પુત્રના પ્રાણ બચાવવા પાર્વતીએ જગદંબાનું રૂપ ધારણ કરી મહિષાસુરનો વધ કર્યો

ધર્મતેજ

શિવ રહસ્ય -ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: કુમાર કાર્તિકેય ક્રોધાયમાન અવસ્થામાં ભગવાન શિવને કહે છે કે ‘મેં દેવતાઓની સુરક્ષા માટે અસુરનો વધ કર્યો તો હું યોદ્ધા કહેવાયો, પણ મારી પોતાની સુરક્ષા માટે અસુરનો વધ કર્યો તો હું ક્રૂર બની ગયો…’ ભગવાન શિવને સામો જવાબ મળતાં તેઓ ક્રોધિત થાય છે અને કહે છે, ‘કુમાર, તમારા મનોમસ્તિષ્કમાં એટલો ક્રોધ ભરાયો છે કે તમે યોદ્ધા અને ક્રૂર હત્યારા વચ્ચેનો ભેદ ભૂલી ગયા છો. એક યોદ્ધો ધર્મની રક્ષા અને અધર્મના વિનાશ માટે યુદ્ધ કરતો હોય છે. આક્રોશમાં તમને એ પણ ભાન ન રહ્યું કે મૃત શરીર પર ઘા ન કરી શકાય, આ યુદ્ધના નિયમોની વિરુદ્ધ છે. મને તમારા આવા આચરણની અપેક્ષા નહોતી.’ નારાજ કુમાર કાર્તિકેય કહે છે કે ‘તમને અપેક્ષા નહોતી કોનાથી? શિવપુત્રથી કે સેનાપતિથી? હું એ યુદ્ધના નિયમોની અચ્છાઈ અને બૂરાઈ નથી જાણતો. તમને દુ:ખ થયું હોય તો એટલું કહીશ કે આજથી એક નિયમ હું બનાવીશ કે જ્યાં સુધી તમે આદેશ નહીં આપો ત્યાં સુધી હું શસ્ત્ર ઉઠાવીશ નહીં, પછી મારા પ્રાણ કેમ ચાલ્યા ન જાય.’ આટલું કહી ક્રોધિત કુમાર કાર્તિકેય ત્યાંથી વિદાય લે છે. તો સામે અસુર પક્ષે વજરાંક અસુર ગુરુ શુક્રાચાર્યને પૂછે છે કે હાલ કોણ એવું છે જે તારકાસુરની જગ્યા લઈ શકે? તેના જવાબમાં શુક્રાચાર્ય કહે છે, ‘હાલમાં તો એક જ અસુર છે જેનું નામ છે મહિષાસુર.’ મહિષાસુર ઉપસ્થિત થતાં અસુર પિતામહ વજરાંક આદેશ આપે છે કે ‘મહિષાસુર, તમને વરદાન છે કે કોઈ પુરુષ તમને મારી નહીં શકે, તુરંત જાઓ અને કુમાર કાર્તિકેયનો વધ કરો.’
મહિષાસુર કુમાર કાર્તિકેયને શોધતાં શોધતાં અરુણાચલ પર્વત પાસે પહોંચે છે. ત્યાં નારાજ કુમાર કાર્તિકેયને શોધતાં શોધતાં માતા પાર્વતી પણ અરુણાચલ પર્વત પાસે પહોંચે છે. માતા પાર્વતીને જોઈ મહિષાસુર વિચારે છે કે આ સુંદર સ્ત્રી જરૂર પાર્વતી હોવી જોઈએ. શિવ, તમારા જીવનમાંથી પુત્ર અને પત્ની બંનેને દૂર કરી દઈશ. ત્યાં જ અરુણાચલ પર્વત પર બેઠેલા કુમાર કાર્તિકેયને જોઈ માતા પાર્વતી હર્ષ અનુભવે છે અને કહે છે, ‘પુત્ર શાંત થાઓ, જુઓ હું તમારા માટે ખીર લાવી છું.’ માતા પાર્વતીને ખીર આપતાં જોઈ મહિષાસુર કહે છે, ‘આરોગો આરોગો કુમાર, તમારા જીવનની છેલ્લી ખીર આરોગી લો.’ આટલું સાંભળતાં જ કુમાર કાર્તિકેય પૂછે છે, ‘કોણ છો તમે?’ તેના જવાબમાં મહિષાસુર કહે છે કે ‘હું મહિષાસુર છું. મને વરદાન છે કે મારો વધ કોઈ પુરુષ ન કરી શકે અને સ્ત્રીઓમાં એવી શક્તિ અને સાહસ ક્યાં છે જે મારો વધ કરી શકે. જલદી જલદી આ ખીર આરોગી લે, તારા વધ બાદ પાર્વતીને હું મારી પટરાણી બનાવી શકું.’ આટલું સાંભળતાં માતા પાર્વતી ક્રોધિત થાય છે અને ચેતવણી આપે છે, પણ અહંકારી મહિષાસુર ન સમજતાં માતા પાર્વતી માતા અષ્ટભુજાધારી જગદંબાનું રૂપ ધારણ કરે છે. મા જગદંબા અને મહિષાસુર વચ્ચે સળંગ આઠ દિવસ યુદ્ધ થાય છે અને નવમે દિવસે મહિષાસુરને એક વૃષભનું રૂપ લઈ પોતાના પર પ્રહાર કરવા આગળ વધતો જોઈ માતા પાર્વતી સિંહ પર સવારી કરે છે અને મહિષાસુર પર આક્રમણ કરે છે. માતા પાર્વતીના આક્રમણને ખાળી ન શકતાં તે ભૂમિ પર ફસડાઈ પડે છે. માતાનું વાહન સિંહ મહિષાસુરના શરીરને જકડી લે છે. ક્રોધિત માતાનું ત્રિશૂળ તેની છાતીમાં ઘૂસી જાય છે અને મહિષાસુર નિષ્પ્રાણ થઈ જાય છે.
