Homeઈન્ટરવલપૈસા યહ પૈસા, પૈસા હૈ કૈસા? નહી કોઈ ઐસા, જૈસા યહ પૈસા!

પૈસા યહ પૈસા, પૈસા હૈ કૈસા? નહી કોઈ ઐસા, જૈસા યહ પૈસા!

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

ભારત પાસે રેકર્ડ રિઝર્વ ફંડ એકઠું થયું અથવા ઘટી ગયું, સામા પક્ષે જીડીપી રેકર્ડ રીતે ઘટી રહી છે અને રોજગારી પર અનેક પ્રશ્ર્નો છે. આ વાતોને સમજવાની કોશિષ કરીએ ત્યાં બજેટની વાતો શરૂ થાય. બજેટ આવે એટલે કેટલાક ભારેખમ શબ્દો સાંભળવા મળે. એક્સપેન્ડચર બજેટ, બજેટરી ડેફિસિટ, ડેપ્ટ, ફાઇનાન્સ બિલ, ફિસ્કલ પોલિસી, નોન પ્લાન એક્સપેન્ડચર, રેવન્યુ, રિસોર્સ. થાકી જવાય.
એક તો આપણો ઇકોનોમિક્સમાં ટપ્પો પડે નહીં, જેમ બે બેડરૂમ હોલ કિચનના ફ્લેટને વાસ્તુદેવ શું કામ પજવે, બસ એવું જ બજેટ એટલે પૈસાની વાતો રૂપિયા ક્યાંથી આવશેને ક્યાં જશે? આપણને ચોક્કસ થાય કે, કરન્સીની માનવજાતને શું જરૂર પડી હશે? માણસજાત જંગલમાં શિકાર કરીને ભટકતી રહેતી હતી ત્યારે ખાસ જરૂરિયાત હતી નહીં, સ્વાભાવિક છે કે તેને કરન્સી શોધવાની જરૂર ન હતી, પર્સ જ ન હતું. ધીમે ધીમે માણસનો એક સ્થાન પર સમૂહમાં વસવાટ શરૂ થયો, ખેતી તથા કપડા સહિત નવી આવશ્યકતાઓની જરૂર પડવા લાગી. આ તબક્કે વિનિમય પદ્ધતિ શરૂ થઈ હશે પણ એમાં સમસ્યાઓ આવી હશે દરેક વસ્તુ એકસરખી કિંમતની ન હોય, બે બળદ સામે બે બકરી ના ચાલે. વિનિમયના નામે દરેક વસ્તુઓના ટુકડા ન કરી શકાય અને આદાનપ્રદાન દરમિયાન કિંમત સરખી થવી જોઈએ. હવે શું કરવું?
સૌથી પહેલાં સોનાના ઉપયોગથી બિઝનેસ શરૂ થયો, પણ જામ્યું નહીં. ધીમે ધીમે સસ્તી ધાતુઓના ટુકડાઓનો કરન્સી તરીકે ઉપયોગ શરૂ થયો બસ, જેવું આદાનપ્રદાન શરૂ થયું કે, ઇકોનોમી વિકસીને છેક બજેટ સુધી પહોંચી ગઇ.
ભારતની કરન્સી વિશે પણ બે મતો છે. એક મતે કરન્સીના કોઇન્સનો કોન્સેપ્ટ તથા ડિઝાઇન ગ્રીસથી આવ્યો હતો, બીજો મત આપણો કોન્સેપ્ટ હોવાનું માને છે. ગ્રીકવાળા કહે છે કે સિકંદર સિક્કા લાવ્યો, પણ ભારતમાં તેના આવતાં પહેલા કરન્સી હતી. સિન્ધુ સંસ્કૃતિ સમયે કરન્સી ન હોવા અંગે દેશી વિદેશી લગભગ એકમત ધરાવે છે.
વૈદિક યુગમાં વિનિમય પ્રથા હતી, ઉપનિષદથી માંડી બૌદ્ધ યુગ સુધી કરન્સી સમજાવા લાગી હતી, મૌર્ય યુગમાં તો અર્થશાસ્ત્ર પણ આવી ગયું હતું. મિન્સ, માણસ સમજણો થયો ત્યારથી ઇકોનોમિક્સનો સિલેબસ આવી ગયો હતો. સરવાળે એટલું સમજાયું કે ભારતીય ઉપખંડમાં સત્યાવીસસો વર્ષથી સિક્કા ખણખણે છે. આ વાતો વાંચતા થયું કે ચાલો કરન્સીને વાયા ઇકોનોમી થઈ સમજીએ… આખું વર્ષ આ સમાચાર વાંચતા વાંચતા બજેટનો સમય આવ્યો. બજેટ સાથે કરન્સી જોડાયેલી છે. કરન્સીની માતા એવા કોઇન્સની વિશાળ દુનિયા છે.
પૈસાની વાતો સાંભળીએ એટલે પાછી કોઇન્સની ઇન્ટરેસ્ટિંગ કહાનીઓ યાદ આવે, આશરે પચીસસો વર્ષ પહેલાં શિશુનાગ વંશની મુદ્રાઓ ભારતીય ઉપખંડમાં પ્રારંભિક કહી શકાય. આ મુદ્રાઓનો ખાસ કોઈ આકાર ન હતો પણ તેના પર ઝાડની પ્રતિકૃતિ અને પૌરાણિક એવી બ્રાહ્મી ભાષામાં લખાતું. કોઇન્સની સિસ્ટમેટિક ઓળખ નંદવંશમાં થઈ. ઓળખ્યું ને આ ચાણક્ય ફેમ નંદવંશને? નંદોના સમયે તાંબા પર ચાંદીનો ઢોળ ચડાવવા સાથે વજન અને માપની શરૂઆત થઈ. નંદવંશ અતિ ધનાઢ્ય હતો, કેટલાક તો એવું માને છે કે મિન્ટની શરૂઆત જ નંદવંશમાં થઈ.
નંદો ગયાને ચાણક્યવાળા મૌર્ય રાજાઓ આવ્યા, પહેલીવાર કોઇન્સ સાથે ઇકોનોમીના રુલ્સ બન્યા. રિઝર્વ બૅન્કના ગવર્નરની જેમ કોઇન્સના વહીવટદારનો હોદ્દો બન્યો, મૌર્ય સિક્કાઓમાં મુખ્યત્વે પર્વત હોય કે મોરનો આકાર હતો. મૌર્યો ગયાને શૃંગ રાજવીઓ આવ્યા, પહેલીવાર કોઇન્સ પર વંશના નામનો ઉલ્લેખ થયો. કોઇન્સ પર શૃંગ વંશ એવું લખાણ લખવામાં આવ્યું.
મૂળ પ્રશ્ર્ન, કોઇન્સને આધુનિક કોણે કર્યા? એ સમયે ભારતમાં ગ્રીકોને ખૂબ રસ હતો સિકંદરના આગમન પહેલા પણ ગ્રીકો હુમલા કરી ચૂક્યા હતા અને સિકંદર પછી તો અહીં આવીને સામ્રાજ્ય બનાવ્યું. ગ્રીક મિલિન્દ જેવા બૌદ્ધ અહીં રાજા બન્યા અને ભારતની ભૂમિમાં ઓગળી ગયાં સિક્કાની એક તરફ ગ્રીક ભાષા અને બીજી તરફ સ્થાનિક ખરોષ્ટિ જેવી લિપિ.
ગ્રીકોના કોઇન્સે યુરોપના દેવદેવીઓ અને ભારતીય દેવદેવીઓનું પરફેક્ટ ફ્યુઝન કર્યું.
ભારતમાં તે સમયે ભગવાન શ્રીકૃષ્ણના બાળસમયની જે શાસન વ્યવસ્થા વિશે વાત થાય છે એ ગણરાજ્ય પરંપરા હતી. લગભગ આઠસો વર્ષ સુધી અંશત: લોકશાહી પ્રણાલી જેવી આ પદ્ધતિમાં તાંબાના કોઇન્સ બનતાં હતા, જેમાં સનાતન ધર્મના ભગવાનનો સ્પષ્ટ રીતે ઉલ્લેેખ દેખાવા લાગ્યો. સિકંદર સામે યોધેય નામના સમૂહે આક્રમક સામનો કર્યો હતો, તેમના કોઇન્સમાં સનાતની દેવદેવતાઓ જોવા મળે છે.
ભારતમાં શક સંહિતા ક્યાંથી પ્રચલિત થઈ? શકો મૂળ પશ્ર્ચિમ ચીનમાં વસતાં, અલગ અલગ આક્રમણથી કંટાળીને મધ્ય એશિયા થઈ અફઘાનિસ્તાન વસ્યા. શકોએ હુમલા કરીને પેલા ગ્રીક રાજાઓને હરાવ્યા અને પોતાનું શાસન શરૂ કર્યું. ભારતીય ઉપખંડમાં વસ્યા અને શુદ્ધ સનાતની ભારતીય બની ગયા શકોમાં બે વંશ, બંને વંશમાં પ્રતાપી રાજાઓ થયા. રુદ્રદામનના સમયથી કોઇન્સ પર સ્વસ્તિક આવ્યું.
આપણે વાત કરવી છે, કુષાણોની આ બધા ભારતીય ઉપખંડમાં આવતા રહ્યા, અહીં કોઇ રાજા બન્યું તો કોઇ સરદાર પણ આ ધરતીમાં સમાતા ગયા. શક્ય છે કે આપણી આસપાસ તેમના જ વારસદાર રહેતા હોય
કુષાણો કોણ હતા? મૂળે આ પ્રજા પણ પશ્ર્ચિમ ચીનથી આવી. યુ ચી પ્રજા સારા નિવાસસ્થાન શોધતી મધ્ય એશિયા પહોંચી, તેમાં પાંચ ભાગ થયા. જે પૈકી એકભાગ કુષાણો કહેવાયા, જેમણે બાકીના ચારને હરાવ્યા અને પોતાનામાં સમાવી લીધા. ઉત્તર ભારતમાં સામ્રાજ્ય બનાવ્યું. એક માન્યતા અનુસાર કુષાણ રાજા કનિષ્કે શક સંવતની શરૂઆત કરી હતી. કુષાણો ફરતાં ફરતાં આવેલા એટલે એમના કોઇન્સમાં ગ્રીસના દેવીદેવતાઓ, ઈરાનના દેવીદેવતાઓના અને ભારતીય દેવીદેવતાઓ જોવા મળે છે. શિવ સાથે
શક્તિ તથા બાણાવટી ગણેશના આર્ટિસ્ટિક કોઇન્સ કુષાણોના રાજ્યમાં જોવા મળે છે. કુષાણ રાજા વિમ કૈડફિસેઝ ભગવાન શિવનો અનન્ય ભક્ત હતો. ભગવાન શિવની મુદ્રાઓ, ત્રિશૂળ, શિવ સાથે નંદી જેવા શાનદાર કોઇન્સ બનાવ્યા. વિમ પછી પહેલી
સદીમાં કનિષ્ક નામનો મહાપ્રતાપી કુષાણ રાજા આવ્યો, જે જીવનના અંતિમ સમયમાં બૌદ્ધ બની ગયો પણ કોઇન્સમાં કલાત્મક વિવિધતા ચાલુ રાખી હતી. કનિષ્ક પછી હુવિષ્ક આવ્યો.
કુષાણોના સમયમાં જે સિક્કા બન્યા એ સિક્કાઓમાં ગ્રીક દેવતાઓ, ઇરાની દેવતાઓ અને સનાતની દેવતાઓના પરફેક્ટ ફ્યુઝન થયા અને દેવતાઓના વધુ સારા સ્વરૂપ જોવા મળ્યા. ખાસ કરીને ઇન્દ્ર, અગ્નિ, સૂર્ય, ચંદ્ર જેવા દેવોના આધુનિક સ્વરૂપના દર્શન થયા. કુષાણો પંજાબથી માંડી બંગાળ સુધી ભારતની ભૂમિમાં સનાતની બનીને ઓગળી ગયા.
આ બધી વાતોનો શો મતલબ? આપણે જે કોઇન્સની વાતો કરીએ છીએ એમાં તે સમયની એટલે કે બે હજાર વર્ષ પહેલાંની ફેશન, હેર સ્ટાઇલથી માંડીએ જીવનશૈલી વિશે માહિતી મળે છે. કનિષ્ક કે હુવિષ્કના સિક્કા જોઈએ તો ખબર પડે કે બે હજાર વર્ષ પહેલાં ઓવરકોટની ફેશન હતી, રાજા પાઘડી પહેરતા અને વિશિષ્ટ ગાદી પર રાજદંડ લઇને બેસતા હતા. રાજા ભાલો વાપરતા હતા. રાજા ચૂડીદાર પાયજામો પહેરતા હતા.
