Homeલાડકીમાતા-પિતાએ યુવાવસ્થામાં પ્રવેશતા ટીનેજરોનો સથવારો બનવું જોઈએ

માતા-પિતાએ યુવાવસ્થામાં પ્રવેશતા ટીનેજરોનો સથવારો બનવું જોઈએ

ઉડાનમુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

“ત્રીસે દિવસ, ચોવીસે કલાક ને ત્રણસો પાંસઠ દિવસ કામ કરતી જાત ક્યારેક બીમાર તો પડે કે નહી? આજે રોજની માફક સ્ફૂર્તિથી કામ ના કરતી માં શું આ લોકોની નજરે નહિ ચડતી હોય? સ્નેહાના મગજમાં આ સવાલ મમ્મી મારો લંચબોક્સ??..આટલું પૂછીને એ જ સેક્ધડે ફરી પોતાના રૂમ તરફના દાદર ચડી જતી વિહાની પીઠે અફળાઈને પાછો એના મગજ સાથે અથડાયો. નબળાઈના કારણે આજે સ્નેહાની પાસે પડેલા ડાઈનિંગ ટેબલની ખુરશીનો હાથો પકડાઈ ગયો. થોડી ક્ષણો એમ જ પસાર થઇ હશે ત્યાંજ મમ્મી હું જાઉં છુ, રાહ ના જોઇશ સાંજ પડી જશે આવતા… એટલું બોલતી.. લાંબા ડગલાં ભરતી વિહા પાછળ જવાબ સાંભળવાની દરકાર રાખ્યા વગર ઘરની બહાર નીકળી ગઈ અને પોતાની પાસે જ જીદ કરીને લેવડાવેલ સ્કુટીની ઘરરરાટી એના મગજમાં ક્યાય સુધી ચકરાતી રહી. વિહા નાની હતી ને બીમાર પડે તો એના કહ્યા વગર પણ સ્નેહાને તરત જ ખબર પડી જતી, રાતભરના એ ઉજાગરા વેઠવા જાણે સાવ સામાન્ય વાત હતી એને માટે. નાનપણ શું અત્યારે પણ વિહાને જરા અમસ્તી તકલીફ પણ પડે નહીં તે રીતે સ્નેહા વિહાના સ્વાસ્થ્ય પરત્વે એટલી જ સજાગ રહે છે. વિહાને આજકાલ ટેનીસ રમવાનો શોખ જાગ્યો છે અને એમાં અત્યંત જરૂરી એવા સ્ટેમીના અને સ્વસ્થતા જળવાઈ રહે એ માટે સ્નેહા અનહદ અસ્વસ્થતા ભોગવતી આવી છે પણ આજે જાતે ઉડતા શીખી ગયેલી એ જ વિહાએ એની તરફ નજર સુધ્ધાં નાખી નહીં, ક્યાંથી ખબર પડે કે માને આજે મજા છે કે નહી?
આખો દિવસ વારંવાર આંખોમાં ઘસી આવતા આંસુઓને પરાણે ખાળવાની કોશિશ થકી તેનું શરીર તો અસ્વસ્થ હતું જ હવે મન પણ અસ્વસ્થતાની લગોલગ પહોચી ગયું. પતિ કે અન્ય કોઇથી આ પ્રકારની અપેક્ષા રાખવાની એણે વર્ષો થયે મૂકી દીધેલી પરંતુ વિહા નાની હતી ત્યારથી બહુ કાળજી બતાવે એવી હતી, એના તરફથી સ્નેહાને આવા વર્તનની આશા નહોતી. નાની નાની વાતમાં માની સંભાળ રાખતી નાનકડી વિહા મોટી થતાં પોતાના નિસ્વાર્થ પ્રેમને ઝીલી શકશે એ દરેક માની જેમ સ્નેહાને પણ ખાતરી હતી. પરંતુ કૂંપળમાંથી છોડ અને તેમાંથી વૃક્ષ બનવાની પ્રક્રિયામાં વ્યસ્ત વિહાને જાણે અત્યારે પોતાના જ મૂળથી સાવ વિખુટા પડતા જવાની જાણ થઇ રહી નથી એનું એક અજાણતું દર્દ અનુભવવા માટે સ્નેહા તૈયાર નહોતી કદાચ. આમને આમ સાંજ પડી અને વિહાએ ઘરમાં પગ મૂકયો એ સાથે જ સ્નેહા તેના પર વરસી પડી, વિહાની બેદરકારી, ફરજનો અભાવ, માની અવગણના આ બધું જ એકીસાથે ઝીલવા અસમર્થ વિહા ફરી એ જ બેધ્યાનપણું બતાવી પોતાના રૂમમાં ભરાઈ ગઈ. એને પણ સમજાય નહોતું રહ્યું કે તેની ભૂલ શું છે?? કઈ કાળજીની મમ્મી વાત કરી રહી છે?
