એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં રાજકારણ અને રાજકારણીઓનું પણ સ્તર સાવ નીચું ઉતરી ગયું છે એવો બળાપો સૌ કાઢે છે પણ આપણા પાડોશી પાકિસ્તાનમાં હમણાંથી રાજકારણીઓની સેક્સ ઓડિયો-વીડિયો વાયરલ થઈ રહી છે ને તેના પગલે જે ગંદા આક્ષેપો થઈ રહ્યા છે એ જોયા પછી આપણા રાજકારણીઓ તો સાધુચરિત લાગે.
પાકિસ્તાનના રાજકારણમાં આર્મી પણ મહત્ત્વનું પરિબળ છે. બલ્કે પાકિસ્તાનના રાજકારણનો દોરીસંચાર આર્મીમાંથી જ થાય છે. આર્મી ઈચ્છે એ જ પાકિસ્તાનના રાજકારણમાં ટકી શકે એવી હાલત છે ત્યારે આર્મી પોતાનું વર્ચસ્વ ટકાવવા કેવા ગંદા ખેલ કરે છે તેનો ભાંડો આર્મીના જ એક ભૂતપૂર્વ અધિકારીઓએ ફોડ્યો છે.
આ અધિકારીનું નામ મેજર આદિલ રઝા છે ને મેજર રઝા વરસો લગી પાકિસ્તાનની આર્મીના હેડક્વાર્ટર રાવલપિંડીમાં કામ કરતા હતા. મેજર રઝાની વાતો સાંભળ્યા પછી લાગે કે, ભારતમાં નેતાઓ સાચા અર્થમાં સજ્જન છે. ભારતનું લશ્કર તો રાજકારણમાં દખલ કરતું જ નથી તેથી તેના વિશે કશું કહેવાનો સવાલ જ પેદા થતો નથી પણ આપણા નેતાઓ પણ પાકિસ્તાનની જેમ સાવ હલકી કક્ષાએ તો જતા નથી જ.
પાકિસ્તાની આર્મીના ભૂતપૂર્વ અધિકારી મેજર આદિલ રઝાનો આક્ષેપ છે કે, પાકિસ્તાનનું લશ્કર અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈ હની ટ્રેપ કરીન પાકિસ્તાની નેતાઓને ફસાવે છે અને પછી નેતાઓની કામલીલાના અશ્ર્લીલ વીડિયો ઉતારીને તેમને બ્લેકમેઈલ કરે છે. નેતાઓને ફસાવવા માટે પાકિસ્તાનની ટોચની અભિનેત્રીઓની મદદ લેવામાં આવે છે. આ એક્ટ્રેસીસ નેતાઓને પોતાની રૂપજાળમાં ફસાવીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા લલચાવે છે.
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ સહિત દેશના ઘણા ભાગોમાં આર્મી અને આઈએસઆઈનાં સેફ હાઉસ છે. એક્ટ્રેસ નેતાઓને આ સેફ હાઉસના બેડ હાઉસમાં લઈ આવે છે ને તેમનાં કપડાં કાઢીને ભવિષ્યમાં સંપૂર્ણ નગ્ન કરી દેવાનો મસાલો તૈયાર કરી દે છે. નેતાજી સેફ હાઉસમાં કામલીલા કરતા હોય ત્યારે તેમની ફિલ્મ ઉતરી જાય છે ને તેમના સેક્સ વીડિયો બનાવી લેવાય છે. આ વીડિયોની મદદથી નેતાઓને બ્લેકમેલ કરવામાં આવે છે. આર્મી નેતાઓને પોતાના ઈશારે નચાવે છે અને ધાર્યું કરાવે છે. જે નેતા ગાંઠે નહીં તેને વીડિયો જાહેર કરવાની ધમકી આપીને તાબે કરાય છે ને તાબે ના થાય તો રાજીનામું આપવાની ફરજ પડાય છે.
મેજર રઝા લાંબા સમયથી બ્રિટનમાં રહે છે ને પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. પાકિસ્તાનમાં હોત તો મેજર રઝાએ આવી હિંમત બતાવી હોત કે કેમ તેમાં શંકા છે. મેજર આદિલ રઝાએ વીડિયો મેસેજમાં ધડાકો કરેલો કે, જનરલ કમર જાવેદ બાજવા અને લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ પાકિસ્તાનના નેતાઓના સેક્સ વીડિયો બનાવવાના કાર્યના મુખ્ય કસબી છે. જનરલ કમર જાવેદ બાજવા હજુ હમણાં સુધી પાકિસ્તાનના આર્મી ચીફ હતા. લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ આઈએસઆઈના ચીફ હતા ને તેમણે પણ ગયા મહિને જનરલ બાજવા સાથે નિવૃત્તિ લીધી હતી.
