કચ્છ જળસીમામાં ₹ ૨૦૦ કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ પકડાઈ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું: ગુજરાત એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે એક સંયુક્ત અભિયાન દ્વારા ગુજરાતના સાગરકિનારેથી પકડાયેલી પાકિસ્તાની બૉટમાંથી ૨૦૦ કરોડની કિંમતનું ૪૦ કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. (પી.ટી.આઇ)

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ગુજરાત ત્રાસવાદ વિરોધી દળ તેમજ કોસ્ટગાર્ડે હાથ ધરેલા સંયુક્ત ઑપરેશનમાં કચ્છની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી પાકિસ્તાની બોટમાં આવેલા છ ઘૂસણખોરોને ઝડપી લીધા બાદ બોટની તલાશી દરમ્યાન તેમાંથી અંદાજિત ૨૦૦ કરોડના ૪૦ કિલો જેટલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. પંજાબની જેલમાં બંધ નાઇજિરિયન શખસે આ ડ્રગ્સ મંગાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું હતું. ડ્રગ્સ સાથે કુલ છ પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઑપરેશન કરી કોસ્ટગાર્ડની બે ફાસ્ટ એટેક બોટોએ ગુજરાતના જખૌ કિનારે ૩૩ નોટિકલ માઈલ દૂર ભારતીય જળસીમાની છ માઈલ અંદર એક પાકિસ્તાની બોટને ૨૦૦ કરોડની કિંમતના
૪૦ કિલો ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની ગયું હોય તેમ છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી ૧૪ વખત ડ્રગ્સ પકડાયું છે. જેમાં ૨૩મી એપ્રિલ ૨૦૨૨એ વડોદરામાંથી સાત લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, ૨૧મી એપ્રિલ ૨૦૨૨એ કંડલા પોર્ટ પરથી ૨૫૦ કિલો ડ્રગ્સ ઝડપાયું, ત્રીજી માર્ચ ૨૦૨૨એ અમદાવાદ ઍરપોર્ટ પરથી ૬૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ૧૨મી ફેબ્રુઆરી ૨૦૨૨એ અરબી સમુદ્રમાંથી ૮૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયું, ૧૫મી નવેમ્બર ૨૦૨૧એ મોરબીમાંથી ૬૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ૧૦મી નવેમ્બર ૨૦૨૧એ દ્વારકામાંથી ૬૫ કિલો ડ્રગ્સ ઝડપાયું, ૧૦મી નવેમ્બર ૨૦૨૧એ સુરતમાંથી ૫.૮૫ લાખનું ડ્રગ્સ ઝડપાયું, ૨૪મી ઑક્ટોબર ૨૦૨૧એ અમદાવાદમાંથી ૨૫ લાખનું ડ્રગ્સ ઝડપાયું, ૧૨મી ઑક્ટોબર ૨૦૨૧એ બનાસકાંઠામાંથી ૧૧૭ ગ્રામ ડ્રગ્સ ઝડપાયું, ૧૦મી ઓક્ટોબર ૨૦૨૧એ સાબરકાંઠાથી ૩૮૪ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું, ૨૭મી સપ્ટેબર ૨૦૨૧એ બનાસકાંઠાથી ૨૬ લાખનું ડ્રગ્સ ઝડપાયું, ૨૪મી સપ્ટેબર ૨૦૨૧એ સુરતથી ૧૦ લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું, ૨૩મી સપ્ટેબર ૨૦૨૧એ પોરબંદરના દરિયામાંથી ૧૫૦ કરોડનું ડ્રગ્સ જપ્ત, ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૧એ મુંદ્રા પોર્ટ પરથી ૩૦૦૦ કિલો ૨૧ હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવી ચુક્યો છે.
આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ ભારતમાં કાશ્મીર અને પંજાબની સરહદનો ડ્રગ ઘૂસાડવા ઉપયોગ કરતા હતા પણ કાશ્મીર અને પંજાબમાં બદલેલી સ્થિતિની બદલે ત્યાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવાતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ ભારતમાં કેફી દ્રવ્યો ઘૂસાડવા ગુજરાતના સાગરકાંઠાનો રસ્તો પકડ્યો છે.
જાણકારોના જણાવ્યા મુજબ આજથી છ વર્ષ પહેલાં એટલે કે ઈ.સ ૨૦૧૬થી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ ભારતમાં કેફી દ્રવ્યો ઘુસાડવા ગુજરાતના સાગરકાંઠાનો ઉપયોગ શરૂ કર્યો હોવાનું ચિત્ર ઊભું થવા પામ્યું છે. શ્રીલંકન કોકેઈન, બલુચી હેરોઇન પણ કચ્છમાંથી આ અગાઉ ઝડપાઇ ચૂક્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.