અમરનાથ યાત્રામાં પાટણના યુવકનું મૃત્યુ

દેશ વિદેશ

અમરનાથ બર્ફાની બાબાના દર્શને જઇ રહેલા પાટણના ગુજરાતી યુવક હાર્દિકનું ઑક્સિજન લેવલ ઘટી જતા મૃત્યુ થયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. મૃત્યુ સમયે હાર્દિક અમરનાથની રામી ગુફાથી માત્ર દસેક કિમીના અંતરે જ હતો. દર્શન કરવા માટે તે ઘોડા પર જઇ રહ્યો હતો તે સમયે રસ્તામાં ઑક્સિજન લેવલ ઘટી જતા તેને શ્વાસની તકલીફ થઇ હતી અને તે ઘોડા પર જ ઢળી પડ્યો હતો. યુવકના પાર્થિવ દેહને શ્રીનગરથી અમદાવાદ પ્લેન દ્વારા લાવવામાં આવ્યો હતો અને તેના વતનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. એ સમયે આખું ગામ હિબકે ચઢ્યું હતું.
જાણવા મળ્યા મુજબ હાર્દિક તેના ચાર મિત્ર સાથે અમરનાથના દર્શને ગયો હતો. ગુફા સુધી પહોંચવા માટે તેણે ઘોડા પર જવાનું નક્કી કર્યું. ગુફાથી કેટલાક કિમીની દૂરી પર હાર્દિકને અચાનક શ્વાસની તકલીફ થઇ હતી. અહીંની હવામાં ઑક્સિજન ઓછો થતા તેનો શ્વાસ રૂંધાઇ ગયો હતો અને તે ઘોડા પર જ ઢળી પડ્યો હતો. તેને મદદ કરવા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા, પરંતુ તે પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું હતું.
હાર્દિકના મૃતદેહને સોનમર્ગ લાવવામાં આવ્યો હતો અને અહીની હૉસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પ્રયાસોથી વિમાન માર્ગે તેના પાર્થિવ દેહને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. હાર્દિકના ત્રણ મિત્રોની ટિકિટ અને પ્રવાસની સમગ્ર વ્યવસ્થા ગુજરાત સરકારે કરી આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.