પાકિસ્તાનના માથે આર્થિક સંકટ ઘેરુ બની રહ્યું છે. આર્થિક સંકટને કાબૂમાં લેવા માટે તે નવી રીત શોધી રહ્યું છે. અગાઉ તેણે દેશના ગધેડાઓની નિકાસ કરી હતી. આંતરિક કલહ, આતંકવાદથી ઘેરાયેલા પાકિસ્તાને હવે દેવામાંથી બચવા તેની અમેરિકા સ્થિત જૂના દૂતાવાસની ઇમારતને વેચવાનો નિર્ણય લીધો છે. જોકે, દૂતાવાસની ઇમારતને વેચાણ માટે મૂકવામાં આવી હોય તેવી આ પહેલી ઘટના નથી. શરીફ આ પહેલા સાઉદી અરેબિયા અને યુરોપમાં પણ આમ કરી ચૂક્યા છે.
તાજેતરમાં માહિતી અને પ્રસારણના ફેડરલ પ્રધાન મરિયમ ઔરંગઝેબે જણાવ્યું હતું કે કેબિનેટે પાકિસ્તાન દૂતાવાસની માલિકીની વોશિંગ્ટનમાં એક બિલ્ડિંગની હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે $4.5 મિલિયનની અગાઉની બિડને બદલીને $6.9 મિલિયનની રકમને મંજૂરી આપવામાં આવી છે.
આતંકવાદને સતત પ્રોત્સાહન આપતા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સાવ કથળી ગઇ છે અને દેશ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે, દેશમાં મોંઘવારીએ પણ માઝા મૂકી છે. પાકિસ્તાનના ચલણનું પણ સતત અવમૂલ્યન થઇ રહ્યું છે. એક અમેરિકન ડોલરના 224.63 પાકિસ્તાનના રૂપિયાનો ભાવ બોલાઇ રહ્યો છે. પાકિસ્તાનની નિકાસ પણ સતક ઘટી રહી છે. આયાતની ચૂકવણી કરવા માટે પણ તેની પાસે પૂરતા નાણા નથી, જેને કારણે ઇરાન અને અફઘાનિસ્તાનમાંથી થતી આયાત પણ ઘટી ગઇ છે.