Homeધર્મતેજપંચામૃત રોગ પ્રતિકારક શક્તિ વધારતો ઉત્તમ પ્રસાદ

પંચામૃત રોગ પ્રતિકારક શક્તિ વધારતો ઉત્તમ પ્રસાદ

પ્રસાદની દુનિયા -મુકેશ પંડ્યા

આપણે ત્યાં સત્યનારાયણની કથા હોય કે અન્ય કોઇ પૂજાવિધિ ભગવાનને પાંચ જાતના તત્ત્વોથી બનેલા પંચામૃતથી સ્નાન કરાવાય છે જેમાં દૂધ, દહીં, ઘી, મધ અને ખડી સાકરનો સમાવેશ થયો હોય છે. આ જ પંચામૃત ભગવાનને ધરાવ્યા પછી ચરણામૃત બની જાય છે જેને આપણે પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ છીએ. પુરાણકાળથી ચાલી આવતા પંચામૃતમાં જે તત્ત્વો વપરાય છે એ ખરેખર તેના નામ પ્રમાણે પાંચ અમૃત સમાન છે.આ પાંચેય તત્ત્વો એકબીજાના ગુણધર્મો વધારીને શરીરમાં દિવ્ય ઔષધિ જેવું કાર્ય કરે છે.
દૂધ એટલે અનેક પ્રોટીન્સ અને વિટામિન્સનો ભંડાર જે માનવજાતને પોષણ આપતો જગતનો ઉત્કૃષ્ટ ખાદ્યપદાર્થ છે. જોકે, દૂધ પચવામાં ભારે પણ દહીંમાં રહેલો એસિડ શરીરની પાચનશક્તિ વધારે છે. દહીં પચવામાં હલકું પણ કફકારક હોઇ મધ કફનો નાશ કરે છે. મધ ગુણકારી છે પણ તાસીરમાં ગરમ હોઇ પંચામૃતમાં વપરાયેલું ઘી તેની પિત્તકારક વૃત્તિને શમાવે છે તેમ જ શરીરમાં જોઇતી ચરબી પૂરી પાડે છે. ખડી સાકર શરીરને જોઇતા કાર્બોહાઇડ્રેટ્સ અને ઊર્જા પૂરી પાડે છે. આમ પંચામૃત એટલે શરીરને પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ તેમ જ અનેક જાતના ઉપયોગી ખનિજદ્રવ્યો અને ક્ષાર પૂરા પાડતો અનોખો ખાદ્યપદાર્થ. જે શરીરને પોષણ આપવાની સાથે તેની સુખાકારી પણ જાળવે છે.
જોકે, આજે દરેક પદાર્થમાં ભેળસેળ થઇ ગઇ છે. જૂના સમયમાં દૂધ એટલે ભારતમાં તો ફક્ત ગાયનું દૂધ જ સમજવામાં આવતું. દહીં અને ઘી પણ ગાયના દૂધમાં થી જ બનતા. ખડી સાકર કે શેરડીના રસનો વપરાશ થતો. આજે કોઇ પણ ભેળસેળિયા દૂધ, ઘી, દહીં અને મધ વપરાય છે. ખડી સાકરને બદલે ઘરે પડેલી બ્લીચ કરેલી કેમિકલના અંશવાળી ખાંડ વપરાય છે. શેરડીના રસ કે ખડી સાકરમાં જે સત્ત્વ-તત્ત્વ હોય છે તે સઘળા ખાંડમાં નથી હોતા. જો ગુણવત્તાની બાબતે ધ્યાન અપાય અને ગાયના શુદ્ધ દૂધ, ઘી, દહીં વાપરવામાં આવે તો આજે પણ આ પ્રસાદ ખરેખર અમૃત જેવું કામ આપે છે જેના નીચે મુજબ ફાયદા થાય છે.
– રોગપ્રતિકારક શક્તિ વધે છે
– શરીરમાં તાકાત વધે છે
– ચામડી અને વાળના સ્વાસ્થ્ય અને સુંદરતામાં વધારો થાય છે
– મગજ માટે ટોનિક જેવું કામ આપે છે. સમજણ શક્તિ, ગ્રહણ શક્તિ અને યાદશક્તિમાં વધારો થાય છે. સર્જનાત્મક શક્તિ ખીલે છે.
એક જાણકારના અનુભવ મુજબ પાંચ ચમચી દૂધ, બે ચમચી ઘી, એક ચમચી દહીં, એક ચમચી મધ અને એક ચમચી ખડી સાકરના પ્રમાણમાં લઇ બરાબર હલાવીને મિશ્રણ કરવું. વધુ પ્રમાણમાં બનાવવું હોય તો પણ આ રેશિયો જાળવી રાખવો. સામાન્ય રીતે આપણે કોઇ પૂજા-પ્રસંગે જ પંચામૃત બનાવતા હોઇએ છીએ, પણ પંચામૃત રોજ બનાવીને ઘરના દરેક સભ્યો બેથી ત્રણ ચમચી પીએ તો પણ લાભકારક છે.
એ સર્વે ઋષિમુનિયોને વંદન જેમણે આવી ઉત્તમ વાનગીને પૂજા-અભિષેક તેમ જ અન્ય ધાર્મિક વિધિમાં સ્થાન આપીને તે ‘પ્રસાદ’રૂપે છેક છેવાડેનો માણસ પણ પામી શકે અને તન-મનથી સ્વસ્થ રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -