મુંબઈ સમાચાર દ્વારા થોડા સમય પહેલા પેપર ટી કપ પણ આરોગ્ય માટે કેટલા હાનિકારક છે, તે અંગે વિસ્તૃત અહેવાલ છપાયો હતો. હવે અમદાવાદ મહાનગરપાલિકાની આંખ ખૂલી છે, જોકે તેમણે ચા પીવાવાળા નહીંપણ ચાના કપ વિણવાવાળા સફાઈ કામદારોની સમસ્યાને ધ્યાનમા રાખી 20મી જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. હાલમાં તેઓ ચાની લારીઓ કિટલીઓ ધરાવતા સ્ટોલધારકોને સમજાવી રહ્યા છે અને કાચના કપ કે અન્ય વસ્તુમાં ચા આપવાની વ્યવસ્થા કરવાનો સમય આપી રહ્યા છે. મનપાના કહેવા અનુસાર માત્ર અમદાવાદ શહેરમાં રોજના 25 લાખ કરતા વધારે પેપર કપ કચરા તરીકે ઠલવાય છે. આ કપ ગટરમાં જતા ચોક અપ થઈ જાય છે અને પાલિકાના સફાઈ કામદારો માટે એક બહુ મોટો પ્રશ્ર્ન ઊભો થાય છે.
તેમની વાત સો ટકા સાચી, પણ સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ આ કારણે જ બંધ કર્યું હતું, પરંતુ તેનો અમલ કરાવવામાં પાલિકાઓ અને રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. ત્યારે માત્ર પ્રતિબંધો મૂકવાથી સમસ્યાનું નિરાકરણ થતું નથી. વળી, કાચના કપ ચોખ્ખા પાણીમાં ધોવાતા ન હોવાથી લોકો પોતે જ પેપર કપમાં પીવાનો આગ્રહ રાખે છે. જ્યારે માટીની કુલડી સ્ટોલધારકોને મોંઘી અને અગવડભરેલી લાગે છે. સરકારે પ્રતિબંધ મૂકવાની સાથે તેના વિકલ્પો પણ આપવા જોઈએ.
આ સાથે જનતામાં પણ એટલી જ જાગૃતિ લાવવાની જરૂર છે, બાકી આવા કેટલાય પ્રતિબંધો કાગળ પરના વાઘ જ સાબિત થાય છે. મનપાએ પાનમસાલા માટે વપરાતા પ્લાસિટકના ઉપયોગ કરતા સ્ટોલ પર પણ તવાઈ કરવાની જાહેરાત કરી છે, પણ આ બધા પ્રતિબંધોનો કડક અમલ થતો નથી અને પગલાં લેવાની સત્તા ધરાવતા અધિકારીઓ નાના સ્ટોલદારકોને પરેશાન કરી પોતાના ખિસ્સા ભરે છે, તેવી ફરિયાદો વધારે થતી હોય છે. હવે જોવાનું એ છે કે આ નવા પ્રતિબંધને કેવો પ્રતિસાદ મળે છે.