતો ‘તને ઘોડેસવારી આવડે છે?’ મેં હા પાડી. ‘તને લડાઈ – મારામારી કરવાની ફાવટ છે?’ મેં ફરી હકારમાં ડોકું ધુણાવ્યું. તેમના ચહેરા પરથી હું બંડલ મારી રહ્યો છું એવું એમને લાગ્યું હોવાની મને લાગણી થઈ. જોકે, કેમેરા રોલ અને એક્શનના સાદ પછી મારું પરફોર્મન્સ જોઈ તેમને ખાતરી થઈ ગઈ કે આ છોકરો સાચું બોલે છે અને ઘોડેસવારી તેમજ લડાઈ – મારામારી કરવાની એનામાં આવડત છે. આ બે જરૂરી ‘લાયકાત’ (ઘોડેસવારી અને મારામારી)ના જોરે મૂંગી ફિલ્મોના દોરમાં હું એક્ટર બની ગયો.’ લોકપ્રિય અભિનેતાએ ફિલ્મમાં પઠાણનો રોલ કર્યો હોય એવો કદાચ આ પ્રથમ પ્રસંગ હતો. મજા તો જુઓ કે પહેલી જ ફિલ્મમાં પઠાણની ભૂમિકા કર્યા પછી પહેલી વાર બોલપટમાં રોલ મળ્યો સાધુનો ફિલ્મ ‘પવિત્ર ગંગા’ (૧૯૩૨)માં. હા, ‘ઝંઝીર’ના શેરખાન (પ્રાણ) હિન્દી ફિલ્મોના સૌથી લોકપ્રિય પઠાણ હશે.
—————-
પંડિત – પઠાણની જુગલબંધી
જોગીન્દર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખરા અર્થમાં ઓલ – રાઉન્ડર હતા. કેવા અર્થમાં એ દલીલમાં ન પાડીએ, પણ ૧૯૭૦ -૮૦ના દાયકામાં જોગીન્દરનું નામ હિન્દી ફિલ્મોના એક ચોક્કસ વર્ગમાં અત્યંત લોકપ્રિય હતું એ હકીકત છે. ફિલ્મોમાં એક્ટિંગ ઉપરાંત નિર્માણ, દિગ્દર્શન, લેખન અને વિતરણની જવાબદારી પણ નિભાવનાર જોગીન્દર બે
સુપરહિટ ફિલ્મ ‘બિંદિયા ઔર બંદૂક’ તેમજ ‘રંગા ખુશ’ બનાવી એ સમયે અફાટ લોકપ્રિયતા મેળવવામાં સફળ રહ્યા હતા. તેમણે ‘પંડિત ઔર પઠાન’ (૧૯૭૭) નામની ફિલ્મ
બનાવી હતી.
આ ફિલ્મમાં એ સમયના નામી હીરો – હિરોઈનની હાજરી નહોતી. મહેમૂદ, આગા, મુકરી અને ટુનટુન એમ ચાર હાસ્ય કલાકાર હતા. આ ઉપરાંત હેલન એક મહત્ત્વના રોલમાં હતાં અને જયશ્રી ટી., કિરણકુમાર તેમજ નાઝનીનની પણ હાજરી હતી. એક્શન – ક્રાઇમનું લેબલ ધરાવતી આ ફિલ્મમાં પંડિત (મેહમૂદ) અને પઠાણ (જોગીન્દર)ની દોસ્તી કેન્દ્રસ્થાને છે અને વાર્તા એમની ફરતે આકાર લે છે. ફિલ્મમાં અભિનય ઉપરાંત એના નિર્માણ, દિગ્દર્શન અને લેખનની જવાબદારી પણ જોગીન્દરે જ નિભાવી હતી. ફિલ્મની સફળતા – નિષ્ફળતા અંગે ખાતરીલાયક માહિતી ઉપલબ્ધ નથી.
