મહારાષ્ટ્રના ગોંદિયામાં ગત મોડી રાત્રે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. ગોંદિયા નજીક પેસેન્જર ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી, જે બાદ ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. આ અકસ્માતમાં 50 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 13 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.

આ અકસ્માત મોડી રાત્રે 2.30 વાગ્યાની આસપાસ થયો હતો. છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના ભગત કી કોઠી જઈ રહેલી પેસેન્જર ટ્રેન નંબર 20843 આજે વહેલી સવારે નાગપુર પાસેના ગુડમા-ગોંદિયા રેલ્વે સેક્શન પર પહેલેથી જ પાર્ક કરેલી માલગાડી સાથે અથડાઈ હતી. જેમાં ટ્રેનનો S3 કોચ પાટા પરથી ઉતરી ગયો હતો.

ટ્રેનમાં જોરદાર આંચકો લાગવાથી ગાઢ નિંદ્રામાં સૂતેલા કેટલાક મુસાફરો નીચે પડી ગયા હતા. જેમાં 13 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ તમામની સારવાર નાગપુરમાં કરવામાં આવી હતી.

લોકો પાયલોટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. તેણે સમયસર બ્રેક લગાવી હતી અને ટ્રેનની સ્પીડને કંટ્રોલ કરી હતી. નાગપુરથી એક ડબ્બો બદલ્યા બાદ આ ટ્રેનને ભગત કી કોઠી રવાના કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ પેસેન્જર ટ્રેન ભગત કી કોઠીને ખોટું સિગ્નલ મળવાને કારણે આ અકસ્માત થયો હતો. રાહતની વાત એ છે કે કોઈ જાનહાની થઇ નથી.

Google search engine