તે સમયના કોઇન્સમાં ભગવાન શિવ એક હાથમાં ત્રિશુલ અને બીજા હાથમાં કમંડળ રાખતા હોવાનું દર્શાવાતું હતું. વેદીમાં આહુતિની પરિકલ્પનાને ય કોઇન્સમાં દર્શાવવામાં આવી છે.
ત્રીજી સદીમાં ગુપ્તવંશના પ્રતાપી રાજવીઓએ વિદેશી ડિઝાઇન દૂર કરી, જે સારું હતું તેનું ભારતીય કરણ કર્યું અને ભગવાનોને પૂર્ણ ભારતીય સ્વરૂપ આપ્યું, જે મહદઅંશે હાલ આપણી સમક્ષ છે.
સામાન્ય માન્યતા છે કે આપણને ભદ્ર બનાવવામાં બ્રિટિશ હાથ છે પણ અઢી હજાર વર્ષ પહેલાં આપણો ભદ્રસમાજ હતો, આપણા જીન્સમાં ભદ્રતા વસેલી છે, તો જ બધી દિશાઓના શુભ વિચારનો આદર કરી શકીએ.
બે હજાર વર્ષ પહેલાં કોઇન્સ બન્યા અને તેનું મૂલ્ય પ્રજાને સમજાતું ગયું. સામાન્ય જીવનમાં કોઇન્સની અગત્યતા સમજાતા પરિણામ એ આવ્યું કે ગુપ્ત વંશ સત્તા પર આવતાં શ્રી મિન્સ લક્ષ્મીજી કોઇન્સમાં પધાર્યા. ભગવાન વિષ્ણુની ભક્તિ વધી અને નામની આગળ શ્રી લખવાની પરંપરા શરૂ થઈ.
પ્રશ્ર્ન એ થાય કે આ તો મોટા રાજપરિવારોની કળાની વાત છે પણ ઉત્તર ભારતના બીજાં નાનાં મોટા ંરાજ્યોનો કળા પરત્વે અભિગમ કેવો હશે?
ભારતમાં બે હજાર વર્ષમાં પણ અનેક નાનાં મોટાં રાજ્યો હતાં. આ રાજ્યોના સિક્કાઓનો અભ્યાસ કરવાથી ખબર પડે છે તે પણ સમૃદ્ધ સમાજનો હિસ્સો હતા. એ યુગના ભારતીય વિસ્તારોમાં સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ હાલના સમય કરતાં વધુ આધુનિક હોય એવું લાગે. બંગાળના સિક્કાઓમાં તે સમયે પણ રાજાઓ એક તરફ પોતાનો ધ્વજ અથવા નિશાન રાખતા પણ બીજી બાજુ સરસ્વતી માતા જોવા મળતાં, મિન્સ કે એ યુગમાં જ્ઞાનનું મહત્ત્વ હતું. હા, લક્ષ્મીજી પણ કોઇન્સ પર જોવા મળે છે.
હૂણોના શાસનનો ગુપ્ત યુગમાં લગભગ ખાત્મો કરી દેવામાં આવ્યો હતો, પણ છઠ્ઠી સદીમાં પાછાં નાનાં રાજ્યો બન્યાં. હૂણોના રાજ્યમાં સિક્કા પર લક્ષ્મી મળે છે બાય ધ વે, હૂણોના સિક્કા ગુજરાતમાં પણ મળે છે. એનો અર્થ કે બધા આપણી આસપાસ જ વસી ગયા છે.
આઠસો હજાર વર્ષ પહેલા હનુમાનજી અને ગણેશજી મધ્ય અને પશ્ર્ચિમ ભારતના રાજવીઓના કોઇન્સમાં આવ્યા. ધીમે ધીમે રાજ્યોનું ક્ષેત્રફળ ઘટતા કોઇન્સ પર નવીનતા પણ ઘટવા લાગી, સોનાના સિક્કા પણ ઘટવા લાગ્યા કારણ કે ઓછી આવકમાં સમૃદ્ધિ ઘટી હશે અને આક્રમણ સામે ખર્ચ વધ્યો હશે. ગુજરાતમાંથી મોટાભાગનો વેપાર થતો હોવાથી સોનાના કોઇન્સ જોવા મળતા હતા.
