દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગઈકાલે બુધવારે 1લી ફેબ્રુઆરીના રોજ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું હતું. આજે સંસદના બંને ગૃહોમાં બજેટ પર ચર્ચા થવાની છે. પરંતુ વિપક્ષી દળોએ ચર્ચા દરમિયાન અદાણી ગ્રુપ પરના હિંડનબર્ગના રિપોર્ટ મામલે હોબાળો મચાવ્યો છે. બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
સંસદ ભવન સ્થિત કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં સવારે કોંગ્રેસ રણનીતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સમાન વિચારધારા ધરાવતા અન્ય વિપક્ષી દળોના નેતાઓને મળ્યા હતા. આ બેઠકમાં સપાના રામ ગોપાલ યાદવ, ટીએમસીના ડેરેક ઓ બ્રાયન અને અન્ય વરિષ્ઠ નેતાઓ, ડીએમકે સાંસદ એમકે કનિમોઝી, શિવસેનાના સાંસદ સંજય રાઉત અન્ય નેતાઓ સાથે હાજર હતા.
AAP સાંસદ સંજય સિંહે, CPI(M) એ ડૉ. વી શિવદાસને, કોંગ્રેસના સાંસદ મનિકમ ટાગોરે અને અન્ય સાંસદોએ સંસદના શૂન્યકાળ દરમિયાન અદાણી ગ્રુપ પર નાણાકીય અનિયમિતતા અને છેતરપિંડીના આરોપોનો મુદ્દો ઉઠાવવા માટે નિયમ 267 હેઠળ રાજ્યસભામાં સ્થગન પ્રસ્તાવ મુક્યો હતો. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ચીન સાથેની સરહદની સ્થિતિ પર ચર્ચા કરવા લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી છે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ હિંડનબર્ગ રિપોર્ટ અને અદાણી સ્ટોક ક્રેશનો મુદ્દો સંસદના બંને ગૃહોમાં ઉઠાવશે.
રાજ્યસભામાં વિપક્ષના તમામ સાંસદોએ અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા માટે નોટિસ આપી હતી, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષે નોટિસ નિયમો અનુસાર ન હોવાનું જણાવીને નોટિસ ફગાવી દીધી હતી. જેના પર સંસદના બંને ગૃહોમાં હોબાળો શરૂ થયો હતો. તેથી બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
સંસદનું બજેટ સત્ર: અદાણી મામલે વિપક્ષનો હોબાળો, બંને ગૃહોનો કાર્યવાહી સ્થગિત
RELATED ARTICLES