પાકિસ્તાનમાં ઘઉંના લોટની કિંમત રૂ.200ને પાર, બે ટંક ખાવાના પણ ફાંફાં..

45

પાકિસ્તાનમાં ખોરાકની ભારે અછત સર્જાઇ છે. લોકો બે ટંકના ભોજન માટે ટળવળી રહ્યા છે. પાકિસ્તાનમાં ઘઉંનો લોટ એટલો મોંઘો થઈ ગયો છે કે ગરીબ માણસ તેને ખરીદવા પણ સક્ષમ નથી. એક કિલો લોટની કિંમત રૂ. 200ને પાર કરી ગઈ છે અને હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોટનું વેચાણ બંદૂકની છાયામાં થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં લોટ માટે ઘમસાણ મચ્યું છે.
હજારોની ભીડ વચ્ચે કેટલાક લોકો ઘઉંના લોટના થેલાઓ પર બેઠા હતા, પરંતુ તેમ છતાં આ બોરીઓ લૂંટવાની હોડ લાગી હતી. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બોરીઓ લોટથી ભરેલી હતી. જેને જોઈને લોકો તૂટી પડ્યા હતા. હજારો લોકો ભેગા થાય તો લોટ લૂંટીને ભાગી ના જાય એ માટે પાકિસ્તાની પોલીસે પોતાની બંદૂકો બહાર કાઢવી પડી હતી. પાકિસ્તાનમાં ઠેકઠેકાણે આવી ઘટના બની રહી છે.
હાલમાં પાકિસ્તાન ઘઉંના સંકટનો સામનો કરી રહ્યું છે. લોટના ભાવ આસમાને છે. ગરીબ લોકો માટે રોટલી મેળવવી પણ મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકાર લોકોને સબસિડી પર લોટ આપી રહી છે. પરંતુ જેવો લોટ લોકો સુધી પહોંચ્યો કે ભૂખથી ટળવળથી જનતાએ એને ઝૂંટવી લેવા દોટ મૂકી હતી અને પરિણામે પાકિસ્તાની પોલીસે બંદૂકોના આશ્ર્રયમાં લોટ વહેંચવાની ફરજ પડી હતી
લોટને લઈને ધિંગાણાની આ વાત માત્ર બલૂચિસ્તાનની નથી. સિંધ પ્રાંતમાંથી પણ આવા જ સમાચાર બહાર આવ્યા છે. સિંધના મીરપુરમાં, ખાદ્ય વિભાગ તરફથી ટ્રક પર લાવવામાં આવેલા લોટના પેકેટ જોઈને ભીડ એકઠી થઈ ગઈ અનેલૂંટ મચાવી હતી. લોટ ઝૂંટવવામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પાકિસ્તાન સરકાર વતી લોટના વિતરણ દરમિયાન અકસ્માતો ટાળવા માટે સશસ્ત્ર પોલીસ તૈનાત કરવામાં આવી છે. આમ છતાં ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ બની રહી છે. સૌથી ખરાબ સ્થિતિ ખૈબર પખ્તુનખ્વામાં છે. જ્યાં લોટની ટ્રક જોતા. મહિલાઓ પણ તેના પર તૂટી પડે છે કારણ કે હાલમાં પાકિસ્તાનમાં એક કિલો લોટની કિંમત 200 થી વધુ છે. પરંતુ સરકાર તરફથી લોટ 65 રૂપિયા પ્રતિ કિલોના સબસિડી દરે વેચાઈ રહ્યો છે. એક પરિવારને માત્ર પાંચ કિલો લોટ આપવામાં આવે છે. પાકિસ્તાનમાં ખાધ સંકટ દિવસે દિવસે ઘેરું બનતું જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!