Homeએકસ્ટ્રા અફેરસંસદ સર્વોપરી પણ સુપ્રીમને કાયદાની સમીક્ષાની સત્તા

સંસદ સર્વોપરી પણ સુપ્રીમને કાયદાની સમીક્ષાની સત્તા

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

આપણે ત્યાં છેલ્લા કેટલાક સમયથી ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે સંઘર્ષ ચાલે છે. સંઘર્ષ માટેના ઘણા મુદ્દા છે પણ કોલેજિયમની સત્તાઓના મુદ્દે સંઘર્ષ ઘેરો બન્યો છે. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના જજોની નિમણૂક માટે સુપ્રીમ કોર્ટ તથા હાઈ કોર્ટની કોલેજિયમ ભલામણ કરે છે. છલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર આ ભલામણોને સંપૂર્ણપણે સ્વીકારતી નથી. તેના કારણે સુપ્રીમ કોર્ટના જજો ભડકેલા છે ને સરકારને ચીમકીઓ આપ્યા કરે છે. સામે સરકારમાં બેઠેલા લોકો કોલેજિયમ વિરુદ્ધ નિવેદનો આપ્યા કરે છે તેથી સંઘર્ષ તીવ્ર બન્યો છે.
આ માહોલમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કરેલી ટીપ્પણીઓના કારણે સંઘર્ષ વધવાનાં એંધાણ છે. રાજસ્થાન વિધાનસભામાં બુધવારથી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સની ૮૩મી કોન્ફરન્સ શરૂ થઈ છે. આ કોન્ફરન્સમાં દેશનાં તમામ રાજ્યોની વિધાનસભાના સ્પીકર અને વિધાન પરિષદના સ્પીકર ભાગ લઈ રહ્યા છે. આ કોન્ફરન્સમાં સંસદ દ્વારા બનાવેલા કાયદાઓમાં કોર્ટના હસ્તક્ષેપનો મુદ્દો કેન્દ્રસ્થાને છે.
આ કોન્ફરન્સમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા બંનેએ સુપ્રીમ કોર્ટ પોતાની મર્યાદા ઓળંગી રહી હોવાનો આરોપ મૂક્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને વિધાનસભાના સ્પીકર સી.પી. જોશીએ તેમાં હાજીયો પૂરાવ્યો છે અને કહ્યું કે, કોર્ટે પોતાની મર્યાદામાં રહીને કામગીરી કરવી જોઈએ.
ઉપરાષ્ટ્રપતિ ધનખડે સુપ્રીમ કોર્ટની કામગીરી સામે સવાલ ઉઠાવતાં કહ્યું કે, સંસદ કાયદો બનાવે છે અને સુપ્રીમ કોર્ટ તેને રદ કરી દે છે એવું કઈ રીતે ચાલે? સુપ્રીમ કોર્ટની મંજૂરી મળે તો જ સંસદે પસાર કરેલો ખરડો કાયદો બનશે? ધનખડનો દાવો છે કે, ૧૯૭૩માં કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમે આદેશ આપ્યો હતો કે, સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે પણ મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકતી નથી. આ ચુકાદાને કારણે ખોટી પરંપરા શરૂ થઈ ગઈ ને હવે સુપ્રીમ કોર્ટ દરેક વાતમાં દખલગીરી કરે છે.
ધનખડે પોતે સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે પોતે સહમત નથી એવો દાવો કરીને એમ પણ કહ્યું કે, કોઈ અન્ય સંસ્થા સંસદના નિર્ણયની સમીક્ષા કરે એવી મંજૂરી કઈ રીતે આપી શકાય? ભારતમાં સંસદ સર્વોપરી છે અને અંતિમ સત્તા સંસદ પાસે છે. આ સંજોગોમાં અન્ય કોઈ સંસ્થા સંસદના કાયદાને અમાન્ય ઠેરવે એ લોકશાહી માટે યોગ્ય ના કહેવાય. ધનખડે કહ્યું કે, ૨૦૧૫માં મોદી સરકારે પસાર કરેલા જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી એક્ટનું ઉદાહરણ પણ આપ્યું.
