જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

પ્રેમ, ક્ષમા અને પવિત્રતાનું પર્વ એટલે પર્યુષણ પર્વ. આ પર્યુષણ પર્વમાં સૌએ બની શકે એટલી ધર્મ આરાધના કરીને મનને નિર્મળ બનાવી, ભીતરની ચેતના જ્યોતને પ્રગટાવવાની છે અને અંત:કરણમાં ડોકિયું કરવાનું છે અને કર્મના બંધનોને ક્ષીણ કરવાના છે. આરાધકો માટે આ મહામંગળ પ્રસંગ છે.
જૈન ધર્મ ક્ષમા, સમભાવ અને સહિષ્ણુતાના પાયા પર અડીખમ રીતે ઊભો છે. આ સત્વને ટકાવી રાખવા પ્રયાસો કરીએ અને ધર્મના સિદ્ધાંતોને આચરણમાં મૂકીએ તો ધર્મને પામી શકાય છે. આપણું જીવન મોહ, માયા લોભ, ક્રોધ, રાગ દ્વેષ, તૃષ્ણા અને લાલસાથી ભરેલું છે. આ બધા કસાયો આપણને અંધકાર તરફ ધકેલી રહ્યા છે. મનને નિર્મળ અને શુદ્ધ બનાવીને તેની પર વિજય મેળવવાનો છે.
અહિંસા જૈન ધર્મનો પાયો છે. આ પાયા પર ધર્મ ટકી રહ્યો છે. સૂક્ષ્મ સ્વરૂપે અહીં અહિંસાનો ખ્યાલ કરવામાં આવ્યો છે. પોતાના થકી મન વચન અને કાયાએ કરી કોઈને દુ:ખ ન પહોંચે એવા પ્રયાસો કરવાના છે. એટલું જ નહીં પણ પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, કરુણા અને દયા રાખવાની છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે જૈન ધર્મનો મહિમા વ્યક્ત કરતા જણાવ્યું છે કે “જૈન ધર્મે દુનિયાને ઉદ્ધગામી અહિંસાના તત્વજ્ઞાનની ભેટ આપી છે. બીજા કોઈ ધર્મે અહિંસાને જૈન ધર્મ જેટલું મહત્ત્વ આચાર કે વિચારમાં આપ્યું નથી. જૈન ધર્મ તેના અહિંસાના તત્વજ્ઞાનને કારણે
વિશ્ર્વ ધર્મ બનવાને યોગ્ય છે. “જૈન ધર્મમાં અહિંસાને એટલું મહત્ત્વ અપાયું છે કે તેના વગર ધર્મનો વિચાર કરી શકાય નહીં. સૂક્ષ્મ અહિંસાનો આ ખ્યાલ પ્રેમમાંથી પ્રગટ થયેલો છે. જ્યાં પ્રેમ હોય ત્યાં કોઈને દુ:ખ આપવાની વાત સંભવી શકે નહીં. મહાત્મા ગાંધીએ જણાવ્યું છે કે “હું એ ખાત્રીપૂર્વક કહી શકું છું કે અહિંસાના સિદ્ધાંતને કારણે ભગવાન મહાવીરનું નામ ભવ્યતાને પામ્યું છે. જો કોઈએ સંપૂર્ણ અહિંસા પાળી હોય અને પ્રસારી હોય તો તે ભગવાન મહાવીર જ છે.
જૈન ધર્મના ઉદ્ધાત સિદ્ધાંતો છે અને તેમાં નિરૂપાયેલી ભાવના અજોડ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર તેના સ્થંભો છે. અહિંસા તેનો પ્રાણ છે અને ક્ષમા તેનું હાર્દ છે. આ સિદ્ધાંતોને જેણે જીવનમાં ઉતાર્યા છે અને તેમાં રહેલી યથાર્થતા જેમણે સમજી છે તે સાચો ધર્મનો આરાધક છે. પ્રભુ ભક્તિના રસનું પાન કરવા અને તેમનું સાનિધ્ય પામવા માટે પ્રથમ આ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા જોઈએ.
આ માનવ દેહ ઘણા પુણ્યો પછી મળ્યો છે. આવું દિવ્ય જીવન મળ્યા પછી તેનો સદુપયોગ ન થાય તો જીવન એળે ગયું ગણાય. આપણને મનુષ્ય જન્મ મળ્યો છે પરંતુ મનુષ્યતા નથી. જન્મથી મૃત્યુ સુધીની યાત્રામાં મનુષ્યતા પ્રગટ થવી જોઈએ. જીવન જેટલું સત્ય, સદાચાર અને નીતિથી જીવાય એ ખરા અર્થમાં જીવન છે.
પર્યુષણ પર્વ એ ધર્મની આરાધનાનો મંગળ અવસર છે. પર્યુષણ પર્વ દરમિયાન અંતરને ઢંઢોળવાનું છે. માન અભિમાન અને પૂર્વગ્રહના જાળાઓ ગોઠવાઈ ગયા છે તેને દૂર કરવાના છે. મનની અંદર મેલ હોય, કચરો હોય તો તેની અંદર ધર્મ પ્રવેશી શકે નહીં. શરીર શુદ્ધિ, મન શુદ્ધિ અને આત્મ શુદ્ધિનું આ પર્વ છે. ધર્મમાં તપ અને સંયમનું સવિશેષ મહત્ત્વ છે. તપ અને સંયમ દ્વારા વૃત્તિઓને અંકુશમાં રાખી શકાય છે. પણ આ માટે તપ શું છે તે સમજવું જરૂરી છે. માત્ર ઉપવાસ કરવાથી કે ભૂખ્યા રહેવાથી તપ થઈ જતું નથી. જો આને તપ ગણાતું હોય તો દુનિયામાં એવા અસંખ્ય લોકો છે. જેમને ભોજન મળતું નથી અને ભૂખ્યા રહેવું પડે છે. તેઓ પણ તપસ્વી ગણાય. તપમાં સ્વેચ્છાએ ભોજન ત્યાગ ઉપરાંત વૃતિઓને અંકુશમાં રાખીને ધર્મ આરાધના કરવાની છે. આમાં દેખાવ નહીં પણ અંતરની ભાવના હોવી જોઈએ. ઉપવાસ કર્યા પછી કે તપ કર્યા પછી શું ઉપલબ્ધ થયું તેનું નિરીક્ષણ કરવાનું છે. તપ અને સાધના કર્યા પછી આપણામાં કશું પરિવર્તન ન આવે તો સમજવું કે એમાં કંઈક કચાશ રહી છે.
