ઈંધણના ભાવમાં વધારો દક્ષિણ એશિયાઈ રાષ્ટ્ર પાકિસ્તાનના પહેલાથી જ બોજા હેઠળ દબાયેલા નાગરિકોને વધુ પીડા આપી રહ્યા છે. હાલમાં પાકિસ્તાન ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે આઇએમએફ પાસેથી લોન મેળવવા પાકિસ્તાનની સરકાર ઘૂંટણિયે પડી ગઇ છે અને તેની આકરી શરતો માનવાની શરૂ કરી દીધી છે. આઇએમએફની શરતો મુજબ પાક સરકારે નાગરિકો પર મસમોટા કરવેરા ઝીંકી દીધા છે, જે લોકોની કમર તોડી નાખશે. પાકિસ્તાનમાં નાગરિકો એક લિટર પેટ્રોલ માટે હવે PKR 272 ચૂકવશે. ઇંધણના ભાવમાં નવેસરથી વધારા પછી એક લિટર ડીઝલની કિંમત PKR 280 થશે. શેહબાઝ શરીફ સરકારે પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં સપ્લીમેન્ટરી ફાઇનાન્સ બિલ રજૂ કર્યાના થોડા કલાકો બાદ જ વધારા અંગેની જાહેરાત કરવામાં આવી છે. સરકારે માલસામાન અને સેવા કરને વધારીને 18 ટકા કરવાની દરખાસ્ત કરી છે. વર્તમાન આર્થિક કટોકટીનો સામનો કરવા માટે આઅએણએફની શરત મુજબ PKR 170 બિલિયનની આવક વધારવાનો હેતુ છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ પેટ્રોલના ભાવમાં PKR 22.20 નો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં લગભગ PKR 17 નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કેરોસીન તેલ પણ મોંઘું થયું છે અને તે PKR 202.73 પ્રતિ લિટરના ભાવે વેચાશે. નવી કિંમતો ગુરુવારે સવારે 12 વાગ્યાથી અમલમાં આવી ગઇ છે. તેલના ભાવમાં વધારો અપેક્ષિત હતો કારણ કે તે નિર્ણાયક નાણાકીય સહાય મેળવવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા નિર્ધારિત શરતોમાંની એક હતી. જોકે, આનાથી દેશમાં ફુગાવામાં વધુ વધારો થશે એવું પાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે. પાકિસ્તાનમાં મૂળભૂત ચીજવસ્તુઓ પણ હવે અત્યંત ઊંચા ભાવે છૂટક વેચાણ કરી રહી છે. દાખલા તરીકે, કટોકટીગ્રસ્ત દેશમાં એક લિટર દૂધનો છૂટક વેચાણ દર PKR 210 છે, જ્યારે એક કિલો ચિકનની કિંમત PKR 700-800 છે. ઘઉં, કઠોળ અને શાકભાજી જેવી અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પણ ઊંચા રહે છે. પાકિસ્તાનની હાલની નબળી આર્થિક
પરિસ્થિતિને જોતાં, મૂડીઝે પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 2023ના પહેલા છ મહિનામાં ફુગાવો ઊંચો રહેવાની આગાહી કરી છે. જોકે, દેશને તેની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે IMF બેલઆઉટ પેકેજ કરતાં ઘણી વધુ જરૂર પડી શકે છે.