ઓવરથિંકિંગ: સોચ સોચ કે જી ઘબરાયે!

ઇન્ટરવલ

આનન-ફાનન-પાર્થ દવે

ભીષ્મ સાહનીની એક વાર્તા છે ‘સિફારિશી ચિઠ્ઠી’, જેનો નાયક સામાન્ય ક્લાર્ક છે. તેની રોજની જિંદગી તેના કામ જેટલી જ સામાન્ય છે. એક દિવસ ઑફિસની બહાર એક ક્યારેય ન બનેલી અને ભવિષ્યમાં બનવાની જરાય સંભાવના ન હોય તેવી ઘટના ‘ઘટે’ છે. ઉપરી અધિકારી તેને સામેથી બોલાવે છે. પેલો માણસ તો આશ્ર્ચર્યનો માર્યો આભો બની જાય છે એટલું જ નહીં, તે અધિકારી તેના ખભે હાથ મૂકે છે. તેની સાથે વાતો કરે છે. તે સામાન્ય માણસ મનોમન પાર્ટી કરવા લાગે છે. તેને તો આ દિવસ જ સુંદર સુંદર લાગવા માંડે છે. આજુબાજુના બધા લોકો સારા લાગવા માંડે છે. એકાએક તેના પગ જમીનથી અધ્ધર ચાલવા લાગે છે!
ઑફિસમાં દાખલ થાય છે ને સહકર્મીઓ તરફ નજર નાખે છે. તેઓ પણ તેને આશ્ર્ચર્યચકિત થઈને જોઈ રહ્યા છે.
આ સામાન્ય માણસ ઘરે જાય છે. પત્નીને ખુશીથી આ બનાવની વાત કરે છે. કહે છે કે ‘તે સાહેબ મારી સિફારિશ કરવાના છે, મને પ્રમોશન મળે તે માટે.’ પત્ની કહે છે, ‘ના હોય! સાચે?!’ પેલો માણસ કહે છે, ‘કેમ ન હોય?! હું કેટલાં વર્ષોથી નિયમિત ને પ્રામાણિકતાથી કામ કરું છું.’ પત્ની ખુશ થાય છે અને પોતાનાં સામાન્ય સપનાંઓ વિશે વાત કરવા માંડે છે.
પેલો માણસ હવે વિચારવા લાગે છે કે ‘સાહેબ ભલામણ કરશે, પણ પ્રમોશનનું કામ તો મારા સુપરિન્ટેન્ડેન્ટનું છેને?! એને આ ભલામણ નહીં ગમે તો?’ બોલ બોલ કરતી પત્નીને આ વાત કરે છે. પત્ની કહે છે, ‘તો શું થઈ ગયું? તમારા સુપરિન્ટેન્ડેન્ટને પણ ખબર પડશે કે તમે કેટલાં વર્ષોથી, ‘ખરેખર’ કામ કરો છો.’ પતિ ‘હા’ પાડી, પડખું ફેરવી સૂઈ જાય છે.
થોડી વાર પછી પંખો જોતાં જોતાં ફરી ક્લાર્કસાહેબ કહે છે, ‘મારી સાથે કામ કરતાં લોકો શું વિચારશે?! બધા માણસો સારા નથી હોતા! આજે સાંજે પણ મારી સામે કેવી રીતે જોતા હતા! જાણે મને મોટા સાહેબે બોલાવી કોઈ ગુનો કરી નાખ્યો હોય!’ પત્ની ફરી સમજાવે છે કે ‘એવું કંઈ ન હોય. તેઓ તમારું સન્માન કરે છે અને એમને પણ ખબર પડવી જોઈએ કે તમે શું છો અને હું તો માનું જ છું કે તમે હકદાર છો!’
ક્લાર્કને થોડી શાંતિ થાય છે. લાગે છે કે વાત તો સાચી છે! સામેથી ડિરેક્ટર રહી ચૂકેલા સાહેબે બોલાવ્યો તેમાં ખોટું શું છે?!
પત્નીને ઊંઘ આવી જાય છે. પરોઢે આંખો ખોલે છે તો બાજુમાં પતિ નથી દેખાતો. તે બાલ્કનીમાં ઊભો છે અને વિચારી રહ્યો છે કે આજે સાંજે સાહેબની ભલામણ ચિઠ્ઠી જોઈને સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ મને કેવા ધમકાવતા હશે! સાથે કામ કરતા લોકો માર પર હસતા હશે! મારું રહ્યુંસહ્યું માન પણ ઊતરી જશે.
***
તે ક્લાર્કનું પછી શું થયું, પ્રમોશન મળ્યું કે નહીં, તે વાત બાજુ પર મૂકીને એટલું કહેવું છે કે આને ‘ઓવરથિકિંગ’ કહેવાય અને આજનો વિષય કે મુદ્દો કે વાત આ છે. કેટલીક વાર આપણે નાખી દેવા જેવી વાત પર આખો દિવસ, અઠવાડિયું, મહિનો, અરે! વર્ષો સુધી વિચાર્યા કરતા હોઈએ છીએ! આ તો એક દિવસની ઘટના હતી. રાજી થવાની વાત હતી; ‘સિફારિશ કરે તો ઠીક, નહીંતર વાંધો નહીં’ એમ વિચારીને સૂઈ જવાનું હતું, પણ ‘ડિપ્રેશન’ અને ‘એન્ક્ઝાઇટી’ જેવી જ ન દેખાતી બીમારી ‘ઓવરથિંકિંગ’ના કારણે સાહેબ ગોટાળે ચડી ગયા!