———————
લાલે કી જાન: પઠાણનો યાદગાર ડાયલોગ

પઠાણ કલાકારની વાત નીકળે છ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા કદાવર બાંધો ધરાવતા અને ગોરી ત્વચા ધરાવતા અભિનેતા જયંત (મૂળ નામ ઝકરિયા ખાન)નો ચહેરો નજર સામે તરવરી આવે. ફિલ્મોમાં વિલન અને ચરિત્ર અભિનેતાના અનેક રોલ કરનાર આ સશક્ત અભિનેતાની ઓળખાણ આજની તારીખમાં ‘શોલે’ના ગબ્બર સિંહ અમજદ ખાનના પિતાશ્રી તરીકે આપવી પડે એ કમનસીબી કહેવાય. ‘લાલા કી જાન’ જેવો સંવાદ પઠાણના મોઢે અનેક ફિલ્મોમાં બોલાયો છે. પઠાણ કદાવર બાંધો ધરાવતા સાથે જોઈને ગમી જાય એવો દેખાવ સામાન્યપણે ધરાવતા હોય. ૧૯૩૦માં અનાયાસે એક્ટર બની ગયેલા ગુલ હમીદની ઓળખ હિન્દી ફિલ્મોના પ્રથમ હેન્ડસમ પઠાણ તરીકેની છે. બ્રિટિશ પોલીસ ફોર્સ સાથે સંકળાયેલા અબ્દુલ હમીદ કારદારને કારણે ફિલ્મોમાં કઈ રીતે આવ્યા એનો કિસ્સો મજેદાર છે. ગુલ હમીદના પરિવાર સાથે નાતો ધરાવતી વ્યક્તિએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પેશાવરમાં બ્રિટિશ પોલીસ માટે કામ કરતા અબ્દુલ હમીદજીને જાહેર સભામાં ગાંધીજીના પ્રવચન વખતે વ્યવસ્થા જાળવવા મોકલવામાં આવ્યા હતા. દેખરેખ કરતી વખતે હમીદનું ધ્યાન અચાનક નજીકમાં ચાલી રહેલા ફિલ્મના શૂટિંગ પર પડ્યું. એ. આર. કારદાર દિગ્દર્શિત ફિલ્મમાં વિલન ઘોડા પર હિરોઈનને ઉપાડી જાય છે એ સીન શૂટ કરવાનો હતો. એક નિ:સહાય મહિલાની થઈ રહેલી ‘હેરાનગતિ’ સહન ન થતા ફિલ્મના શૂટિંગ વિશે કંઈ જ ન જાણતા ગુલ હમીદએ તો ઘોડો દોડાવી મૂક્યો અને વિલનને પછાડી મહિલાને ‘ઉગારી’ લીધી. આ જોઈને સ્તબ્ધ થઈ ગયેલા કારદાર ગુલ હમીદના ચહેરાને એમના શારીરિક બાંધાને જોતા જ રહી ગયા અને વાતચીત કરી ફિલ્મોમાં કામ કરવા એમને સમજાવી લીધા. આ રીતે મૂંગી ફિલ્મ ‘સરફરોશ’ (૧૯૩૦)થી ગુલ હમીદનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ થયો. ત્યારબાદ પહેલી પંજાબી ફિલ્મ ‘હીર રાંઝા’માં પણ તેમણે કામ કર્યું. ‘યહૂદી કી લડકી’માં હતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે બહુમાન મેળવનાર પ્રથમ ભારતીય બોલપટ ‘સીતા’માં તેમણે કામ કર્યું હતું.
ફિલ્મોના ઊંડા અભ્યાસુઓના અભિપ્રાય મુજબ ગુલ હમીદ ભારતીય સિનેમામાં નજરે પડેલા પૌરુષત્વથી છલકાતા પ્રથમ પઠાણ હતા. એમનો શારીરિક બાંધો બધી રીતે પરફેક્ટ હતો અને એમની સરખામણી. હોલિવૂડની વેસ્ટર્ન ફિલ્મોના કદાવર અભિનેતા જ્હોન વેઇન સાથે પણ કરવામાં આવતી હતી. કલકત્તાના એ સમયના જાણીતા ફિલ્મમેકર દેવકી બોઝએ એમનો રૂડો રૂપાળો દેખાવ જોઈ ગુલ હમીદને એક ફિલ્મમાં ભગવાનની ભૂમિકા પણ આપી હતી. કમનસીબે આ અભિનેતા માત્ર ૩૧ વર્ષની ઉંમરે અવસાન પામતા વધુ ફિલ્મોમાં કામ કરવાથી વંચિત રહી ગયા. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular