ગુજરાતમાં સખત ઠંડી અને ઠંડા પવનનું જોર ચાર-પાંચ દિવસથી જોવા મળે છે. બાળકોને ઠંડીમા વહેલી સવારે નાહીધોઈને આવવાનું અઘરું પડતું હોવાથી વડોદરા ખાતે પેરેન્ટ્સ એસોસિયેશને શાળાનો સમય મોડો કરવાની માગણી કરી હતી.
વાલીઓનું કહેવાનું હતું કે દેશના ઘણા રાજ્યોએ ઠંડીને ધ્યાનમાં રાખી શાળાના સમયપત્રકમાં ફરેફાર કર્યો છે અને બાળકોના વર્ગો મોડેથી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. દિવસે દિવસે ઠંડી વધતી જાય છે અને કોરોના વાઈરસનો ખતરો પણ છે, આથી ગુજરાતમાં પણ જે શહેરોમાં ઠંડી વધારે અનુભવાઈ છે ત્યા સમયપત્રકમાં ફેરફાર કરવાની માગણી તેમણે કરી હતી.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોઈપણ જાતના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે શાળાએ બાળકોને દબાણ કરવું જોઈએ નહીં. જો આમ કરવામાં આવે તો શાળા સામે સખત પગલાં લેવા જોઈએ.
ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી દિવસે પણ ઠંડી અને પવનનું જોર અનુભવાય છે. દિવસ દરમિયાન પણ ગરમ કપડા પહેરી રાખવા પડે તેવી હાડ થિજવતી ઠંડી અહીં પડે છે. ખાસ કરીને વહેલી સવાર અને મોડી સાંજે બહાર નીકળવાનું પુખ્તવયના માટે પણ અઘરું સાબિત થાય છે ત્યારે બાળકો માટે વાલીઓની ચિંતા થોડેઘણે અંશે યોગ્ય છે. આ સાથે ઠંડી વધતા પ્રદુષણમાં પણ વધારો જોવા મળે છે. આથી બાળકોના સ્વાસ્થય પર અસર પડવાની શક્યતા પણ નકારી શકાય નહીં.