માણસના મગજમાં એક દિવસમાં સરેરાશ ૬૦થી ૮૦ હજાર વિચારો આવે છે. આનાથી સંખ્યા વધે એટલે સમજવું તમે ઓવરથિંકિંગના ચોકઠામાં એન્ટ્રી મારી રહ્યા છો! બીજી એક ખાસ વાત એ કે વિચારવું એ ખોટું નથી. માણસ અને પ્રાણીમાં આ તો ફરક છે! (બાકી, પ્રાણીઓ માણસો સાથે રહીને ઑલમોસ્ટ આપણા જેવાં થવા લાગ્યાં છે! કે વાઈસેવર્સા?!) વધુ વિચારવું પણ ખોટું નથી, પણ ખોટું (નેગેટિવ) વિચારવું ખોટું છે!
શરમિંદા થયા હોઈએ, ક્ષોભ અનુભવ્યો હોય, અપમાન થયું હોય, આપણી સાથે ખોટું થયું હોય, હાર્યા હોઈએ: આ તમામ ક્ષણોને ફરી ફરી યાદ કરવી, ઘૂંટી ઘૂંટીને વિચારવી તે ખોટું છે. કોઈ એક વાતનો તંતુ પકડી રાખવો, જેનાથી પોતાને જ ચેન ન પડે તે ખોટું છે. આ વિચારવાયુથી છૂટવાનો ઇઝી ઉપાય છે: પોતાનાં અધૂરાં કામો!
હા, ઓવરથિંકિંગની શિકાર વ્યક્તિઓનાં કામો અધૂરાં જ હશે, કેમ કે વિચારોમાં ને વિચારોમાં એકેય કામ ઢંગથી પૂરાં નહીં થઈ શક્યાં હોય! એટલે સૌથી પહેલાં તો કામો એક પછી એક ઉપાડવાં. આમ કરવાથી આગળના કામ માટે ઇન્સ્પિરેશન પણ મળશે. પોતાના માટે પ્રેરણા યુટ્યુબના વીડિયોમાં કે દૂરસુદૂર કોઈ વ્યક્તિમાં શોધવા કરતાં પોતાની જાતને જ પ્રેરણા બનાવી દેવી. બીજા માટે ન બની શકીએ તો કંઈ નહીં, પોતાના માટે તો ‘પ્રેરણાસ્રોત’ બનવાનું જ.
મૂળ મામલો ધ્યાનનો છે. ‘તમારું ધ્યાન ક્યાં જાય છે’ તેનું મહત્ત્વ ઝાઝું છે. તમારું ધ્યાન વિચારોના વમળમાં છે કે વિચારોના વૃંદાવનમાં, તે ચકાસી, તમારા બેચેન મનનું કારણ સમજવું. તમારું ધ્યાન તમારા શોખ તરફ ડાઇવર્ટ કરવું. સંગીત સાંભળવું ગમે છે, ગીતો ગાવાં ગમે છે, ચિત્ર દોરવાં ગમે છે, ડાન્સ કરવો ગમે છે, રિયાલિટી શોઝ જોવા ગમે છે; તો જે ગમતું હોય તે કરો. અગાઉ ઓનલાઇન કોઈ કોર્સ જોઈન કરવાની ઈચ્છા હતી ને પૂરી નહોતી થઈ શકી કે ઑફલાઈન કોઈ ક્લાસમાં જવું હતું પણ તે વખતે નહોતું જઈ શકાયું, તો અત્યારે બેસ્ટ સમય છે. તે ઈચ્છા અભી હાલ જ પૂરી કરી નાખો.
ઓવરથિંકિંગથી બચવાનો ત્રીજો ઉપાય છે: ફોકસ ઓન ગોલ. લક્ષ્ય નિર્ધાર કરો. ગમે તેટલી અસ્તવ્યસ્ત, અનિયમિત, અલ્લડ ફકીર જેવી મદમસ્ત જિંદગી જીવતી વ્યક્તિ હોય, પણ તેનું એક લક્ષ્ય તો નક્કી હશે જ. ભલે તે પૂરું કરવાની રીત જુદી હશે. ઇટ્સ ડિપેન્ડ્સ ઓન યુ. માટે કોઈ એક લક્ષ્ય નક્કી કરી, તે પૂરું કરવાનો માર્ગ તૈયાર કરી, તે લક્ષ્ય પરત્વે પોતાનું આત્મનિરીક્ષણ અને વિશ્ર્લેષણ કરી, લાગી પડો! આ બાજુ દોડતાં જ બિનજરૂરી વિચારો તમારાથી દૂર ભાગવા માંડશે.
જે તમને તણાવગ્રસ્ત કરે છે તે વ્યક્તિ અને વસ્તુથી દૂર રહો. વ્યક્તિ તો તમે નક્કી કરી શકશો, વસ્તુ એટલે? દા. ત. સોશિયલ મીડિયા! મજા આવતી હોય તો બરાબર છે, પણ કંટાળો ચડતો હોય તો ડેન્જરસ છે. કંટાળો આપતી ચીજવસ્તુઓથી દૂર રહેવું અને તેના બદલામાં પ્રકૃતિની નજીક જવું. સુકુન મળશે, ગેરન્ટેડ.
ઓવરથિંકિંગથી બચવાની છેલ્લી રીત, કહેવા-સાંભળવામાં સહેલી છે, પણ તેનો અમલ કરવો અઘરો છે. અમલ કરશો તો ઇલાજ અકસીર છે. તે રીત છે આ: વર્તમાનમાં જીવો. ધેટ્સ ઇટ!
——————-
આવજો
મને સૂવું બહુ ગમે અને સવારે વહેલા ઊઠવાની આદત કેળવાય તે માટે મારા પપ્પાએ મને કોઈ એક રમતમાં રસ લેતી કરી. આ જ કારણે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને બસ, ત્યાર પછી આ સિલસિલો ચાલતો રહ્યો.
– મિતાલી રાજ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.