Homeઆપણું ગુજરાતબાળકને આત્મવિશ્વાસુ બનાવવું છે? તો માતા-પિતાએ આ ભૂલો ક્યારેય ન કરવી

બાળકને આત્મવિશ્વાસુ બનાવવું છે? તો માતા-પિતાએ આ ભૂલો ક્યારેય ન કરવી

બાળકમાં જ્યારે આત્મવિશ્વાસની કમી હોય છે ત્યારે ઘણો હોશિયાર કે સક્ષમ બાળક પણ અભ્યાસ અને જીવનમાં પાછો પડે છે. વધારે પડતો વિશ્વાસ પણ સારો નહીં, પણ બાળક પોતાનામાં, પોતાના કામમાં, પોતાની પ્રતિભા પર ભરોસો જ ન કરતો હોય તો તે લાયક હોવા છતાં સફળતા મેળવી શકતો નથી. આથી બાળકનો આત્મવિશ્વાસ ન ડગે અને તે પોતાનું કામ પૂરા ભરોસા સાથે કરી શકે તે માટે માતા-પિતાએ આ ભૂલો કદીયે કરવી નહીં.
૧. તમારા બાળકને ભૂલો કરવાની પૂરી છૂટ અને સગવડતા આપો. તેને ભૂલ કરતા પહેલા જ શિખવાડી ન દો. તેને પોતાની ભૂલોમાંથી શિખવા દો.
૨. બાળકને ક્યારેય ચુપ થવા ન કહો. એટલે કે ખોટો બબડાટ કરે તો તેને શિખવાડો એ બરાબર છે, પણ તે પોતાના મનની વાત તમને ન કરી શકે તેવું વાતાવરણ ઘરમાં ન હોવું જોઈએ. દિવસભર તેની સાથે જે કંઈ થાય તે માતા-પિતાને આવીને કહે તેવો એક નિયમ રાખો.
૩. બાળક હંમેશાં તેના માતા-પિતાનું ધ્યાન તેના તરફ રહે તેમ ઈચ્છે છે. આથી તેની નાની સરખી કોશિશને પણ બિરદાવો.
૪. તમારા બાળકની અન્ય કોઈ બાળક સાથે ભૂલથી પણ સરખામણી ન કરો. આમ કરી તમે તેનું સૌથી મોટું નુકસાન કરી રહ્યા છો.
૫. તમારી ભૂલ કે ચૂકનો ગુસ્સો તેમના પર ન કાઢો. તેઓ તમારી ભૂલોનો બોજ લઈ શકતા નથી.
૬. બાળકની નિષ્ફળતા માટે તેને શરમાવો નહીં. દરેકના જીવનમાં આવી નિષ્ફળતાઓ આવતી જ હોય છે.
૭. માતા-પિતાએ બાળકોના જજ કયારેય ન બનવું. પોતાના સંતાનોની વારંવાર ટીકા કરતા કે તેમને ટોકતા માતા-પિતા તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે છે અને તેઓ ધીમે ધીમે આત્મવિશ્વાસ ખોઈ બેસે છે.
૮. બાળક પાસેથી તેની ઉંમર કરતા વધારે પરિપક્વતાની અપેક્ષા રાખવી નહીં. દરેક વસ્તુ ઉંમર અને અનુભવ સાથે આપોઆપ આવતી હોય છે.
૯. તમારા બાળકોને જરૂર હોય ત્યારે જ મદદ કરો. સતત તેમની પાછળ ન પડી જાઓ અને તેમને તમારા કે અન્ય કોઈના પર આધાર રાખવો પડે તેમ ન કરો.
૧૦. મેં તને કહ્યું હતું ને? તમારા સંતાનની ભૂલ થતાં તેમને આમ ક્યારેય ન કહો. આનાથી તેઓ અફસોસ અથવા તો અપરાધભાવ અનુભવે છે. આથી કંઈપણ કરતા પહેલા તેઓ પરિણામ અને તમારી પ્રતિક્રિયા વિશે વિચારે છે અને કામ કરવાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular