Homeવીકએન્ડકચ્છનાં તળપદાં ફળો

કચ્છનાં તળપદાં ફળો

કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી

કચ્છ પ્રદેશની આબોહવા સૂકી અને વરસાદની અલ્પતા અને રણ પ્રદેશ હોવાને લીધે અહીંની સામ્યતા રાજસ્થાનના થર રણમાં આવેલ બાડમેર, જેસલમેર અને સામે પાર થરપાર કર સિંઘમાં સરહદો એકમેકને લાગતી હોવાથી ત્યાંની વનસ્પતિ ફળ અને ફૂલોમાં અઢળક સામ્યતા રહેલ છે.
અહીં તળપદા ફળો અને વનસ્પતિની વાત કરીએ તો અહીં ચીભડાં, કોટીંબા કે કોટીમ્બડા, પીલુ, ખેજડાના ઝાડમાં થતી સાંગરી, તેમજ કેરા અને બોર મુખ્યત્વે છે. જે ઓછા પાણી એટલે કે વરસાદ અને સૂકી જમીનમાં સ્વયંભૂ ઊગે છે, અને પાંગરે છે. તે ઉપરાંત ગાંડો બાવળ તો ચારેતરફ ફેલાયેલ છે.
અહીંના તળપદા ફળોમાં ઔષધીય ગુણો પણ જોવા મળે છે. તે સ્વાદમાં ઓછા મીઠાં, તેમ જ તેમાં ગમનું પ્રમાણ વિશેષ હોય છે. ચીકણા હોય છે. આ ઉપરાંત તેમની ડાળીઓ કે થડ બળતણમાં પણ ઉપયોગી થાય છે.
આજે આપણે અમુક તળપદા ઝાડ-ઝાડી અને ફળોની ચર્ચા કરીશું. તેમાં ખેજડો-સાંગરી, કોટીંબા કે કોટીમ્બડા અને પીલુ રહેશે.
સમડી, સમડો, ખીજડી કે ખીજડો એવા નામ છે. આ ઝાડ ગાંડા બાવળની નજીક છે. જિનેટીક દૃષ્ટિએ ઘણા બધા ગુણો મળતા છે, પરંતુ તેમ છતાં ખેજડોના લાકડાં ને હવન-યજ્ઞમાં ઉપયોગમાં લેવાય છે. તેનું ફળ જેને સાંગરી તરીકે ઓળખાય છે. તે આપણા કચ્છમાં તેની ઉપયોગીતા કે વપરાશ ઓછો છે, પરંતુ રાજસ્થાન-મારવાડમાં તેનું શાક, કઢી અને તેને સૂકવીને ખોખા બનાવીને ખાવામાં ખૂબ જ ઉપયોગી છે અને તેની કિંમત મારવાડમાં ૧ કિલોનાં આશરે બે હજારથી પણ વધારે છે. આ ફળીઓ કેટલાંય પક્ષીઓ પણ આરોગીને સંતૃપ્ત થાય છે.
ખેજડાના ઝાડની લાક્ષણિકતા ખૂબ જ અદ્ભુત છે. તે જ્યાં ઊગે છે ત્યાંની આસપાસની જમીન ખૂબ જ ફળદ્રુપ બનાવે છે. ખેજડો કચ્છમાં હાલના સમયમાં દિન-પ્રતિદિન ઘટી રહ્યો છે. ત્યારે પર્યાવરણવાદીઓ અને જાગૃત નાગરિકોએ આગળ આવીને પહેલ કરવી પડશે અને આ ખેજડાના વૃક્ષોને આરોપણ કરીને ઉછેરવા પડશે. બીજું જ્યાં ખેજડાનું ઝાડ હોય ત્યાં ગાંડો બાવળ વિસ્તરતું નથી. આમ તે ગાંડા બાવળને ફેલાવતું અટકાવે છે. તે પણ એક પર્યાવરણની સેવા જ છે. બીજું કૂવો કે બોર કરવો હોય તો ખેડૂતો ખેજડાના વૃક્ષની પાસે કરે છે. એવું કહેવાય છે કે અહીં મીઠું પાણી મળવાની સંભાવના વિશેષ રહેલ છે.
ખેજડાના ઝાડની આસપાસની જમીનમાં નાઇટ્રોજન ફિક્ષ કરે છે. માટે તેની ગુણવત્તા વધારે છે અને માટે ફળદ્રુપ બને છે. પક્ષીઓના વસવાટ માટે પણ અનુકૂળ છે અને પક્ષીઓની વિષ્ટા પણ જમીનને ફળદ્રુપ બનાવે છે.
