સરકારને નિર્ભયા ભંડોળમાંથી નાણાં આપવાનું કર્યું સૂચન
વિપુલ વૈદ્ય
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં લોકલ ટ્રેન અને બેસ્ટની બસ પછીની લાઈફ લાઈન ગણાતી કાળી-પીળી ટેક્સી અત્યારે રાજ્ય સરકારની સાથે સંઘર્ષમાં ઉતરી છે. ઓલા-ઉબેરના ધોરણે શહેરની કાળી-પીળી ટેક્સીમાં પણ મહિલાઓની સુરક્ષા માટે પેનિક બટન લગાવવાનો આદેશ રાજ્યના પરિવહન વિભાગ દ્વારા કાઢવામાં આવ્યો હતો, પરંતુ ટેક્સી સંગઠનોએ સરકારના આ આદેશને નકારી કાઢ્યો છે.
ટેક્સીમેન્સ યુનિયન દ્વારા રાજ્ય સરકારના પરિવહન ખાતાના પ્રધાન સચિવ પરાગ જૈનને પત્ર લખીને પેનિક બટન લગાવવાની સરકારની યોજનાનો વિરોધ કર્યો છે. આ પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે મુંબઈની કાળી-પીળી ટેક્સીમાં છેલ્લા ૬૦ વર્ષમાં એકેય વિનયભંગ કે બળાત્કારની ઘટના બની નથી. આથી મહિલાઓને ટેક્સીમાં લાગી રહેલી અસુરક્ષા, અત્યાચાર, વિનયભંગ અથવા છેડતી જેવા બનાવ સામે સુરક્ષાની ચિંતા કાળી-પીળી ટેક્સીમાં કરવાની આવશ્યકતા નથી.
બીજું આ પેનિક બટનની યંત્રણા બેસાડવા માટે રૂ. ૧૦-૧૨ હજાર જેવો ખર્ચ આવે છે. કોરોનાના લોકડાઉન બાદ હજીસુધી ટેક્સીચાલકો પગભર થયા નથી ત્યારે આટલો બધો બોજ તેમના પર નાખવો યોગ્ય ગણાશે નહીં.
ટેક્સીમેન્સ યુનિયને એવી પણ ભલામણ કરી છે કે રાજ્ય સરકાર પાસે નિર્ભયા ફંડમાં ઘણા નાણા પડ્યા છે. સરકારને જો મહિલા સુરક્ષાની આટલી બધી ચિંતા હોય તો કાળી-પીળી ટેક્સીમાં સરકાર આ નિર્ભયા ફંડના નાણામાંથી પેનિક બટન લગાવી આપે. આમેય કાળી-પીળી ટેક્સી મુંબઈમાં હોય કે ઈન્ટરસીટી હોય, મહિલાઓ માટે સુરક્ષિત જ છે. અહીં ક્યારેય મહિલાઓ પર કોઈ વાંકી નજરે પણ જોતું નથી. તો પછી સરકાર શા માટે ગરીબ ટેક્સીચાલકોને માથે રૂ. ૧૦,૦૦૦-૧૨૦૦૦નો ખર્ચ મારવા માગે છે? રાજ્ય સરકાર હવે આ બાબતે શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.