(અમય ખરાડે)
મુંબઈ: હિન્દુસ્તાની ગાયિકા પદ્મ વિભૂષણ ડો. પ્રભા અત્રેને રવિવારે અહીં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા પંડિત હરિપ્રસાદ ચૌરસિયા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. મુખ્યમંત્રીએ અહીંના રામ ગણેશ ગડકરી રંગાયતન ખાતે એક કાર્યક્રમમાં ડો.અત્રેનું સન્માન કર્યું હતું. શિંદેએ આ કાર્યક્રમમાં ડો. અત્રેને પ્રશસ્તિ પત્ર અને રૂ. ૧ લાખ અર્પણ કર્યા. તેમના ૯૦માં જન્મદિવસ નિમિત્તે ૯૦ વાંસળી વાદકોએ એક કાર્યક્રમ રજુ કર્યો હતો. આ પ્રસંગે શિંદેએ કહ્યું કે તેમની સરકાર કળાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને શાસ્ત્રીય સંગીતને પણ પ્રોત્સાહન આપશે.