ખેજડો વૃક્ષ ભારતભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને સૂકી ધરા હોય રાજસ્થાન, ભારત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર (વિદર્ભ) તેમ જ આંધ્ર પ્રદેશના સૂકા વિસ્તારમાં આ વૃક્ષને ઈઅણછઈં (કાજરી) સંસ્થા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સૂકી ભૂમી માટે કામ કરતી વૈજ્ઞાનિક સંસ્થા ઈઅણછઈં ખેજડા પર ખૂબ જ સંશોધન કરીને એ તારણ પર પહોંચી છે કે આ વૃક્ષ સૂકી ધરતી પર જો ઉગાડવામાં આવે તો ક્ષારને નિયંત્રણ કરે છે. જમીન ફળદ્રુપ બનાવે છે. અને તેના ફળમાં પણ અનેક ઔષધીય ગુણો હોવાથી તે ખોરાક તરીકે વપરાશમાં લેવાય છે. તે અતિ ગરમ આબોહવા, અલ્પ પાણી, તેમ જ સૂકી જમીનમાં પણ ઊગતું હોવાથી તે ‘કલ્પવૃક્ષ’થી પણ અધિક છે. બીજુ એની માવજત પણ કરવાની જરૂર હોતી નથી. આ ખેજડીના ફળ સાંગરીના સૂકા ફળનું શાક કિંમતી હોઇ લગ્નસમારંભ કે અન્ય શુભપ્રસંગના જમણવારમાં આ શાક સ્થાન પામે છે. અને તેનું શાક એક વૈભવશાળી હોવાની નિશાની છે. આ ઉપરાંત તેના લાકડામાંથી ઉત્તમ પ્રકારનો ચારકોલ પણ મળે છે.જે બળતણમાં ઉપયોગી છે. તેના ફૂલ ગર્ભપાત રોકવામાં પણ ઉપયોગી મનાય છે. આ વૃક્ષ પરનું, લિજજતદાર અને મીઠું હોય છે. તેના ફૂલ મધમાખીને પ્રિય છે. આમ આ વૃક્ષ રણનું ‘કલ્પવૃક્ષ’ છે.
કચ્છનું બીજું તળપદા ફળમાં કોઠીબા કે કોઠીમબળા જેવા અલગ અલગ નામથી ઓળખાય છે. આમ તો આ ભારતમાં રાજસ્થાનથી લઇને કચ્છ અને ઉત્તર ગુજરાત અને કાઠીયાવાડના અમુક વિસ્તારમાં જોવા મળે છે. કચ્છ-વાગડમાં ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆતમાં કોઠીબા કે કોઠીમબળા પાકી ગયા હોય છે. એટલા નાના છોકરાથી લઇને મોટી ઉંમરના વ્યક્તિઓ વનવગડામાં રહેતા લોકો ખાય છે. સારા ચોમાસાના પ્રતાપે આ ફળની વેલીઓ પુષ્કળ પ્રમાણમાં ઊગી નીકળે છે. દિવાળી પર્વની આસપાસ આ ફળ પાકીને તૈયાર થાય છે. જે પીળું કે લાલાશ પડતું હોય છે. જે પાકી ગયાની નિશાની છે. ખાવામાં ખટ્ટ-તૂરું હોય છે અને લોકોની મજા આવે છે. તેના પર મીઠું ભભરાવીને ખાવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેની છાલ ખૂબ જ જાડી હોવાથી ખાઓ ત્યારે અવાજ આવે છે. વધારે ખાવાથી મોઢું-જીભ પણ આવી જાય છે.
કોઠીબાનું શાક પણ ખૂબ જ સરસ બને છે અને તે પાકી ગયા હોય તો કોઠીબાને ઊભું ચીરી તેના બે ભાગ કરી તેમાં મીઠું ભભરાવી ખાટલામાં સૂકવવામાં આવે છે. તે સુકાય એટલે સંકોચાઇ કોચલા વળી જાય છે. ત્યારબાદ તેને બરણીમાં ભરીને સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ તેને તળીને મીઠું-મરચું લગાડીને ખીચડી કે અન્ય ખોરાકની સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો સ્વાદ અલગ ગળચટ્ટો હોય છે. આમ તેનું અથાણું પણ ઉપયોગમાં છે. સલાડમાં પણ કાચું મીઠું-મરચું નાખીને ખવાય છે.
