(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈનમાં અમુક સમારકામ કરવામાં આવવાના હોવાથી શુક્રવારે થાણેના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.
થાણે પાલિકાના જણાવ્યા મુજબ સ્ટેમ પ્રાધિકરણની પાણીની પાઈપલાઈનના સમારકામ અને થાણે પાલિકાની સાકેત પુલ પર આવેલી પાણીની પાઈપલાઈનનું શુક્રવારે સમારકામ કરવામાં આવવાનું છે. તેથી ૨૬મે, શુક્રવારે સવારના ૯ વાગ્યાથી શનિવાર સવારના ૨૭ મે, સવારના ૯ વાગ્યા સુધી થાણે શહેરનો પાણીપુરવઠો બંધ રહેશે.
સ્ટેમ ઓથોરિટીની પાણીની પાઈપલાઈનની દેખરેખ, સમારકામના કામ શુક્રવારથી શનિવાર સુધીના ૨૪ કલાક દરમિયાન કરવામાં આવશે. તેથી આ કામ માટે ૨૪ કલાકનો શટ ડાઉન લેવામાં આવ્યો છે.
આ સમય દરમિયાન ઘોડબંદર રોડ, લોકમાન્ય નગર, વર્તક નગર, સાકેત, ઋતુ પાર્ક, કારાગૃહ પરિસર, ગાંધી નગર, રુસ્તમજી, ઈંદિરા નગર, રૂપાદેવી, શ્રીનગર, સમતા નગર, સિદ્ધેશ્ર્વર, ઈટરનિટી, જોન્સન, મુંબ્રા અને કલવા વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. તો કોપરીમાં થાણે મહાપાલિકાના ધોબીઘાટ જળકુંભની ૫૦૦ મિલીમીટર વ્યાસની મુખ્ય પાઈપલાઈન વિકાસ કામમાં અડચણરૂપ બની રહી હોવાથી તેનું સ્થળાંતર કરવાનું કામ ચાલુ છે. આ કામ માટે ક્રોસ કનેક્શન લેવામાં આવવાનું હોવાથી ગુરુવાર, ૨૫ મેના સવારના ૯ વાગ્યાથી શુક્રવાર ૨૬ મે, સવારના ૯ વાગ્યા સુધી ૨૪ કલાક માટે કોપરી પરિસરના ધોબીઘાટ અને કનૈયાનગરથી થનારો પાણીપુરવઠો બંધ રહેશે. તેમ જ નાગરિકોને ઓછા દબાણ સાથે પાણીપુરવઠો પણ થશે.