પેરેન્ટીંગ ટિપ્સઃ બાળકો સામે ક્યારેય ના કરો આવી વાત, નહીં તો પસ્તાવું પડશે

સ્પેશિયલ ફિચર્સ

દરેક માતાપિતાની ઇચ્છા હોય છે કે તેમનું બાળક સારા માર્ગે ચાલે, કોઇ ખોટું કામ ના કરે, પણ ઘણી વાર જાણ્યે અજાણ્યે માતા-પિતા બાળકને એવી વાત કહી દે છે, જેની તેમના દિલ અને દિમાગ પર ઘણી બૂરી અસર પડે છે. બાળકો સાથે વાત કરતી વખતે ધ્યાન રાખો કે તમે શું કહી રહ્યા છો અને એના શું પરિણામ આવી શકે છે.
જેમ જેમ બાળક મોટું થતુ જાય તેમ તેમ એનામાં નવી નવી વસ્તુઓ વિશે જાણવાની ઉત્સુકતા વધતી જાય છે. ઘણી વાર એ વસ્તુનો અલગ અર્થ કાઢે છે. માતા-પિતાએ હંમેશા ધ્યાન રાખવું જોઇએ કે બાળક કોઇ પણ વાતનું ખોટું અર્થઘટન ના કરે. જો તમે ઇચ્છો છો કે તમારુ બાળક સાચા અને સાચા માર્ગે ચાલે તો તેની સામે કેટલીક વાતો ભૂલથી પણ ના કરો.
”બાળક સામે તમારા પાર્ટનર વિશે ક્યારેય ખરાબ ના બોલો”
ઘણી વાર લોકો પોતાના પાર્ટનર પર ગુસ્સે થઇ જાય છે અને બાળકની સામે એના વિશે ખરાબ બોલવાનું શરૂ કરી દે છે. બાળકની સામે જ ફેમિલી મેમ્બરની ટીકા કરવા માંડે છે. એ સમયે લોકો ભૂલી જાય છે કે બાળક બીજા લોકો સાથે પણ સમય વિતાવે છે. એવામાં તમારી વાતોથી એ દુવિધા અનુભવવા લાગે છે. ઘણી વાર બાળક એ વ્યક્તિને નફરત કરવા માંડે છે જેના વિશે તમે બુરાઇ કરો છો.
”જવાબદારીઓનો ડર”
બાળકો સાથે વાત કરતી વખતે ક્યારેય પૈસા કે બીમારી વિશે વાત ના કરો. જ્યારે માતા-પિતા પૈસાને લઇને ટેન્શન લે છે અને બાળકની સામે તેના વિશે વાત કરે છે ત્યારે બાળકો પણ એ વાત સાંભળીને ટેન્શનમાં આવી જાય છે. તેઓ પણ ડરી જાય છે. આટલી નાની ઉંમરમાં નાણાકીય સમસ્યા હેન્ડલ કરવાનું કામ તેમનું નથી.
”અન્ય બાળકો સાથે સરખામણી”
બાળકની સરખામણી કોઇ બીજા સાથે કરવી યોગ્ય નથી. જ્યારે તમે તમારા બાળકની સરખામણી બીજા સાથે કરો છો ત્યારે બાળકના મનમાં અજાણતા જ પોતાના વિશે લઘુતાગ્રંથિ બંધાઇ જાય છે. તેમનો વિશ્વાસ તૂટવા લાગે છે. તેઓ તણાવ અનુભવવા લાગે છે. એવી જ રીતે જ્યારે તમે તમારા બાળકને કહો છો કે તે બીજા બધા કરતા સારો છે ત્યારે તેની પણ તેના મગજ પર ખોટી અસર પડે છે. તે પોતાને બીજા કરતા વધુ સામર્થ્યવાન અને બીજાને ઉતરતી કક્ષાના સમજવા માંડે છે.
”કાશ, તું જનમ્યો ના હોત”
તમે બાળકથી કેટલા પણ નારાજ હો તો પણ બોળક સામે ભૂલથી પણ એમ ના બોલો કે, ‘કાશ તું જનમ્યો જ ના હોત તો સારુ હોત.’ બાળક પોતાના માતા-પિતા પાસેથી ક્યારેય આવી વાત સાંભળવાનું પસંદ નહીં કરે. એના દિલને આવી વાત સાંભળીને ઠેસ પહોંચે છે. એના આત્મસન્માનને પણ ઠેસ પહોંચે છે. એના મનમાં એવી વાત આવી જાય છે કે એને કોઇ પસંદ નથી કરતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.