તરુણાવસ્થા વટાવી યુવાનીના ઉંબર સુધી પહોંચવા સુધીની સફર દરમિયાન તમે અને તમારા માતા-પિતા બંન્ને બે જુદી જુદી નાવમાં બેસેલાં જોવાં મળો છો. તેઓ પોતાની ચાલીસી બાદ પોતાની મધદરિયે પહોંચેલી નાવને સાચવી રાખવા હવાતિયાં મારતાં હોય છે જ્યારે તમારુ સંપૂર્ણ ધ્યાન હજુ પણ કિનારે નાવમાં બેસવાનો પ્રયત્ન કરી રહેલી સતત તમારી જાત પર જ હોય છે. તેઓએ પેરેન્ટ્સ તરીકે એ વાત લક્ષ્યમાં લેવી ખૂબ જરૂરી હોય છે કે વિહા માફક દરેક ટીનએજર્સનો યુવા પ્રવાસ હજુ શરૂ થઇ રહ્યો છે. જરૂરી નથી કે એની નાવની દિશા તમારી તરફ જ હોય. પરંતુ મોટાભાગે માતા-પિતા એ હકીકત ધ્યાન પર લીધા વગર જ અમારી નાવ ડૂબે તો ભલે ડૂબે પરંતુ સંતાનોની દિશા અમારા તરફ વહેતી હોવી જોઈએ એ પ્રકારની જીદ મનમાં રાખીને ચાલે છે. જે થવું લગભગ અશક્ય છે એ જાણવા છતાં પોતાની જીદ નથી તો મૂકી શકતા કે નથી તો સંતાનોને સાચી દિશામાં વાળી શકતા. આવી પરિસ્થિતિ શા માટે સર્જાય છે એ વિષે ક્યારેય શાંતિથી આપણે વિચાર્યું હોય છે ખરું? જેમ તમારી ઉંમર વધે છે એમ તમારા સંતાનોની પણ ઉમર વધે છે. વર્ષોના વીતવા સાથે તમે જેમ યુવાનીમાંથી ધીમે ધીમે પ્રૌઢાવસ્થા તરફ પ્રયાણ કરી રહ્યા છો એમ બાળકો પણ ધીમે ધીમે તેની બાલ્યાવસ્થાના ઉંબરને વટાવી યુવાવસ્થામાં પ્રવેશ કરી રહ્યા હોય છે. તમારા શરીરમાં ઉત્પન્ન થતા અમુક અંત:સ્ત્રાવોનું પ્રમાણ જયારે ઘટતું જતું હોય છે ત્યારે તમારા સંતાનોમાં અંત:સ્ત્રાવોનું પ્રમાણ ઉતરોત્તર વધતું જતું જોવા મળે છે જે પ્રક્રિયા એકદમ કુદરતી છે. અને તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થવો શક્ય નથી. એક રીતે જોઈએ તો તમે અને તમારા સંતાનો બંને જીવનના અલગ અલગ ટાઇમઝોનમાં જીવી રહ્યાં છો. આ સમયમાં તમને શું થાય છે અને તે લોકો શું અનુભવે છે એ જાણવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે વાતચીત પરંતુ તેના માટે તમે એકબીજા સાથે મોટાભાગે કોઈ જ સંવાદ કરતા હોતા નથી કે નથી કોઈ વાતચીતનો અવકાશ ઊભો કરતા. ઊલટું તમે એવું જતાવો છો કે મધદરિયે બેઠા બેઠા પણ સંતાનોની નાવ તમે ક્ધટ્રોલ કરો છો. અને આથી જ એ તમારાથી વધુ દૂર ભાગવા લાગે છે.
ખાસ કરીને ટીનએઈજમાં પ્યુબર્ટીને કારણે યુવતીઓમાં જે હોર્મોન્સના ઉછાળાનો સમયગાળો આવે છે એ વખતે એ પોતાની જાત સામે જ ઝઝૂમતી જોવા મળે છે. આવા સમયે જો સૌથી સારો સથવારો કોઈ બની શકતું હોય તો એ પોતાના પેરેન્ટ્સ હોય છે. પરંતુ તેઓની સાથે તમે ખૂલીને વાત કરી શકો અને સામા પક્ષે તેઓ પણ તમને સમજી શકે, તમારી પરિસ્થતિને મૂલવી શકે, તમને પણ પોતાના પ્રોબ્લેમ્સ વર્ણવી શકે એ પ્રકારનું સાયુજ્ય કેળવાય શી રીતે? અચાનક તો કોઈ બદલાવ આવી નહીં જાય? કારણ કે તમારા દ્વારા અત્યારની ઉંમરે થતાં વર્તનનું મૂળ તમારા બાળપણમાં પડેલું હોય છે. એને કદાચ બદલાવવાની જરૂર હોય તો પણ એ કામ તમારે જ કરવું રહ્યું.
ટીનએઈજના કિનારે પહોંચ્યા પછી યુવાન થઇ રહેલા આપણે અન્યોને મદદરૂપ થવાની, કાળજી રાખવાની આદતોને વિકસાવી કઈ રીતે જીવનને વધુ જીવંત બનાવી શકાય એના કોઈ ક્લાસ ચાલતા નથી હોતા, પરંતુ કાળજી શબ્દને જીવનની યુવા ડિક્ષનેરીમાં ઉમેરો કરવાથી આપણા પેરેન્ટ્સને મદદગાર કઈ રીતે બની શકીએ એ જાતે શીખવું એ સફળ યુવાનીનું પ્રથમ પગથિયું બની રહે છે. ઉ

RELATED ARTICLES

Most Popular