ઓવરથિંક્ંિગ કે પછી એન્ક્ઝાઈટી ડિસઓર્ડર?

ઇન્ટરવલ

ઓવરથિંકિંગ કે વધારે પડતું વિચારવું એ અમુક સંજોગોમાં વધારે સારું હોય છે, કારણ કે એના કારણે જ નવા વિચારોનો માર્ગ ખુલ્લો થાય છે, પણ ઘણી વખત આ ઓવરથિંકિંગ જ તમારો સૌથી મોટો શત્રુ બની જાય છે…

કવર સ્ટોરી -દર્શના વિસરીયા

વિચારોને કઈ રીતે ડાઇવર્ટ કરશો?
દુનિયામાં કોઈ પણ સમસ્યા એવી નથી કે જેનો કોઈ ઉકેલ ન હોય, એ જ ન્યાયે નિષ્ણાતોને મતે ઓવરથિંકિંગની સમસ્યાનો ઉકેલ પણ લાવી શકાય છે, બસ જરૂર છે નાની નાની પહેલ કરવાની-
* વધુ ને વધુ કામ કરો અને વિચારવાનું ઓછું કરો. તમે જેટલું વધારે કામ કરશો એટલું ઓટોમેટિકલી તમારી વિચારવાની પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળશે.
* માનસિક, શારીરિક વ્યસ્તતા વધારો. જૉગિંગ કરો, જિમ જઈને વર્ક આઉટ કરો. બ્રિધિંગ એક્સરસાઈઝ પર ધ્યાન કેન્દ્રિત કરો. આને કારણે તમારું ધ્યાન બીજી બાજુ પરિવર્તિત થશે અને તમે તમારા વિચારોમાંથી બહાર આવી શકશો.
* પોતાની ક્ષમતા પર વિશ્ર્વાસ રાખો અને કોઈ પણ સંજોગોમાં પોતાની જાત પર શંકા કરશો નહીં.
* જો એક સેક્ધડ માટે પણ તમને તમારી જાત પર શંકા થાય તો વિચારવાને બદલે તરત જ કોઈ નજીકની વ્યક્તિ કે પછી નિષ્ણાતની સલાહ લો.
* તમને હેરાન કરતી કે મૂંઝવતી વાતોની એક યાદી બનાવી લો. બેડ પર જવાની ૨૦ મિનિટ પહેલાં આવું કરવાને કારણે મગજને જાતે એ વાતોનો ઉકેલ શોધવાની પ્રેરણા મળશે.
* ધ્યાન કરો, મનને એકાગ્ર કરવાની ટ્રાય કરો, કોઈ પણ સકારાત્મક સ્થિતિ, પેઈન્ટિંગ, સંગીત કે પુસ્તક વિશે વિચારો.
————————————
તમે તમારે કરવાનાં કામોની લાંબીલચક યાદી તૈયાર કરી લો છો અને પછી એ લિસ્ટને જોઈ જોઈને જ તમે એટલા બધા બેચેન થઈ જાઓ છો કે તમારી રાતની ઊંઘ અને દિવસનાં સુખ-શાંતિ બધું જ હણાઈ જાય છે…
તમે કોઈ એક નિર્ણય લીધો છે અને વારંવાર તમે એ જ નિર્ણય વિશે વિચાર કર્યા રાખો છો…
તમારી આસપાસમાં કોઈ ઘટના બની છે અને તમે દિવસના ચોવીસેય કલાક બસ એ ઘટના પર જ વિચાર અને મનોમંથન કર્યા કરો છો…
અહીં ઉપર જણાવેલી ત્રણેય પરિસ્થિતિમાં તમે એટલો બધો વિચાર કરો છો કે પછી તેમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ તમને દેખાતો જ નથી કે પછી સૂઝતો પણ નથી. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમે એકલા એવા માણસ નથી કે જે આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો. હાલમાં મિશિગન યુનિવર્સિટીમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું હતું કે ૨૫થી ૩૫ વર્ષની વયના આશરે ૭૩ ટકા લોકો અને ૪૫થી ૫૫ની ઉંમરના આશરે ૫૨ ટકા લોકો ઓવરથિંકિંગનો શિકાર છે.
હવે તમને થશે કે પહેલાં તો અમે એવું કહ્યું કે ઓવરથિંકિંગ કે વધુ આગળનું વિચારવું એ સારું હોય છે અને હવે અમે કહી રહ્યા છીએ કે ઓવરથિંકિંગને કારણે તમને મુસીબતમાંથી બહાર આવવાનો રસ્તો જ નથી મળતો, બરાબરને? તો તમારું એ ક્ધફ્યુઝન દૂર કરી દઈએ કે ઓવરથિંકિંગ અને યોગ્ય રીતે વિચારવું એ બંને વચ્ચે ખૂબ જ પાતળી રેખા છે. આપણું મગજ એ એક મોટું પ્રોસેસર છે અને ૨૦૨૦માં થયેલા એક રિસર્ચ પ્રમાણે આપણા મગજમાં આખા દિવસ દરમિયાન ૬,૦૦૦ કરતાં પણ વધારે વિચાર આવે છે. આપણા નિર્ણયો કે પસંદગીનો રિવ્યુ મગજ પોતાની જાતે જ કરે છે અને આ જ યોગ્ય રીતે કામ કરવા માટે જરૂરી પણ છે, પણ જ્યારે મગજ કોઈ એક જ જગ્યાએ આવીને અટકી જાય, કોઈ એક વાત, વિચાર કે ઘટનાને લઈને મગજ વિચાર્યા જ કરે તો? સ્વાભાવિક છે કે ચિંતા થવા લાગે, એનર્જી લેવલ ઘટવા લાગે અને સૌથી મહત્ત્વનું એટલે તમારી નિર્ણય લેવાની ક્ષમતા જ કુંઠિત થઈ જાય છે. કોઈ એક જ જગ્યાએ એનર્જીનો વધુ પડતો ઉપયોગ થશે અને નવા વિચારો કે બીજા કોઈ પણ પ્રકારના વિચારો માટે એનર્જી બચશે જ નહીં. યુકે, સ્ટેનફોર્ડ અને અન્ય અનેક જગ્યા પર થયેલાં સર્વેક્ષણમાં એક જ તારણ તારવવામાં આવ્યું હતું કે મગજમાં જો વિચારોનો પ્રવાહ સંયમિત રહે તો પ્રોડક્ટિવિટી પર તેની અસર જોવા મળે છે, પરંતુ જો મગજમાં વિચારોનું ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હોય તો પ્રોડક્ટિવિટી પર તો તેની અસર થાય જ છે, પણ તેની સાથે સાથે જ આરોગ્ય પર પણ તેની વિપરીત અસર જોવા મળે છે.
આ વિશે વાત કરતાં મુંબઈના એક જાણીતા સાઈકિયાટ્રિસ્ટ જણાવે છે કે ‘આપણે બધા જ વિચારીએ છીએ, ક્યારેક ઓછું તો ક્યારેક વધારે પડતું. પણ સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે આપણે બસ વિચારતા જ રહીએ અને કામ ન કરી શકીએ. આને કારણે લાઈફની ક્વૉલિટી ખરાબ થાય છે. ઘણી વખત ઓવરથિંકિંગ એન્ક્ઝાઈટી ડિસઓર્ડરનું લક્ષણ પણ છે. જો મગજ સતત વિચાર જ કરે અને તેને કારણે અનિદ્રા અને રોજબરોજના નિત્યક્રમ પર પણ તેની અસર થાય, વ્યવહાર કે તમારા રિલેશન્સ પર તેની અસર જોવા મળે. આ બધું થાય એટલે એનો સીધેસીધો અર્થ એ થાય છે કે તમારા માનસિક આરોગ્ય પર તેની અસર થઈ રહી છે અને તમારે એક્સપર્ટ એડ્વાઈઝ લેવી જોઈએ.’
મહત્ત્વની વાત તો એ છે કે આટલા વિચારો કરવાથી કે ચિંતા કરવાથી પરિસ્થિતિમાં તો કોઈ ફેર પડવાનો નથી. આ ઉપરાંત આપણે ત્યાં એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ વધારે ચિંતા કરે છે તો તેને વધારે પડતી જવાબદાર માનવામાં આવે છે એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે એ વ્યક્તિ પાસે કોઈ પણ મુશ્કેલી કે સંકટમાંથી બહાર આવવાની આવડત છે. જ્યારે હકીકત તો એ છે કે એ વ્યક્તિ એન્ક્ઝાઈટી ડિસઓર્ડરનો શિકાર પણ હોઈ શકે.
ઓવરથિંકિંગને કારણે થનારા ગેરફાયદા અને નુકસાનની વાત તો કરી લીધી, પણ આખરે ઓળખવું કઈ રીતે કે આપણે ઓવરથિંકિંગ કરી રહ્યા છીએ એવો સવાલ થાય એ સ્વાભાવિક છે, તો આ રહ્યો તમારા સવાલનો જવાબ-
* તમે સતત ભૂતકાળ કે તમારી જૂની પરિસ્થિતિઓથી ઘેરાઈ રહેતા હોવ, તમારી કોઈ ભૂલ કે નિર્ણય માટે સતત પસ્તાવો કર્યા કરવો
* પડકારજનક, અણગમતી કે પછી અસહજ વાતચીત કે ઘટનાઓ વિશે વિચાર્યા કરવું
* અમંગળ કલ્પનાઓમાં ગળાડૂબ રહેવું
* વિચાર કરવો, પણ એને હકીકત કે વર્તનમાં અમલમાં ન મૂકી શકવું
જો તમારી અંદર આ બધાં લક્ષણો દેખાઈ રહ્યાં છે તો તમે ઓવરથિંકિંગના રસ્તે ચાલી પડ્યા છો અને વહેલી તકે તમારે તમારી જાતને રોકી લેવી જોઈએ નહીં તો આને કારણે તમને ફટિગ, નોઝિયા, માથાનો દુખાવો, એકાગ્રતામાં ઘટાડો, અનિદ્રા, ભૂખમાં ઘટાડો અને બ્લડપ્રેશરની સમસ્યા પણ નડી શકે છે… એટલે આજે જ ઓવરથિંકિંગને કહો ટાટા-બાય બાય અને વર્તમાનમાં જીવવાનું શરૂ
કરી દો… ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.