ધનખડના કહેવા પ્રમાણે, જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી એક્ટ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો પણ ૧૬ ઑક્ટોબર ૨૦૧૫ના રોજ તેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો. દુનિયામાં ક્યાંય આવું બન્યું નથી. ન્યાયતંત્ર પાસે કાયદો બનાવવાની સત્તા નથી છતાં સુપ્રીમ કોર્ટ આ બધું કરી રહી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ આ વાતમાં સૂર પુરાવીને કહ્યું કે. અમે ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ અને બંધારણે જે ગૌરવ આપ્યું છે તેનું પાલન કરીએ છીએ. ન્યાયતંત્રે પણ તેનું પાલન કરવું જોઈએ.
ધનખડ અને ઓમ બિરલા બંને ભાજપના છે તેથી એ લોકો આવી વાતો કરે એ સમજી શકાય પણ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને વિધાનસભાના સ્પીકર સી.પી. જોશીએ પણ આ વાતને સમર્થન આપ્યું છે એ જોઈને હસવું આવે છે. કૉંગ્રેસ એક તરફ એવું કહે છે કે, ભાજપ સરકારના કારણે બંધારણને ખતરો છે. કૉંગ્રેસના નેતા ભાજપથી બંધારણ બચાવવાની વાતો કરે છે ત્યારે ગહલોત અને જોશી ભાજપની વાતને સમર્થન આપે છે. સુપ્રીમ કોર્ટ જે કંઈ કરે છે એ બંધારણ બચાવવા કરે છે અને પોતાની ફરજ બચાવવા કરે છે ત્યારે કૉંગ્રેસના નેતાઓએ તેને ટેકો આપવો જોઈએ પણ તેના બદલે એ લોકો ભાજપનું સમર્થન કરે છે.
ખેર, આપણે કૉંગ્રેસના તળિયા વિનાના નેતાઓની વાત બાજુ પર મૂકીને મૂળ વાત પર આવીએ. ધનખડની એ વાત સાચી છે કે, લોકશાહીમાં સંસદ સર્વોપરી છે અને ન્યાયતંત્રને કાયદા બનાવવાની સત્તા નથી પણ એ વાત ખોટી છે કે, સંસદે બનાવેલો કાયદો સર્વોપરી ગણાય ને ન્યાયતંત્ર તેને ફગાવી ના શકે. ભારતમાં સુપ્રીમ કોર્ટનું માત્ર કેસોનો નિકાલ કરવાનું નથી પણ બંધારણની રક્ષાનું પણ છે. બંધારણીય બાબતને લગતા કાયદા કે મુદ્દાની સમીક્ષા કરવાનું કામ પણ સુપ્રીમ કોર્ટનું છે. સુપ્રીમ કોર્ટ પોતાની ફરજ બજાવે તેમાં કશું ખોટું નથી.
ધનખડ ન્યાયતંત્રની મર્યાદાની વાત કરે છે ત્યારે પણ સંસદના ગૌરવની વાત કરતા નથી. આ દેશના બંધારણના કારણ સંસદ અસ્તિત્વમાં આવેલી છે ને સંસદના માથે પણ દેશના બંધારણના રક્ષણની જવાબદારી છે. સંસદ પણ એવા કાયદા ના બનાવી શકે કે જે બંધારણે આપેલા મૂળભૂત અધિકારો કે આ દેશના મૂળભૂત માળખાની વિરુદ્ધ જતા હોય. સંસદ એ મર્યાદાને ઓળંગીને કોઈ કાયદો બનાવે તો તેને ફગાવી દેવાનો સુપ્રીમ કોર્ટને અધિકાર છે જ. તેને સુપ્રીમ કોર્ટની દખલગીરી ના કહેવાય. સુપ્રીમ કોર્ટ પોતાની ફરજ બજાવે છે.
ધનખડ આણિ મંડળી સંસદની સર્વોપરિતાની વાત કરે છે ત્યારે એક વાત કરતા નથી કે, સંસદ રાજકારણીઓની બનેલી છે ને રાજકારણીઓ મોટાભાગના કાયદા પોતાના ફાયદા માટે બનાવતા હોય છે. આપણા બંધારણમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૩ સુધારા થયા છે. આ પૈકીના મોટાભાગના સુધારા રાજકીય કારણોસર થયા છે. જે નવા કાયદા બને છે તેમાંથી પણ મોટાભાગના રાજકીય કારણોસર બને છે. હમણાં સુપ્રીમ કોર્ટે ઈડબલ્યુએસ માટે ૧૦ ટકા અનનાતને મંજૂરી આપી તેના પગલે બધાં રાજ્યોની સરકારોમાં અનામતનું પ્રમાણ વધારીને ૫૦ ટકાથી વધારે કરવાની હોડ જામી છે. વિધાનસભાઓમાં તેને લગતા કાયદા પસાર કરાઈ રહ્યા છે. ભવિષ્યમાં રાજકીય ફાયદો દેખાય તો સંસદમાં પણ એવો કાયદો બનાવી દેવાય એવું બને.
આ તો એક ઉદાહરણ આપ્યું પણ સુપ્રીમ કોર્ટ સમીક્ષા ના કરે ને ગેરબંધારણીય હોય એવા સંસદે પસાર કરેલા કાયદા ના ફગાવે તો રાજકારણીઓ શું કરે એ વિચારી જોજો. રાજકારણીઓ બંધારણની ઐસીતૈસી કરીને મૂકી દે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular