કાકા અને ભત્રીજા વચ્ચે વર્ષો પહેલા થયેલા ઝગડાનો કરૂણ અંજામ આવ્યો ને પહેલા કાકા અને તે બાદ તેના પુત્રએ જીવ ગુમાવ્યો. આ બન્નેની કથિત હત્યા કરનારા બીજો કોઈ નહી્ં, પણ ભત્રીજો યોગેશ નીકળ્યો. કાકાના દિકરાએ ધંધામાંથી કઢાવવા ચોરીનો ખોટો આરોપ લગાવ્યો ને કાકાએ પુત્રની વાત માની ભત્રીજાને પૂરતા પૈસા ન આપ્યા ને ધંધામાંથી તગેડી મૂક્યો. ખાર ખાઈ ગયેલા ભત્રીજાએ ભાડાની મીની ટ્રકથી કાકાને અઢી વર્ષ પહેલા મારી નાખ્યા. પુરાવા ન મળતા તેના પર કોઈ આળ આવી નહીં અને હત્યા અકસ્માતમાં ખપી ગઈ, પરંતુ તે બાદ કાકાના દિકરાને આ જ રીતે અકસ્માતમાં મારી નાખ્યા બાદ આરોપી પકડાયો અને તેને પકડવામાં મદદરૂપ બન્યા ટ્રકની પાછળ લખાયેલા નામ અને પેઈન્ટ થયેલા ચિત્રો.
મહેસાણાના નાની કડી રોડ પર રહેતા પટેલ પરિવારમાં સસરા બાદ પતિનું પણ અક્સમાતમાં મોત થયાનું પત્નીને ગળે ન ઉતરતા પોલીસનો સંપર્ક સાધ્યો ને પોલીસે પણ ફોરેન્સિકની મદદથી નક્કી કર્યું કે મામલો અક્સમાતનો નથી. મોટરબાઈક પર ગેયલા વિજયનો અકસ્માત થયો તે મિની ટ્રક સીસીટીવીમાં તો દેખાતી હતી, પણ તેની પાછળ નંબરપ્લેટ કે કાઈ ન હતું. પાછળ બે નામ લખ્યા હતા. જયેશ અને અંશ. કડી રોડ પર રોજના હજારો ટ્રક નીકળતા હોવાથી પોલીસ માટે આ ટ્રકમાલિકને શોધવાનું ઘણું કપરું હતું, પરંતુ નામ જોતા એક વાત લગભગ નક્કી થઈ કે ટ્રક ગુજરાતનો છે કારણ કે ગુજરાતના દર બીજા પરિવારમાં કોઈને કોઈ જયેશ મળી રહેશે.
આ ઉપરાંત ટ્રક પર દોરેલાં ફૂલ અને ડાળખી તથા અંગ્રેજીમાં ‘સ્પીડ’ અને ‘કિલોમીટર’ લખવાની પદ્ધતિ મુખ્યત્વે બનાસકાંઠાની ટ્રકોમાં વધુ જોવા મળે છે એમાંય સતલાસણાના તેલગઢ વિસ્તારની મિનિ ટ્રક પર આ પ્રકારનું લખાણ વધુ હોય છે, એટલે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો, તેલગઢ અને એની આસપાસના વિસ્તારમાં વાહનો પર પેઇન્ટિંગ કરતાં પેઇન્ટરોને ત્યાં ખબરી મોકલ્યા. ગામ નાનાં હોવાથી ઝડપથી એક પેઇન્ટરને પોલીસે શોધી લીધો કે જેની પાસે આ મિનિ ટ્રક પર ચિત્રો બનવડાવાયાં હતાં. તેના મારફતે પોલીસ ટ્રકના માલિક સુધી પહોંચી. માલિકે સ્વીકાર્યું કે તેમણે યોગેશ નામના એક કડીના વેપારીને ટ્રક રૂ. 1500ના દિવસદીઠ ભાડાથી આપી હતી. દરમિયાન પોલીસે યોગેશ પર વોચ તો રાખી જ હતી. ફોન લોકેશન્સ અને અન્ય પુરાવા મળતા યોગેશને દબોચ્યો ને યોગેશે બન્ને હત્યાઓ કથિત રીતે કબૂલી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પરિવારના એક સભ્ય કરતા વધારે જ્યારે સાથે ધંધો કરતા હોય ત્યારે પૈસાનો હિસાબ અને સ્પષ્ટતા તેમ જ લેખિત દસ્તાવેજો રાખવાની સલાહ વારંવાર આપવામાં આવે છે, પરંતુ સંબંધોમાં ઘણીવાર લોકો સ્પષ્ટતા કરવાનું ટાળે છે અને આવા કરૂણ અંજામ પણ આવે છે.