સોશિયલ મીડિયામાં એક વિષય ચર્ચામાં રહે છે કે મધ્યકાલીન યુગમાં દક્ષિણ ભારતમાં હિન્દુ શાસન હતું, તો ક્યા વંશ અને કેવા શાસક હતાં?
દક્ષિણ ભારત તો સનાતન ધર્મ માટે ચૈતન્ય ભૂમિ છે, ત્યાં શું હાલત હતી? દક્ષિણ ભારતમાં ચાલુક્યો જાણીતા છે, તેમણે ચારસો કરતાં વધુ વર્ષ ગોદાવરી નદીની આસપાસના વિસ્તારોમાં રાજ્ય કર્યું. આ રાજાઓની વીરતાની અનોખી કથાઓ છે, વરાહ ભગવાન પર અનન્ય શ્રદ્ધા રાખતા હતા. આપણે ભગવાનનો વરાહ અવતાર યાદ પણ કરવો પડે ભારતીય ફિલોસોફીમાં મત્સ્ય ન્યાય અભ્યાસનો વિષય છે, ચાલુક્ય રાજાઓ તેના અભ્યાસુ હશે. ચાલુક્યોના કોઇન્સ પર ભગવાન વરાહના સ્વરૂપ જોવા મળે છે.
દક્ષિણ ભારતમાં સાતવાહન રાજાઓનું સામ્રાજ્ય હતું, તેમના સમયમાં ભઠ્ઠીમાં ધાતુ ગરમ કરી ડાઇ બનાવીને સિક્કા પર ઉપસાવવાનું વિજ્ઞાન શરૂ થયું. સનાતન ભગવાનોની સાથોસાથ તેમનાં વાહનો પણ સ્વતંત્ર કોઇન્સ પર આવ્યા
દક્ષિણ ભારતમાં કાંચીના પલ્લવ રાજાઓ સંગઠિત અને શક્તિશાળી હતા. પલ્લેવોનું રાષ્ટ્રીય પશુ વૃષભ મિન્સ બળદ હતું. પહેલાં કોઇન્સ પર વૃષભ રાખતાં પણ કાળક્રમે ફેરફાર કરીને સિંહ રાખતા થયા હતાં. પલ્લવોના સિક્કાઓમાં વહાણો પણ હતાં, શું સમજ્યા? ભારતીય વેપારમાં વર્ષોથી દો કદમ આગળ જ હતાં
દક્ષિણ ભારતના ઉત્તર પશ્ર્ચિમ ભાગમાં કદમ્બ વંશ હતો, મિન્સ ગોવાથી કર્ણાટકનો કેટલોક વિસ્તાર માની શકાય. કમળ અને સિંહ ઉપરાંત હનુમાનજી સાથે નાતો વધુ હશે આ ત્રણેય તેમના કોઇન્સમાં દેખાય છે. હનુમાનજી સાથે સમય જતાં ભૈરવનાથ પણ કોઇન્સમાં આવ્યા. આપણે માનીએ છીએ એના કરતાં ભારતનો કોઇન્સનો ઇતિહાસ વધુ સમૃદ્ધ છે, સવાલ એ છે કે બધું અસંખ્ય ગ્રંથોમાં લખ્યું છે પણ વાંચવું નથી અને સિસ્ટમને જવાબદાર બનાવવી છે
ગંગવંશના રાજાઓએ તો પ્રકૃતિના વિવિધ સ્વરૂપને પણ ભગવાન તુલ્ય માન્યા હતા. તમિલમાં થયેલું અતિ શક્તિશાળી રાજ્ય ચોલવંશને કેવી રીતે ભૂલાય? ચોલરાજાઓના સમયમાં ધાતુ પર નવા પ્રયોગો થયા હતાં. ચોલ સામ્રાજ્ય પશ્ર્ચિમમાં કેરળ સુધી અને ઉત્તરમાં મહારાષ્ટ્રના છેડા સુધી પહોંચ્યું હતું. રાજેન્દ્ર પ્રથમ અથવા રાજેન્દ્ર ચોલ અત્યંત શૂરવીર રાજા થયો, મલ્લ યુદ્ધમાં નિષ્ણાત એવા રાજેન્દ્ર ચોલનું નિશાન પણ મલ્લ યુદ્ધ હતું. તેના કોઇન્સ પર વાઘ, માછલી અને જહાજો જોવા મળે છે. એનો અર્થ કે લડાઇથી વેપાર સુધી ચૌલો શ્રેષ્ઠ હતા. ચાલુક્ય રાજાનું મોસાળ એટલે ચૌલ વંશ તેમનો ઇતિહાસ વાંચવા જેવો છે, ઇન્ટરેસ્ટિંગ છે. બંને વંશોએ સંયુક્ત રીતે પરાક્રમો કર્યા છે.