* * *
મહિષાસુર નિષ્પ્રાણ થતાં જ ભગવાન શિવ ત્યાં પધારે છે. જગદંબા તેમને જોતાં જ માતા પાર્વતીનું રૂપ ધારણ કરે છે અને કહે છે-
માતા પાર્વતી: ‘મહિષાસુર દ્વારા કુમારને આપવામાં આવેલા પડકારના કારણે એક માતા તરીકે મહિષાસુરને દંડ આપવો અનિવાર્ય હતો. મને ક્ષમા કરો.’
ભગવાન શિવ: ‘પાર્વતી, તમારે કોઈ ક્ષમા માગવાની જરૂર નથી. તમે આદિશક્તિ છો, તમે સ્ત્રીરૂપનું ગૌરવ છો, તમે સ્ત્રીશક્તિની પરાકાષ્ઠા છો. મહિષાસુરે મેળવેલા વરદાનથી તે પાશવી પ્રવૃત્તિમાં મગ્ન હતો, સૃષ્ટિની દરેક સ્ત્રીને તુચ્છ સમજતો હતો, તેને દંડ આપવો જરૂરી હતો અને તમે જો જગદંબાનું રૂપ ધારણ ન કર્યું હોત તો આ સૃષ્ટિ તમારા આ રૂપથી અજાણ રહેત. તમારા આ પરાક્રમથી સૃષ્ટિનો કોઈ પણ પુરુષ એ વહેમમાં રહેશે નહીં કે સ્ત્રીઓ નિર્બળ હોય છે.’
તે જ સમયે બ્રહ્માજી, માતા સરસ્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા લક્ષ્મી અને દેવર્ષિ નારદ ત્યાં પધારે છે.
શ્રીહરિ વિષ્ણુ: ‘દેવી, તમે જગતજનની છો. મા બનવું અને કહેવડાવવું એ તો સહજ છે, પણ મા તરીકેની જવાબદારી નિભાવવી કઠિન છે. તમે માતા તરીકે જે જવાબદારી નિભાવી છે તે યુગો યુગો સુધી યાદ રખાશે.’
માતા લક્ષ્મી: ‘તમે સિદ્ધ કર્યું છે કે એક માતા પોતાના પુત્રની સુરક્ષા માટે કઈ હદ સુધી જઈ શકે.’
માતા સરસ્વતી: ‘તમારા પુત્રની રક્ષા કરી એ પ્રતીક છે કે તમે જગતજનની જગદંબા સ્વરૂપે સંસારની રક્ષા કરવા તત્પર છો.’
બ્રહ્માજી: ‘શક્તિસ્વરૂપા, મહિષાસુરમર્દિની તમે યુદ્ધમાં તમારી શક્તિનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો છે અને તમે એ પણ દર્શાવી દીધું છે કે કોઈએ પોતાની શક્તિ પર ઘમંડ ન કરવો.’
દેવર્ષિ નારદ: ‘માતા, તમે આદિશક્તિ અને શક્તિસ્વરૂપા છો. સૃષ્ટિના સંતુલન માટે માતા તમે સ્વયં ખૂબ સહન કર્યું છે તો માતા, સૃષ્ટિના માનવોના કલ્યાણ માટે મારી તમને વિનંતી છે કે તમારું મહિષાસુર સાથેનું યુદ્ધ આશ્ર્વિન શુક્લ એકમથી આશ્ર્વિન શુક્લ નોમના દિવસ સુધી ચાલ્યું. આ સમયગાળાને સૃષ્ટિના માનવો નવરાત્રિ તરીકે ઓળખે અને આ નવરાત્રિમાં જે માનવ આદિશક્તિ જગદંબાની આરાધના કરશે તેને મનવાંછિત ફળ મળે અને તેનું કલ્યાણ થશે.’