મેજર આદિલ રઝાએ નેતાઓને પોતાની માયાજાળમાં ફસાવવાના આર્મીના પૂણ્યકાર્યમાં કઈ કઈ એક્ટ્રેસ સામેલ છે તેનો ઈશારો પણ કર્યો છે. મેજર રઝાએ ચાર અભિનેત્રીઓના શોર્ટ નેઈમ એટલે કે ઈનિશિયલ્સ આપી છે. મેજર રઝાના દાવા પ્રમાણે એમએચ, એમકે, કેકે અને એસએ એ ચાર એક્ટ્રેસ આ રેકેટમાં સામેલ છે. મેજર રઝાએ કરેલા ઈશારા પછી લોકોએ બહુ અટકળો કરવાની જરૂર રહી નથી. પાકિસ્તાની મિડિયામાં મહવિશ હયાત, માહિરા ખાન, કુબ્રા ખાન અને સજલ અલી એ ચાર એક્ટ્રેસ સેક્સકાંડમાં સામેલ હોવાની શક્યતા છે એવી વાતો વહેતી થઈ જ ગઈ છે.
સ્વાભાવિકરીતે જ કોઈ પણ એક્ટ્રેસ આવા ગંદા કામમાં પોતે સામેલ છે એવું ના જ સ્વીકારે પણ મજાની વાત એ છે કે, જેમનાં નામ ઉછળ્યાં છે તેમાંથી બે એક્ટ્રેસ સાવ ચૂપ છે. ચારમાંથી બે એક્ટ્રેસે આ વાતોને ખોટી ગણાવીને મેજર આદિલને માફી માગવા કહ્યું છે.
કુબ્રા ખાન અને સજલ અલીએ કહ્યું છે કે, તેમના પર લગાવવામાં આવેલા આક્ષેપો બકવાસ છે. કુબ્રા ખાને સોશિયલ મીડિયા પોસ્ટ લખીને ચીમકી આપી છે કે, હું મેજર રઝાને ૩ દિવસનો સમય આપું છું. મેજરે માફી માંગીને આક્ષેપ પાછો ખેંચવો જોઈએ. મેજર માફી નહીં માગે તો હું તેમની સામે ચારિત્ર્ય માનહાનિનો કેસ કરીશ.
એસએ એટલે કે સજલ અલીએ મેજર આદિલનું નામ લીધા વિના સવાલ કર્યો છે કે, આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે? દેશમાં નૈતિકતા નામની ચીજ જ રહી નથી એ ખૂબ જ દુ:ખદ છે. લોકોની આબરૂ સાથે રમત રમાઈ રહી છે. સજલે કાયદાકીય કાર્યવાહીની ધમકી પણ આપી છે પણ મેજર રઝાનું નામ લીધું ન હતું. બાકીની બે અભિનેત્રીઓ માહિરા ખાન અને માહવિશે તો હજુ સુધી આ મામલે હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી તેના પરથી મેજર રઝાની વાતમાં દમ લાગે છે.
આ અભિનેત્રીઓ શું કરશે એ ખબર નથી પણ આ આખો ઘટનાક્રમ પાકિસ્તાનમાં કેવું ગંદુ ને હલકી કક્ષાનું રાજકારણ ચાલે છે તેનો પુરાવો છે. છેલ્લા કેટલાક સમયથી ઈમરાનની સેક્સ ઓડિયો ને વીડિયો ટેપ ફરતી થઈ છે. તેનાં મૂળ શેમાં છે તેનો પણ સંકેત આ ઘટનાક્રમ પરથી મળે છે.
જનરલ કમર જાવેદ બાજવા અને લેફ્ટનન્ટ જનરલ
ફૈઝ હમીદ એક સમયે ઈમરાનના ચુસ્ત સમર્થક મનાતા હતા. બાજવા અને હમીદે જ ઈમરાનને સત્તામાં લાવવા માટેની
સ્ક્રિપ્ટ લખી હતી એવું કહેવાય છે. ઈમરાન શરૂઆતમાં બંનેના ઈશારે ચાલતો પણ પછી ઈમરાન અને બાજવા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી જતાં છેવટે આર્મીએ ઈમરાનની વિદાયનો તખ્તો તૈયાર કરીને શાહબાઝ શરીફની તાજપોશી કરાવી દીધી.
ઈમરાન માટે આ બોધપાઠ હતો ને તેણે સમજી જવાની જરૂર હતી કે, આર્મી સામે ભિડાવામાં મજા નથી પણ ઈમરાન ના સમજ્યો. ઈમરાન હજુ લડાઈના મૂડમાં છે ત્યારે જ એક પછી એક તેની સેક્સ ઓડિયો ટેપ બહાર આવી રહી છે. ઈમરાન આ પછી પણ ના સમજે તો તેની આખી ફિલ્મ પણ બહાર આવી જાય એવું બને.