પ્રભુ ભક્તિ એ સાધના છે. સાધનામાં માણસે લીન અને એકાગ્ર બનવું પડે. પ્રભુ પાસે હાથ જોડીને ઊભા રહીએ અને મન ક્યાંય ભટકતું હોય ત્યારે સાચી એકાગ્રતા ઊભી થઈ શકે નહીં. વચન અને કર્મ ઉપરાંત મનનો ભાવ જ આનો માપદંડ છે. મન જો વિષયમાં આસક્ત હોય તો માણસ ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ બોધ થતો નથી. મન જ માણસને ભટકાવે છે. દુ:ખનું મૂળ ઈચ્છાઓ અને વાસનાઓ છે. મન સ્પર્ધા અને સરખામણી કરાવે છે. ગમે તેટલું મળ્યું હોય પણ સંતોષ થતો નથી. બીજાનું સારૂં થતું હોય તો તેની ઈર્ષા થાય અને અસંતોષની આગમાં જીવન જલતું રહે એ મનનું કારણ છે. મન લોભ અને લાલસામાં ડૂબાડે છે અને માનસિક તાણ સર્જે છે. મનને જો અંકુશમાં રાખી શકાય તો જીવનના ઘણા પ્રશ્ર્નો સરળ બની જાય. પર્યુષણ પર્વમાં તપ અને સાધના દ્વારા મન પર વિજય મેળવવાનો છે. જેના વડે ક્ષમા પ્રગટે, જેના વડે વિનય, સરળતા, સંતોષ ઊભો થાય, વૈરાગ્યની ભાવના આવે અને જેના વડે સિદ્ધત્વ પ્રગટે એનું નામ સાધના. આવી સાધના એટલે તપશ્ર્ચર્યા. તપ દ્વારા શરીર અને મનનો મેલ દૂર કરવાનો જેમ શરીરની સફાઈ માટે સ્નાન કરીએ મેલ કાઢીએ તેમ મનની સફાઈ માટે આંતરધ્યાન કરવાનું છે. ધર્મ સાધના દ્વારા દુન્યવી સામગ્રી મેળવવાની ઈચ્છા રાખી શકાય નહીં. ધર્મ કરવાથી શું મળશે તેના કરતાં ધર્મ કરવાથી શું છૂટશે એ વિચારવું જોઈએ. મેળવવા કરતાં છોડવાની, પ્રાપ્તિ કરતા ત્યાગનું મૂલ્ય વધારે છે. જેઓ સત્ય ધર્મ અને નીતિના માર્ગે ચાલે છે તેનું જીવન સુખમય બને છે.
જેના મનમાં કામ છે, જેણે ક્રોધ પર વિજય મેળવ્યો નથી, જે લોભ અને મોહમાં ફસાયેલો છે તે બંધનમાં છે. ક્રોધ વંટોળિયા જેવો છે એનાથી વિનય અને વિવેક રૂપી વૃક્ષોનો વિનાશ થાય છે. ક્રોધ એ થોડીવારનું ગાંડપણ છે. એમાં વાણીનો સંયમ તૂટી જાય છે. અહંકાર અને અભિમાન ન રહે, સ્વભાવ સરળ બને અને ક્ષમાનું તત્વ તેમાં ઉમેરાય તો દુનિયામાં કોઈ દુ:ખ રહેતું નથી.
વિચાર અને વાણીમાં શુદ્ધતા, ખોટું વિચારવું નહીં, ખોટું બોલવું નહીં, ઉત્તેજક પદાર્થો ત્યજવા, કોઈને આપણા થકી હાની પહોંચે નહીં તેનો ખ્યાલ રાખવો એ ધર્મનો બોધ છે. પર્યુષણ પર્વ આત્મનિરીક્ષણ અને સાધનાનું પર્વ છે.
જૈન ધર્મના સિદ્ધાંતો વૈજ્ઞાનિક અને વાસ્તવિક પાયા પર રચાયેલા છે. જે ધર્મના આચારો અને વિચારોને જીવનમાં ઉતારે છે તે તન અને મનથી તંદુરસ્ત અને પ્રફુલિત રહી શકે છે. જૈન ધર્મમાં ત્યાગ અને ક્ષમાની જે ભાવના છે તેનો જોટો મળવો મુશ્કેલ છે. મહાવીરે માનવ જીવન, સ્વભાવ અને પ્રક્રૃતિનુ બારીકાઈથી નિરીક્ષણ કર્યું છે એટલે તેમના વિચારો શાશ્ર્વત બની ગયાં છે. ગમે તેવો સમય આવશે પણ મહાવીર દર્શન એટલું જ જીવન અને ધર્મ માટે યથાર્થ બની રહેશે.
પર્યુષણ પર્વ તપ અને સંયમ દ્વારા આત્મ જાગૃતિનું પર્વ છે. ભક્તિ અને સાધનાનો આ અનેરો અવસર છે.

Google search engine