માતા પાર્વતી: ‘તથાસ્તુ.’
(ત્યારથી આજ પર્યંત માનવો નવરાત્રિ દરમિયાન આદિશક્તિ જગદંબાની આરાધના કરી તેમના આશીર્વાદ મેળવી જીવનને સાર્થક કરે છે.)
* * *
મહિષાસુરનો વધ થતાં સામે અસુર પક્ષે ખળભળાટ મચી જાય છે. અસુરો ભય હેઠળ જીવવા માંડે છે. તેમની અવસ્થા જોઈ અસુર ગુરુ શુક્રાચાર્ય વજરાંક પર ક્રોધિત થાય છે અને કહે છે:
શુક્રાચાર્ય: ‘પિતા વજરાંક, તમને અગણિત ચેતવણી આપ્યા છતાં તમે તમારી હઠ નથી છોડી રહ્યા, હજી પણ સમય બચ્યો છે ભગવાન શિવના શરણે જાઓ, તમારું કલ્યાણ નિશ્ર્ચિત છે.’
વજરાંક: ‘અસંભવ, ગુરુ શુક્રાચાર્ય અસંભવ, જ્યાં સુધી કુમાર કાર્તિકેયનો વધ નહીં કરું ત્યાં સુધી હું નિરાંતે નહીં બેસું.’
ક્રોધિત અસુર ગુરુ શુક્રાચાર્ય ત્યાંથી વિદાય લે છે.
* * *
સામે માનસરોવર ખાતે પહોંચતાં નંદી કુમાર કાર્તિકેયનું સ્વાગત કરે છે.
નંદી: ‘કુમાર કાર્તિકેય, ચાલો આપણે ખેલ ખેલ રમીએ.’
કુમાર કાર્તિકેય: ‘નહીં નંદી મહારાજ, મારી મન:સ્થિતિ બરાબર નથી, મને તમે માફ કરો. મેં તમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું.’
નંદી: ‘નહીં કુમાર, તમને મારા પર એટલો જ અધિકાર છે જેટલો પ્રભુ અને માતાનો છે. તમે એમના અંશ છો.’
કુમાર કાર્તિકેય: ‘નહીં નંદી મહારાજ, તારકાસુરના વધથી હું મારા પિતાથી દૂર થયો હતો અને હવે મહિષાસુરના વધ બાદ હું મારી માતાથી પણ દૂર થઈ જઈશ. મેં આજે મારી માતાનું જે રૂપ જોયું છે તે સૃષ્ટિનું એકમાત્ર સત્ય છે. તેઓ સૃષ્ટિની માતા છે, એ માતાને જમાડવા માટે હું પરેશાન કઈ રીતે કરી શકું. માતા મને જમાડવા આવે તો હું છુપાઈ જતો હતો અને તેમને પરેશાન કરતો હતો. આદિશક્તિને હું કઈ રીતે પરેશાન કરી શકું.’
એ જ સમયે માતા પાર્વતી ભોજન લઈ કુમાર કાર્તિકેયને શોધતાં શોધતાં ત્યાં આવે છે.
માતા પાર્વતી: ‘પુત્ર કાર્તિકેય, જુઓ મેં તમારા માટે શું બનાવ્યું છે.’
કુમાર કાર્તિકેય: ‘માતા, અહીં મૂકી દો, હું આરોગી લઈશ.’
માતા પાર્વતી: ‘નહીં, હું મારા હાથે તમને ખવડાવીશ, જેથી ખબર પડે કે ભોજન કેવું બન્યું છે.’
માતા પાર્વતી હાથ પકડી કુમાર કાર્તિકેયને બેસાડે છે અને જમાડે છે, પણ ભોજન દરમિયાન કુમાર કાર્તિકેયની નટખટતા ન દેખાતાં માતા પાર્વતી દુ:ખી થાય છે અને કહે છે, ‘કુમાર, તમે આટલા ભયભીત કેમ છો? કોઈ ભય, કોઈ શંકા છે? જ્યારથી તમે દેવોના સેનાપતિ થયા છો ત્યારથી તમારી નટખટતા દેખાતી નથી. મને પુત્ર તરીકે મારો કુમાર જોઈએ છે, મારો નટખટ કુમાર જેને હું જમાડવા જાઉં તો દોડાવી દોડાવીને થકવી દે. મને મારો કાર્તિકેય પાછો જોઈએ છે.’
આટલું સાંભળતાં કુમાર કાર્તિકેયની આંખમાંથી ચોધાર આંસુ નીકળી પડે છે અને તેઓ માતાને ભેટી પડે છે.
(ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.