કેરલ, બેલૂર કે હાલના તેલંગાણામાં પણ અનેક રાજવંશો આવ્યા, દક્ષિણ ભારતમાં વહાણ, મત્સ્ય અને પ્રકૃતિને ખૂબ સન્માન આપવામાં આવ્યું છે, જે લગભગ દરેક વંશના ચિન્હો કે સિક્કાઓમાં દેખાય છે.
બાય ધ વે, સિક્કાઓમાં લક્ષ્મીજીનું મહત્ત્વ હિન્દુ રાજાઓ જ સમજતાં એવું નથી પણ ઘોરીના સિક્કાઓમાં પણ લક્ષ્મીજી હતાં શેરશાહના સમયમાં સિક્કાઓની કિંમત બની, મિન્સ એક રીતે કહીએ તો કરન્સી વેલ્યુ થઈ. જે પ્રણાલી પછીના સમયમાં ચાલુ રહી અકબરે રામ સીતાના સિક્કાની પ્રણાલિ શરૂ કરી. અકબર જ્યાં જતો ત્યાં ટંકશાળ સાથે રાખતો અને જે તે સ્થળની યાદમાં સિક્કા બનાવડાવતો. જહાંગીરના સમયમાં સિક્કા સાથે વર્ષ (હીજરી) લખવાની શરૂઆત થઇ, તેણે બેગમ નૂરજહાંના સિક્કા પણ બહાર પાડ્યા હતા.
જૂનાં ચિત્રો, સ્થાપત્યો, સાહિત્ય કે કોઇન્સનો અભ્યાસ કરવાથી જે તે સમયનો ઇતિહાસ, ફેશન, લોકસંસ્કૃતિ, દેવીદેવતાઓ, માન્યતાઓ, ધનસંપદા, રાજાઓના વંશ અને નામો, રસાયણ સહિત વિજ્ઞાન અંગેનો અભિગમ સહિત અનેક બાબતો જાણવા મળે છે. દરેક વિષયના તજજ્ઞો અને પુસ્તકો હાજર છે, શરત એટલી છે કે સમયનો ભોગ આપવો પડે. પછી રોદણાં રડીએ કે ઇતિહાસમાં કશું લખ્યું નથી. પણ સવાલ શોખ અને સમયનો છે, નહીં તો વોટ્સએપ યુનિવર્સિટીમાં રેફરન્સ છે જ અને એ જ ફોર્વર્ડેડ કરવાના મેની મેની ટાઇમ્સના ટેગ સાથે.

ધ એન્ડ : અંગ્રેજી શાસનમાં ચારના ગુણાંક પર ઇકોનોમી હતી. ચાર પૈસાનો એક આનો અને એક રૂપિયામાં ચોઠસ મિન્સ ૬૪ ભાગ હતા, વર્ષ ૧૯૫૭માં ગણતરી અનુકૂળ થાય એ હેતુથી દશાંશ પદ્ધતિ આવી અને સો પૈસાનો રૂપિયો બન્યો. ફ્રાન્સની કરન્સી પરથી ભારતમાં એક રૂપિયો, પચાસ પૈસા, પચીસ પૈસા, દશ પૈસા, પાંચ પૈસા, બે પૈસા અને એક પૈસાના સિક્કા બન્યા, એમાં સુધારો કરીને ત્રણ પૈસાના સિક્કા પણ બન્યા. નાની કરન્સી એલ્યુમિનિયમની બની અને સમય જતાં ગાયબ થવા લાગી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular