નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
ગામડામાં જેમનું બાળપણ વીત્યું હોય તેઓ સૌ જાણતા જ હોય છે કે તેના જેવું અચરજભર્યું શૈશવ ભાગ્યે જ બીજા બાળકોને મળ્યું હશે. જાતજાતની વાતો, અફવાઓ, ભ્રામક માન્યતાઓ, ખોફનાક અને ડરામણી વાતોથી ઘેરાયેલા બાળપણના કારણે તે બાળકની કલ્પના શક્તિ ખૂબ જ વિકસે છે. હું નાનો હતો ત્યારે આવી અનેક વાતો સાંભળેલી અને તે સમયે કુતૂહલ અને ડરનો ઓથાર મનમાં છવાયેલો રહેતો. સીમના રસ્તે આવેલા ઘેઘુર ખીજડે રહેતો મામો જે અર્ધી રાત્રે બીડી માગતો, માથા વગરનો ખવીસ અમને અંધારુ થયા બાદ ઘરની બહાર જતા રોકતો. આવી અનેક વાતોમાં એક વાત સાવ અનોખી હતી. રેલવે સ્ટેશનના ગોદામના છાપરે મોડી રાત્રે એક મોટું ઘુવડ બેસી રહેતું. ત્યારે એ બાબત સમજાતી નહીં કે એ ઘુવડ અહીં જ કેમ બેસી રહેતું. પરંતુ હવે સમજાય છે કે આ ગોદામમાં ઊતરતા અનાજની બોરીઓમાંથી ઢોળાયેલા અનાજના કારણે ત્યાં ઉંદરની વસતી ઘણી. આ ઘુવડ એ ઉંદરોનો શિકાર કરવા ત્યાં અડ્ડો જમાવતું.
એક રાત્રે હું અને મારો એક મિત્ર એ અંધારે રસ્તેથી પસાર થતો હતો અને એકાએક એ ઘુવડ ક્યાંકથી આવીને છાપરે બેસી ગયું. અંધારામાં એ ઘુવડનો ઓળો જોઈને મને ભયનું લખલખું આવી ગયું અને એકાએક કંઈ વિચાર્યા વગર જે મેં એ ઘુવડને ઢેફું માર્યું. ઢેફું વાગ્યું તો નહીં પરંતુ મારા એ પ્રહાર સાથે જ એ ઘુવડ ઊડીને અંધારામાં વીલિન થઈ ગયેલું. આ જોઈને મારો જોડીદાર થરથર ધ્રુજવા માંડ્યો. મેં એને કહ્યું કે ઘુવડને તો ઉડાડી દીધું હવે કેમ ડરે છે. એ મારી સામે જોઈ રહ્યો અને પછી કહ્યું કે “મેં સાંભળ્યું છે કે ઘુવડને ઢેફું મારો એટલે ઘુવડ એ ઢેફાને લઈને ઊડી જાય અને નજીકમાં આવેલા તળાવ કે નદીમાં એ ઢેફું નાખી આવે. પાણીમાં એ ઢેફું જેમ જેમ ઓગળતું જાય એમ એમ તમારી આવરદા ઓછી થાતી જાય અને જેવું આખું ઢેફું ઓગળી જાય ત્યારે ઢેફું મારનારનું મૃત્યુ થાય! હવે ધ્રુજવાનો વારો મારો હતો. એ પછી તો કેટલાય દિવસો સુધી મને સુખે ઊંઘ પણ નહોતી આવી. રોજ રાત્રે સપનામાં પાણીમાં ધીમે ધીમે ઓગળી રહેલું ઢેફું દેખાતું.
આવી અનેક શુભ-અશુભ બાબતો આપણે સૌએ ઘુવડ બાબતે સાંભળી જ હશે. ઘુવડ લક્ષ્મીજીનું વાહન પણ છે. મેલી વિદ્યામાં પણ ઘુવડ અને ઘુવડના અંગોના ઉપયોગની વાતો સાંભળી છે. ખાસ કરીને ઘુવડના પગના હાડકાનો ઉપયોગ કરીને ધનના વરસાદ માટે થતી પૂજાઓના કારણે ઘુવડનું નિકંદન નીકળી ગયું. છેક એ હદ સુધી ઘુવડનો શિકાર થયો કે તેને નાશના આરે આવેલી પ્રજાતિઓમાં સામેલ કરીને તેને રક્ષણ આપવું પડ્યું છે. ઘુવડને કુદરતે જેવું બનાવ્યું છે એ રીતે જોઈએ તો તેના શરીરમાં અનેક ગણી શારીરિક ખામીઓ પણ આપી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ઘુવડ દિવસે આંધળું થઈ જાય છે અને રાત્રે જ જોઈ શકે છે. એનો મતલબ એ થયો કે તેની આંખમાં એવી કોઈ ખામી છે જેના કારણે તે દિવસના પ્રકાશને નિયંત્રિત કરી શકતું નથી અને તેના કારણે તે દિવસ દરમિયાન બહુ જોઈ શકતું નથી. તો સામે પક્ષે તેને કુદરતે રાત્રે બીજા પ્રાણી-પંખીઓ કરતાં અનેક ગણું વધુ જોઈ શકે તેવી ક્ષમતા આપી છે.
તો આપણને એ પ્રશ્ર્ન પણ થાય કે ઘુવડ દિવસે જો જોઈ શકતું ન હોય અને રાત્રે જોઈ શકતું હોય તો રાત્રે તો નીરવ શાંતિ હોય અને રાત્રે જો તે ઊડીને શીકર તરફ ધસી જાય તો તેની પાંખોના ફફડાટના અવાજથી શિકાર સાવચેત ન થઈ જાય ? તો એ મુદ્દે આપણે થોડી સમજણ કેળવીએ. આપણે પંખીડાઓને ઊડતા જોઈએ છીએ, પરંતુ એ ઊડતા પંખીડાઓ દૂર હોવાના લીધે તેમના પાંખો ફફડાવવાને લીધે થતા અવાજને આપણે સાંભળી શકતા નથી પરંતુ જો કોઈ સમળીએ તમારા હાથમાંથી કંઈ ખૂંચવી લેવા હુમલો કર્યો હશે તો તમે તેની પાંખ વિંઝવાથી થતા અવાજને જરૂર સાંભળ્યો હશે અથવા બાળપણમાં લાકડાની સોટી હવામાં વિંઝવાથી થતો અવાજ પણ સાંભળ્યો હશે. મતલબ કોઈ પણ પદાર્થ હવા ચીરીને ગતિ કરતો હોય ત્યારે હવા સામે જે ગતિરોધ ઊભો થાય તેના કારણે અવાજ થાય છે અને તેને આપણે એર ટર્બ્યુલન્સ કહીએ છીએ.
ઘુવડની પાંખની રચના કુદરતે એવી કરી આપી છે કે જેથી રાતના નિરવ વાતાવરણમાં પણ ઘુવડ ઊડે ત્યારે તેની પાંખ ઓછામાં ઓછો અવાજ કરે જેથી ઘુવડનો શિકાર સાવચેત ન થઈ જાય. ઘુવડના ઉડ્ડયનમાં એક સૌથી મહત્ત્વની વાત હોય તો તે એ છે કે તે ઊડવાનું શરૂ કરે અને શિકાર પર હુમલો કરે ત્યાં સુધીમાં બહુ ઓછી વાર પાંખ ફફડાવે છે જેથી પાંખ વિંઝવાનો અવાજ થવાની સંભાવના ઘણી જ ઓછી થઈ જાય. મોટે ભાગે ઘુવડ ઉડાન ભર્યા બાદ પાંખ ફફડાવવાને બદલે ગ્લાઈડ વધુ કરતું હોય છે. બીજો મહત્ત્વનો મુદ્દો તેની પાંખની સંરચના છે. ઘુવડની પાંખમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના પીંછા હોય છે. પાંખના આગળના ભાગમાં પ્રાઈમરી ફિધર્સની રચના જ એવી બની છે કે જેનાથી હવા કાપવાથી થતો અવાજ ખૂબ જ ઓછો થઈ જાય. ઘુવડના આ પ્રાઈમરી પીંછાનો સૂક્ષ્મ આકાર દાંતિયા જેવી રચના ધરાવે છે, જેથી તેની ઘનતા ઓછી થઈ જાય અને હવાના ટર્બ્યુલન્સનો અવાજ ઓછો થાય.
ઘુવડની પાંખના સેક્ધડરી એટલે કે પીંછાની બીજી હરોળ અને પાંખને છેવાડે આવેલા પીંછા આગળના પીછાઓને કારણે જેટલો પણ અવાજ થયો હોય તેને વધુ વિખેરી નાખે છે. અને તેની પાંખોની આ રચનાને કારણે જ ઘુવડ નિપુણતાથી શિકાર કરી શકે છે.
આજકાલ વૈશ્ર્વિક કક્ષાએ તમામ આવાગમન એરપ્લેનના માધ્યમથી વધુ થઈ રહ્યું છે. અને વિમાનના ઉડ્ડયનના કારણે વધી રહેલા ધ્વનિ-પ્રદુષણને ઘટાડવા માટે એરોનોટિક્સ નિષ્ણાંતો ઘુવડની શરીર રચના અને અવાજ વગરના ઉડ્ડયનનો અભ્યાસ કરી અને વિમાનોની રચનામાં તેનો ઉપયોગ કરીને ધ્વનિ પ્રદૂષણ ઘટાડી શકાય તે દિશામાં પ્રયાસ રત છે.