પધારો મોંઘેરા મહેમાન: સિત્તેર વર્ષ પછી ભારતમાં ચિત્તાનું આગમન થશે

વીક એન્ડ

ફોકસ-વૈભવ જોશી

ભારતમાં વનસ્પતિઓનું અદ્ભુત વૈવિધ્ય ઠેકઠેકાણે પથરાયેલું છે. પક્ષીઓ અને પ્રાણીઓની વિવિધતા પણ ખૂબ છે, જે લોકોને પોતાની તરફ આકર્ષે છે. વન અને વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે અને લોકોને તેમના પ્રત્યે જાગૃત કરવા સરકાર પણ પ્રોજેક્ટ ટાઇગર જેવી યોજનાઓ દ્વારા પ્રયત્નશીલ રહી છે. વાઘ અને સિંહ તો આપણા દેશમાં છે જ, પણ અત્યારે ચિત્તા આપણા દેશમાં જોવા નહોતા મળતા. જોકે હવે એ ભૂતકાળની વાત છે. પ્રાણીપ્રેમીઓને ઉત્સાહિત કરતા સમાચાર એ છે કે ઓગસ્ટ મહિનામાં વિશ્ર્વમાં ચિત્તાઓનું સૌથી મોટું આશ્રયસ્થાન ગણાતા નામિબિયાથી આઠ ચિત્તા ભારત આવી રહ્યા છે. ૧૯૫૨માં ભારતમાં મૂળ ચિત્તા લુપ્ત થઇ ગયા હોવાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. આજે દાયકાઓ પછી ફરી ભારતમાં ચિત્તાઓનું આગમન થશે.
ચિત્તા ધરતી પર સૌથી વધુ ઝડપે દોડી શકતું પ્રાણી ગણાય છે. ચિત્તો જ્યારે પોતાની પૂરી તાકાતથી દોડે છે ત્યારે તેની ઝડપ ૭૦ માઈલ (૧૧૩ કિ.મી.) હોય છે. આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણના નામશેષ થવાના ભયના લાલ લિસ્ટમાં ચિત્તાનો પણ સમાવેશ કરાયો છે. અત્યારે વિશ્ર્વમાં માત્ર ૭,૦૦૦ ચિત્તા
બચ્યા છે.
વર્ષ ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટે ભારતમાં ચિત્તાઓને ‘કાળજીપૂર્વક પસંદ કરાયેલા સ્થળે’ ફરી વસાવવાની પરવાનગી આપી, ત્યાર બાદ ચિત્તાઓને અહીં સુધી કેમ પહોંચાડવા તેની બે વર્ષ સુધી મથામણ કર્યા બાદ અધિકારીઓએ આખરે આ ઘોષણા કરી છે.
ચિત્તાઓને તેમનું પહેલું ઘર મધ્ય પ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં મળશે, કારણ કે ત્યાંની ભૌગોલિક રચના ચિત્તાઓને અનુકૂળ છે. તેમના આગમન માટે ભારતની આઝાદીના અમૃતવર્ષનો સમય પસંદ કરાયો છે. પર્યાવરણમંત્રી
ભૂપેન્દ્ર યાદવે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે ‘ભારતની આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં થવાના સમયે પૃથ્વીના સૌથી ઝડપી પ્રાણી, ચિત્તાનું ભારતમાં આગમન અહીંની પર્યાવરણીય પરિસ્થિતિને નવો આયામ આપશે.’ ચિત્તાની અતુલ્ય ઝડપ છતાં, ભારતમાં તેના શિકાર, રહેઠાણ અને ખોરાકની અછતને કારણે અદૃશ્ય થયા હતા. ભારતની આઝાદી સુધીમાં લુપ્ત થનારું તે એકમાત્ર મોટું પ્રાણી હતું.
એશિયાઈ ચિત્તા એક સમયે અરબી સમુદ્ર દ્વીપકલ્પથી અફઘાનિસ્તાન સુધી મળી આવતા હતા. હવે માત્ર ઈરાનમાં તેમની હયાતી હોવાનું મનાય છે. ૨૦૨૨માં ત્યાંની સરકારે આપેલી જાણકારી મુજબ ત્યાં પણ માત્ર બાર ચિત્તા જીવિત હોવાનું મનાય છે. ભારતમાં ૧૯૫૦થી ચિત્તાની વસતીને પુનર્જીવિત કરવાના પ્રયત્નો થઇ રહ્યા હતા. ૧૯૭૦ના દશકમાં જ્યારે ઈરાનમાં ૩૦૦ ચિત્તા હોવાનું જાહેર થયું હતું ત્યારે ત્યાંથી લાવવાના પ્રયત્નો થયા હતા, પણ ઈરાનના શાહને ક્રાંતિમાં સત્તા બહાર કરાયા તેથી આ યોજના પણ પડી ભાંગી.
ભારતીય અધિકારીઓ તાજેતરનો આ પ્રયત્ન લાંબે ગાળે સફળ થાય તે માટે ખૂબ આતુર છે. પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા મુજબ, ‘ચિત્તાને ભારતમાં ફરી આગમન કરાવવાનું મુખ્ય ધ્યેય તેમની વસતીને વ્યવહારુ સ્તર પર પહોંચાડી, તેને પહેલાંની જેમ શિકારી પ્રાણીઓમાં ટોચનું સ્થાન અપાવવાનું છે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.