તે ડાયાબિટીશ માટે ઉપયોગી ફળ છે. તેનાથી પાચનશક્તિ ઉત્તમ થાય છે. કબજિયાત દૂર થાય છે. અન્ય કમળા જેવા રોગોમાં પણ વૈદકીય સારવારમાં પહેલાં વપરાશ થતો હતો. રાજસ્થાન, કચ્છ- વાગડ તેમજ થર પારકર-સિંઘમાં આજે પણ તેનો વપરાશ ખૂબ જ છે અને લોકો હોંશે હોંશે
આરોગે છે.
કચ્છનું ત્રીજુ ફળ ‘પીલું’ છે . પિલુડીની મોજ માણતા બુલબુલ, ગરમીમાં કુદરતે પંખીઓ માટે કરેલી વ્યવસ્થા છે. જાવ્ય કાંટા વિનાનું ઝાડ છે તે ઝાડીના સ્વરૂપે જોવા મળે છે. તેના પાંદડા લીલાંછમ રહે છે. તેનો છાયો ઘટ્ટ હોય છે. અલબત્ત તેનો ઘેરાવો ઓછો હોય
છે. તો પણ તેની ઝાડીમાં બે-પાંચ ગાયો બેસે છે. પીલુડીમાં લાલ ધોળા મોતી જેવા આકાર અને તેટલી જ માપના પારદર્શક ફળો ઝુમખા સ્વરૂપે ઊગે છે. આ પીલુઓ મીઠાં હોય છે તેમાં ઠળિયા નથી હોતા તે રાણી બોર જેવડા હોય છે. કોઇ મેઇ પીલું તૂરા કે તીખા પણ હોય છે. તેમાં ચીકણું પ્રવાહી હોય છે. તેમાં રણની ઔષધી તરીકેના ગુણો છે. ચીકાશને લીધે તેમાં ગમનું પ્રમાણ વધારે છે. પીલું વસંત-ગ્રિષ્મની સંધિ ટાણે પિલુડા પાકે છે. ગામડાના છોકરાઓને પીલું ટાણુ એટલે ઉજાણી, પાદરે જાય અને છોકરાઓ પિલુડીએ ચડી પીલુ ખાધા જ કરે એ પીલુ ચૂંટે અને એક ખાય અને ખાતા ધરાતા નથી બીજી પીલુંની જાત ઠળીયાવાળા પીલુ પણ હોય છે. આ પીલુની ઝાડી સૂકાય એટલે તેને બળતણના ઉપયોગમાં વપરાશમાં લેવામાં આવે છે.
આ પીલુડાની ડાળીઓની બખોલમાં સાપ પણ નિવાસ કરે છે. પીલુડીના પાંદડા વા જેવા દર્દમાં અગાઉ વૈદકીય સારવારમાં ઉપયોગમાં લેવાતા હતા. પીલુ પર એક કહેવત પણ છે. પીલુ ટાણે ચાંચ પાકવી એવું કોયલ માટે કહેવાય છે.
અગાઉ પાઠય પુસ્તકમાં ‘પીલુડી પર કાવ્યો પણ રચાતાં અને ભાઇ-બહેનનો ભાંડુઓનો પ્રેમ આ પીલુડીની આસપાસ વ્યક્ત થતો તેવું કવિ શ્રી પીલુડીનો આશરો લેતાં જે પણ એક ભાઇ-બીજના દિવસે પીલુડીને ગામડામાં યાદ કરાય છે.
આ ઉપરાંત અન્ય તળપદા ફળો-વૃક્ષો પણ કચ્છ-વાગડમાં જોવા મળે છે. તેની ચર્ચા પછી ક્યારેક કરીશું.
આમ આ તળપદા ફળો કચ્છના લોકો સાથે વણાઇ ગયા છે. અને હવે ઔદ્યોગિકરણને લીધે આ વૃક્ષો-ઝાડીઓને બચાવવા પડશે નહીંતર આપણું નિવસન તંત્ર-પર્યાવરણમાં ખલેલ પહોંચશે. આપણી ભૂમિ માટે પણ આ વૃક્ષો ઝાડીઓ ખૂબ જ અગત્યના છે. અને તેનું રક્ષણ કરવું આપણા તમામ લોકોની ફરજ છે અને સંવર્ધન પણ કરવું જોઇએ.
પૂરક માહિતી શ્રી મહાદેવ બારડ.

RELATED ARTICLES

Most Popular